માત્ર 6 વિકેટ અને જાડેજા બનાવશે ઐતિહાસિક રેકોર્ડ, માત્ર 6 ખેલાડીઓને મળી છે આ સિદ્ધિ
Ravindra Jadeja: રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમ માટે બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં ઓલરાઉન્ડર ખેલાડી છે. તેમની સ્ફૂર્તિ મેદાન પર આંખે ઉડીને વળગે છે. પોતાની ઓવર્સ ઝડપથી પૂર્ણ કરવા માટે વખણાય છે અને વિરોધી બેટ્સમેનો માટે તેની સ્પિનના જાદુથી બચવું સરળ નથી હોતું. બોલિંગ સિવાય તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે બેટિંગમાં પણ ઘણા મહત્વના અવસર પર શાનદાર ઈનિંગ્સ રમી છે અને ટીમને જીત અપાવી છે. તેઓ પોતાના દમ પર મેચનો રિઝલ્ટ બદલવાની ક્ષમતા ધરાવે છે.
ટેસ્ટ ક્રિકેટમાં પાર કરશે 300 વિકેટનો આંકડો
રવિન્દ્ર જાડેજાએ ભારતીય ટીમ માટે અત્યાર સુધી 72 ટેસ્ટ મેચમાં કુલ 294 વિકેટ લીધી છે. હવે જો તેઓ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં 6 વિકેટ લેશે તો તેઓ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પૂરી કરશે. ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 6 બોલરો 300થી વધુ વિકેટ લઈ ચૂક્યા છે. જેમાં અનિલ કુંબલે, રવિચંદ્રન અશ્વિન, કપિલ દેવ, હરભજન સિંહ, ઈશાંત શર્મા અને ઝહીર ખાનનો સમાવેશ થાય છે. જાડેજા 300 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો ભારતનો સાતમો બોલર બનશે.
ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ:
અનિલ કુંબલે- 619 વિકેટ
રવિચંદ્રન અશ્વિન – 516 વિકેટ
કપિલ દેવ- 434 વિકેટ
હરભજન સિંહ – 417 વિકેટ
ઈશાંત શર્મા- 311 વિકેટ
ઝહીર ખાન- 311 વિકેટ
રવિન્દ્ર જાડેજા- 294 વિકેટ
આ પણ વાંચો: Cricket Awards: રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ પર એવોર્ડની વર્ષા, વિરાટ-અશ્વિન પણ છવાયા
ધારદાર બેટિંગ કરીને અનેકવાર અપાવી છે ટીમ ઈન્ડિયાને જીત
રવિન્દ્ર જાડેજાએ 2012માં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ, તેમણે રવિચંદ્રન અશ્વિન સાથે શાનદાર જોડી બનાવી અને છેલ્લા એક દાયકામાં આ જોડી કોઈ આજુબા સમાન બની ગઈ. જો સ્પિન બોલરો માટે પરિસ્થિતિ અનુકૂળ હોય તો જાડેજાને રોકવો ખૂબ મુશ્કેલ બની જાય છે. આંકડા પુરાવા છે કે બોલિંગ સિવાય જાડેજા બેટિંગમાં ધુરંધર છે. તેઓ લોઅર ઓર્ડરમાં ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. તેમણે ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં 3026 રન બનાવ્યા છે જેમાં 4 શતક અને 20 અર્ધશતક સામેલ છે.