July 7, 2024

2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મોટી અપડેટ

નવી દિલ્હી: નોટબંધી બાદ સરકારે 2000 રૂપિયાની નોટો બજારમાં લાવ્યા હતા.એ પણ સરકારે પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો. આ અંગે હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, 2,000 રૂપિયાની લગભગ 97.5 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. હજુ પણ 8,897 કરોડ રૂપિયાની 2000ની નોટો લોકો પાસે જ છે. જો તમારી પાસે આ નોટ પડી રહી હોય તો સરકાર તેને RBIમાં જમા કરાવવા અનુરોધ કરી રહી છે. મહત્વનું છેકે, RBI એ 19 મે, 2023 ના રોજ ચલણમાંથી રૂ. 2,000ની નોટોને પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

સેન્ટ્રલ બેંકે કહ્યું કે, જ્યારે 19 મે, 2023 ના રોજ 2,000 રૂપિયાની બેંક નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. તે દિવસે કામકાજની સમાપ્તિ સમયે આવી કુલ 3.56 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી, જ્યારે 31 જાન્યુઆરીએ 2024ના રોજ બિઝનેસની સમાપ્તિ પર આ રકમ ઘટીને રૂ. 8,897 કરોડ થઈ ગઈ. આમ, 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી રૂ. 2,000ની કુલ નોટોમાંથી 97.5 ટકા નોટ બેંકમાં પરત આવી હતી.

આ પણ વાંચો: બજેટ 2024ની મહત્ત્વની જાહેરાત, જાણો શું છે ખાસ

‘કાનૂની ટેન્ડર રહેશે’
RBIએ કહ્યું હતું કે રૂ. 2000ની બેંક નોટો લીગલ ટેન્ડર રહેશે. દેશભરમાં આરબીઆઈની 19 ઓફિસમાં લોકો રૂ. 2,000ની નોટ બેંકમાં જમા અથવા બદલી શકે છે. લોકો ભારતમાં તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે કોઈપણ પોસ્ટ ઑફિસમાંથી કે RBIની કોઈપણ ઑફિસમાં ઈન્ડિયા પોસ્ટ દ્વારા રૂ. 2,000ની નોટ બેંકમાં મોકલી શકે છે.

આ 19 ઓફિસો છે કામની
તમને જણાવી દઈએ કે જ્યારે RBI એ 2000 રૂપિયાની નોટો બદલવા અને જમા કરાવવાની જાહેરાત કરી હતી ત્યારે RBI ઓફિસોમાં પણ લાંબી લાઈનો લાગી ગઈ હતી. RBIની આ 19 ઓફિસો અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં આવેલી છે. જો તમારી પાસે હજુ પણ 2000ની નોટ હોય તો જલ્દી જ જમા કરવી આવજો.