આરોગ્યકર્મીઓની હડતાલને લઈને ઋષિકેશ પટેલ બોલ્યા – તેમણે ઉતાવળ કરી, સમાધાનનો પ્રયાસ કરીશું

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ પાલનપુરની બનાસ જનરલ હોસ્પિટલમાં નવી બિલ્ડિંગ અને અદ્યતન ઓપરેશન થિયેટરનું લોકાર્પણ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કર્યું હતું. ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મીઓની હડતાલને લઈને કહ્યું કે, આરોગ્ય કર્મીઓએ ઉતાવળ કરી દીધી છે. ટૂંક સમયમાં સમાધાન થાય તેવા પ્રયાસો કરીશું. જ્યારે વિભાજનના નોટિફિકેશનને લઈને મંત્રીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો.

પાલનપુરની બનાસ જનરલ હોસ્પિટલમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલની નવી બિલ્ડિંગ અને અદ્યતન ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કર્યું હતું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિત ભાજપના ધારાસભ્ય અને આગેવાનોની હાજરી હતી. જો કે, સૌથી મહત્વના મુદ્દામાં અત્યારે રાજ્યમાં આરોગ્ય કર્મીઓની હડતાલ છે. આ હડતાલની અસર પણ આરોગ્ય સેવા ઉપર થઈ રહી છે.

આ મામલે આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, આરોગ્ય કર્મીઓએ હડતાલ કરવામાં ઉતાવળ કરી દીધી છે. એપ્રિલ માસમાં ચર્ચા વિચારણા કરવાની હતી, પરંતુ ઉતાવળિયો નિર્ણય લીધો છે. ત્યારે આરોગ્ય અને પંચાયત વિભાગ એકલાનું આ કામ નથી, જુદી જુદી રાજ્યની કેડરો અને તેને પર પડતી અસરો અને નાણાકીય જોગવાઈઓ પણ જોવાતી હોય છે. એટલે કે ટૂંક સમયમાં આ આરોગ્ય કર્મીઓ સાથે બેઠક કરી અને સમાધાન થાય તેવા પ્રયત્નો થશે. જો કે, જિલ્લા વિભાજનના નોટિફિકેશનને લઈને મંત્રીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, સૌપ્રથમ જાણ તમને કરીશું.