સાબરકાંઠાના ઇડરમાં દીપડાના મોતના જવાબદારાનો ઝડપી અને કડક કાર્યવાહી કરવા રજૂઆત

ચિરાગ મેઘા સાબરકાંઠા: સાબરકાંઠા ઇડર વિસ્તારમાં એક મહિનાના અંતરાલે બે દીપડાના મોત થતા વન વિભાગ દ્વારા હવે અંતિમ તબક્કામાં તપાસ ચાલી રહી છે. જોકે દીપડાના મોતને એક પખવાડિયાથી વધુ સમય થવા છતાં હજુ સુધી કોઈ ચોક્કસ તારણ સુધી વન વિભાગ પહોંચી શક્યું નથી. જેના પગલે વન્ય પ્રેમીઓમાં પણ હવે દિન પ્રતિદિન રોષ ફેલાઈ રહ્યો છે.
સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં 35થી વધુ દીપડાનો વસવાટ થઈ રહ્યો છે. જોકે છેલ્લા એક મહિનામાં ઈડર વિસ્તારમાં બે દીપડાના મોત થઈ ચૂક્યા છે જેના પગલે ઈડર વિસ્તારમાં વન્ય પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે આગામી પેઢી દીપડા જેવી લુપ્ત થતી પ્રજાતિ જોઈ શકે તેમ નથી ત્યારે હાલના તબક્કે વન્ય પ્રેમીઓ દીપડાના મોત માટે જવાબદાર આરોપીઓ સુધી પહોંચી ચોક્કસ કાર્યવાહી કરવાની અપેક્ષા રાખી રહ્યા છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ ચોક્કસ કાર્યવાહી ન થઈ હોવાના પગલે તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે એક મહિનામાં બે દીપડાના મોતને પગલે સમગ્ર જિલ્લામા હડકંપ સર્જાયો છે. સાથોસાથ ભગીરથ જીવદયા ટીમ દ્વારા દીપડાના મોત પાછળ જવાબદાર ઈસમો વિરુદ્ધ ઝડપી અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત પણ આવેદન પત્ર થકી કરવામાં આવી છે.
જોકે એક તરફ વન વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવી દીપડાના મોત માટે જવાબદાર પરિબળો બહાર લાવવાનો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે. જેમાં ખેતરની ફરતે પાક રક્ષણ માટે બનાવાય તારની વાડ સહિત લોખંડના ફાસલા જવાબદાર હોવાનું ખુલ્યું છે. જેના પગલે બે દીપડા પૈકી પાનોલ વિસ્તારમાં દીપડાના મોત માટે લોખંડનો ફાસલો મુકનારા ત્રણ આરોપી ઓને ઝડપી લઇ તેમને જ્યુડિશિયલ કાર્યવાહી કરાઈ રહી છે. તેમજ ઈશ્વરપુરા નજીક બનેલા દીપડાના મોત માટે હાલમાં વિવિધ ટીમો કામે લાગી છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ આરોપીની અટકાયત થઈ શકતી નથી. સાથોસાથ સ્થાનિક ખેડૂતો સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ વન્ય વિભાગની ટીમો આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. જોકે આ મામલે હજુ સુધી આરોપી સુધી પહોંચવામાં નિષ્ફળતા મળી છે.
સામાન્ય રીતે વન વિભાગ દ્વારા સમયાંતરે ખેડૂતો સાથે બેઠકો કરી વન્યજીવનનું રક્ષણ થાય તે માટે વિવિધ સૂચનો અપાતા હોય છે. જોકે સાબરકાંઠા જિલ્લામાં બે દીપડાના મોત થયા બાદ હાલમાં તંત્ર દ્વારા ઈડર વિસ્તારના વિવિધ ભાગોમાં એક તરફ આરોપી સુધી પહોંચવા તંત્ર મહેનત કરી રહી હોવાનું વાતો કરે છે. ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો પોતાના પાકના રક્ષણ માટે તારની વાડ કરે છે. ત્યારે વન વિભાગ દ્વારા દીપડાના મોત સહિત અન્ય વન્ય જીવોના રક્ષણ માટે આજે પણ પહાડી વિસ્તારોમાં કોઈ ચોક્કસ પગલાં લેવાયા નથી. ખેડૂત પહાડી વિસ્તારોને યોગ્ય રીતે રક્ષિત કરવામાં આવે તો નાશપ્રાય થતા દિપડા ઝરખ સહિતના પ્રાણીઓને બચાવી શકાય તેમ છે.
એક તરફ વન વિભાગના અધિકારીઓ સબ સલામત હૈ ના નારા હેઠળ દીપડાના મોત માટે જવાબદાર આરોપીઓ સુધી પહોંચવાની વાતો કરે છે. તો બીજી તરફ વન્ય પ્રેમીઓ આજે પણ તંત્રથી નારાજ છે. ત્યારે જોવું એ રહે છે કે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા આરોપીઓ સામે કેવા અને કેટલા પગલાં ભરાય છે.