ઇડરના ચડાસણ ગામે યુવકને નગ્ન કરી વરઘોડો કાઢ્યો, 9 લોકોની અટકાયત

ચિરાગ મેઘા, સાબરકાંઠાઃ જિલ્લાના ઈડરના ચડાસણ ગામના યુવકને કોલ્ડ સ્ટોરેજમાંથી ઉઠાવી લઈ ગામના કેટલાક લોકોએ નગ્ન કરી ગામમાં વરઘોડો કાઢ્યો હતો. આ સાથે નગ્ન હાલતમાં તેની પાસે માફી પત્ર લખાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે વીડિયો વાયરલ થતા જિલ્લા પોલીસે બે દિવસ બાદ આ મામલે ફરિયાદ નોંધી એટ્રોસિટી એક્ટ સહિતની કલમો લગાવીને વધુ તપાસ હાથ ધરી હતી.
સાબરકાંઠાના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારના ચડાસણા ગામના યુવકને પ્રેમસંબંધ મામલે ભારે હડકંપ સર્જાયો છે. ચડાસણા ગામના સેધાભાઈ નામના યુવકને પ્રેમસંબંધ હોવાના પગલે બે દિવસ અગાઉ કોલ્ડ સ્ટોરેજમાંથી અપહરણ કર્યું હતું. આ સાથે અપહરણ બાદ તેને નગ્ન કરી સમગ્ર ગામમાં ફેરવાયો હતો. જો કે, સેધાભાઈને જાણે કે તાલિબાની સજા અપાઈ રહી હોય તેમ નગ્ન હાલતમાં જ તેની પાસે માફી પત્ર લખાવાયું હતું. ત્યારે ગામમાં રહેતા અન્ય એક યુવાનની પઠાણી દાદાગીરીને લઈ યુવકને નગ્ન કરીને વરઘોડો કઢાયો હોવાથી રજૂઆત કરી રહ્યા છે. ખાસ કરીને યુવાનને નગ્ન અવસ્થામાં ગામમાં ફેરવ્યા બાદ તેને પોલીસ મથકે પણ લઈ જવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિક પોલીસ જવાબદારીમાંથી છટકીને સમગ્ર મામલો થાળે પાડવાના પ્રયાસમાં લાગી હતી. સ્થાનિક પોલીસની કામગીરી સામે પીડિત પરિવારો સહિત સમાજમાં જાદર પોલીસની કામગીરી સામે રોષ વ્યાપ્યો છે. આ સાથે આગામી સમયમાં પીડિત પરિવાર માટે ન્યાય મેળવવા માટે સમાજ પણ હવે એકમંચ થયો છે.
આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે અટકાયતી પગલાં શરૂ કર્યા છે. આ સમગ્ર બનાવ મામલે નવ જેટલા આરોપીઓની અટકાયત કરી છે. તેમજ અન્ય લોકોની અટકાયત કરવા માટે વિવિધ ટીમો કામે લાગી છે. જો કે, સૌથી મહત્વની બાબત એ છે કે બે દિવસ અગાઉ બનેલા બનાવ બાદ સોશિયલ મીડિયા થકી સમગ્ર મામલો ઉજાગર થયો છે. આ સમગ્ર વિગત સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આજે બે દિવસ બાદ જાદર પોલીસ સ્ટેશન સહિત ઈડર પોલીસ મથકે એટ્રોસિટી અપહરણ સહિતની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેના પગલે સ્થાનિક કક્ષાએ મોટો હડકંપ સર્જાયો છે. જો કે, પ્રેમિકાને મળવા આવેલા યુવાનને નગ્ન હાલતમાં વરઘોડો કઢાતા પોલીસે પણ તમામને ઝડપી લેવા ત્રણ જેટલી ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા અત્યારથી જ કામે લાગી છે. ત્યારે પોલીસે હાલમાં 9 જેટલા આરોપીઓની અટકાયત કરી તેમની સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે.
એક તરફ પોલીસ વિભાગ દ્વારા ભોગ બનનારા સેધાભાઈ નામના વ્યક્તિની નામજોગ ફરિયાદ દાખલ કર્યા બાદ વિવિધ લોકોની અટકાયત માટે પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે. જો કે, અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ થઈ ચૂકી છે તેમજ અન્ય લોકો સામે પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્યારે ભોગ બનનારા યુવકે સાથે બનેલી ઘટનાને એકમાત્ર ડિંડક સમાન ગણાવી હતી. તેમજ સમગ્ર કારસ્તાન પાછળ કેટલાક લોકોની મેલી મુરાદ હોવાનું જણાવ્યું હતું. ફરિયાદ નોંધાયા બાદ હવે સમગ્ર ઘટના માટે જવાબદાર તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સહિત ન્યાયની માગ કરી રહ્યા છે.
હવે આ મામલે સ્થાનિક સમાજ આગેવાનોએ એન્ટ્રી મારી છે. ઇડર વિસ્તારમાં બનેલા આ બનાવને પગલે સમાજના આગેવાને નિવેદન આપતા જણાવ્યું છે કે, જીવનના આટલા વર્ષોમાં પહેલીવાર આવી ઘટના સાંભળવામાં આવી છે. તેમજ તેની સામે ચોક્કસ કાર્યવાહી કયા કારણસર નથી થઈ શકતી તે પણ ચર્ચાનો વિષય છે. ઇડર વિસ્તારમાં છેલ્લા ૫૦ વર્ષમાં આવી ઘટના સામે નથી આવી ત્યારે હાલના તબક્કે બનેલી આ ઘટના અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે સાથોસાથ જવાબદાર સામે ઠોસ કાર્યવાહી કરવાની જરૂરિયાત છે જોકે આગામી સમયમાં મામલે કેવી કાર્યવાહી થાય છે તે પણ મહત્વનું બની રહેશે. જો પોલીસ તંત્ર દ્વારા કંઈ પણ કદાચ રાખવામાં આવશે તો આવનારા સમયમાં ચોક્કસ સમાજ સહિત સમાજના પરિવારો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવશે. તેમજ પીડિત પરિવાર માટે ન્યાય માટેની લડત આપશે તે બાબત નક્કી છે.
સાબરકાંઠાના ઇડરમાં બે દિવસ પહેલાં બનેલા નગ્ન વરઘોડા થકી આગામી સમયમાં કેવા પરિણામો સર્જાય છે એ તો સમય જ બતાવશે. પરંતુ હાલમાં નવ વ્યક્તિઓની અટકાયતના પગલે સ્થાનિક કક્ષાએ ભારે ખડભડાટ સર્જાયો છે.