રશિયા-યુક્રેન યુદ્ધમાં ગુજરાતી યુવકનું મોત, બે મહિના પહેલાં રશિયા ગયો હતો
સુરતઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણાં સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેમાં એક ગુજરાતી યુવકનું મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે, રશિયા અને યુક્રેનના યુદ્ધમાં સુરતના એક યુવકનું મોત નીપજ્યું છે. 23 વર્ષીય નવયુવાન હેમિલ માંગુકિયાનું આ યુદ્ધ દરમિયાન મોત નીપજ્યું છે.
હેમિલ એજન્ટ મારફતે કામ અને ધંધા અર્થે રશિયા ગયો હતો. એજન્ટ દ્વારા સુરતમાંથી અંદાજે 12 જેટલા યુવાનો કામ કરવા માટે રશિયા ગયા હતા. તેમાં હેમિલ માંગુકિયા પણ સામેલ હતો.
હેમિલ ડિસેમ્બર 2023માં રશિયા ગયો હતો. ત્યારે 21 ફેબ્રુઆરીએ યુક્રેન દ્વારા કરવામાં આવેલા મિશન હુમલામાં ગુજરાતી યુવક હેમિલનું મોત નીપજ્યું છે. રશિયા-યુક્રેન બોર્ડર પર ડોનેટસક વિસ્તારમાં આ ઘટના બની હતી.
ઉલ્લેખનીય છે કે, મૃતક યુવક રશિયન સેનામાં હેલ્પર તરીકે કામ કરતો હતો. મૃતક યુવકના પિતાએ 20મી ફેબ્રુઆરીએ દીકરા સાથે છેલ્લી વખત વાચતીત કરી હતી.
તેની સાથે કામ કરતા એક સમીર અહમદ નામના યુવાને જણાવ્યુ હતુ કે, ‘અમારી ઉપર એક ડ્રોન ફરતું દેખાતું હતું. ત્યારે અમારાથી અંદાજે 150 મીટર દૂર હેમિલ ફાયરિંગની પ્રેક્ટિસ કરતો હતો. ત્યારે અમે ધડાકો થવાનો અવાજ સાંભળ્યો હતો. આ સાંભળીને હું અને મારી સાથે અન્ય બે ભારતીયો અને અન્ય રશિયન જવાનો બંકરમાં છુપાઈ ગયા હતા. થોડાવર રહીને અમે જોયું તો ત્યાં જેનિલ મૃત પડ્યો હતો.’
ધ હિન્દુના અહેવાલ પ્રમાણે, ગયા વર્ષે 100 કરતાં વધારે ભારતીયોને રશિયન આર્મીએ હાયર કર્યા હતા. જેમાં ત્રણ વ્યક્તિને રશિયન સેનાની મદદ માટે હેલ્પર તરીકે નિમ્યા હતા.