July 4, 2024

ટૂંક સમયમાં રોહન ગુપ્તા BJPમાં જોડાશે એ ખાતરી છે: મનીષ દોષી

લોકસભાની ચૂંટણી 2024: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. ત્યારે દરેક પક્ષ ચૂંટણીને લઇને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ આ વચ્ચે હવે કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાના રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસમાંથી ઉમેદવારી જાહેર થયા બાદ ચૂંટણી લડવાનો ઈન્કાર કરનાર રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. રોહન ગુપ્તાએ રાજીનામાના પત્રમાં નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે તેમને મોટા નેતા દ્વારા અપમાનિત કર્યાનો ઉલ્લેખ પણ કરાયો છે. જ્યારે હવે આ વચ્ચે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ નિવેદન આપ્યું છે.

રોહન ગુપ્તાના રાજીનામા પર મનીષ દોષીએ નિવેદન આપતા કહ્યું કે, તેમના તમામ આરોપ પાયા વિહોણા છે. તેમજ ત્રણ વર્ષથી કોંગ્રેસે કોરાણે મુક્યા એ વાત સાચી છે. મનીષ દોષીએ એમ પણ કહ્યું કે, રાજ્યસભાની ચૂંટણી દરમિયાન રોહન ગુપ્તાએ બેંગ્લોર જવાની વાત તેમણે લીક કરી હતી. આ સિવાય વારંવાર દિલ્હીમાં રાષ્ટ્રીય નેતાના બંગલે બુકે લઈને જતા દેખાયા હતા. તે અંગે પૂછ્યું તો કહ્યું પીએમનો કોન્વોય આવ્યો એટલે હું અંદર ગયો હતો..

વધુમાં મનીષ દોષીએ કહ્યું કે, અનેક રાજકીય વિશ્લેષકોએ પણ આક્ષેપ કર્યા છે. અમિત શાહના નજીકના અજય પટેલ સાથે રોહન ગુપ્તાને સારા સંબંધ હતા. ઉલ્લેખનીય છે કે અજય પટેલે રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો અને રાહુલ ગાંધી કોર્ટમાં પહોંચ્યા હતા. તેમજ કોંગ્રેસને ખબર હતી કે તેઓ પક્ષ છોડીને જવાના હતા માટે જ તેમને ટિકિટ અપાઈ હતી. મનીષ દોષીએ કહ્યું કે, અમારા કાર્યકરો ફટાકડા ફોડે તો નવાઈ નહી. વારંવાર વેબસાઈટ બનાવવી,એપ્લિકેશન બનાવવી અને બાદમાં એપ્લિકેશન બાદમાં ક્યાં જાય તેનો અંદાજ આવતો ન હતો. રોહન ગુપ્તા પર આક્ષેપ કરતા તેમણે કહ્યું કે, રોહન ગુપ્તાએ કોંગ્રેસનો ઉપયોગ કરીને પદ અને પ્રતિષ્ઠા મેળવી છે.

રોહન ગુપ્તાએ ટીકીટ મળી અને પિતાની તબિયતની વાત કરીને રાજીનામું આપ્યું છે. તેમની ટાઈમલાઈન નક્કી હતી અને એ મુજબ રાજીનામું આપ્યું છે. આ સિવાય પક્ષ માટે જે વાતો કરી છે, એ જાણે ટાઇમ લાઇન મુજબ નક્કી હોય એમ લાગે છે . રાષ્ટ્રીય સ્તરે પણ એમના વિશે અમને વિગતો મળી હતી. વધુમાં કહ્યું કે પક્ષમાં રહીને તેઓ શું પ્રવૃત્તિ કરતા હતા, તેનાથી પણ સૌ કોઇ વાકેફ હતા .પાર્ટી એમને ટીકીટ આપી હતી એ અમારી સ્ટ્રેટેજી હતી અને અમને ખ્યાલ પણ આવી ગયો હતો. આ જ કારણને લઈને અમે રોહન ગુપ્તાને પાર્ટીની ઘણી વાતોથી દૂર રાખવામાં આવ્યા હતા. ટુક સમયમાં તેઓ ભાજપમાં જોડાશે એ ખાતરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર તેમણે માહિતી આપી હતી. રોહન ગુપ્તાએ ‘X’ પર કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારા પિતાના ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિના કારણે હોસ્પિટલમાં દાખલ છે અને હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ સંસદ બેઠક માટે મારી ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છું. હું પક્ષ દ્વારા નામાંકિત નવા ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપીશ.’