September 12, 2024

દેશમાં 16 MP અને MLA પર બળાત્કાર તો 151 પર છે મહિલા અપરાધ કેસ

દીકરીઓની સુરક્ષાને લઈને છેલ્લા 12 દિવસથી આખો દેશમાં ઉકળતો ચરૂ છે, હવે આ એક રાજકીય મુદ્દો પણ બની ગયો છે. સામાન્ય માણસથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લોકો ચિંતામાં છે કે દેશમાં મહિલાઓની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી. પરંતુ વિડંબના એ છે કે કાયદો ઘડતી સંસદ અને એસેમ્બલીમાં આપણા પ્રતિનિધિઓ ચૂંટતી વખતે આપણે બધા આ ભૂલી જઈએ છીએ. રાજકીય પક્ષો આવા નેતાઓને ટિકિટ આપે છે અને આપણે મળીને તેમને સંસદ અને વિધાનસભામાં મોકલીએ છીએ. જ્યારે કાયદા ઘડનારાઓ જ કલંકિત રહેશે તો પછી દેશની દીકરીઓની સુરક્ષાની જવાબદારી કોણ લેશે?

આ પ્રશ્ન એટલા માટે છે કારણ કે ચૂંટણી સુધારણા માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)એ સાંસદો અને ધારાસભ્યોના ચૂંટણી સોગંદનામાનું વિશ્લેષણ કર્યા બાદ તેના એક અહેવાલમાં દાવો કર્યો છે કે આપણા 151 જનપ્રતિનિધિઓ પર મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 16 પર સીધા બળાત્કારના કેસ ચાલી રહ્યા છે. આ આંકડા માત્ર એવા જનપ્રતિનિધિઓના છે જેમની સામે કેસ નોંધાયા છે. આવા કલંકિત નેતાઓની વાસ્તવિક સંખ્યાનો અંદાજો જ લગાવી શકાય છે જેમની ગુનાહિત વૃત્તિની વાતો દરેકના હોઠ પર હોય છે પરંતુ કેસ દાખલ કરવાની હિંમત કોઈ કરી શકતું નથી.

ભાજપના 54 અને કોંગ્રેસના 23 નેતા દાગી
ADRના રિપોર્ટ અનુસાર, પશ્ચિમ બંગાળના સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સંબંધિત સૌથી વધુ કેસ પેન્ડિંગ છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રેસિડેન્ટ ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલાએ દેશને હચમચાવી નાખ્યો છે. રિપોર્ટ અનુસાર, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓના કેસનો સામનો કરી રહેલા જનપ્રતિનિધિઓમાં સૌથી વધુ સંખ્યા ભાજપના (54) છે. તે પછી કોંગ્રેસના 23 સાંસદો અને ટીડીપીના 17 સાંસદો અને ધારાસભ્યો છે. ADR એ 2019 અને 2024 ની વચ્ચે ચૂંટણીઓ દરમિયાન ભારતના ચૂંટણી પંચને સબમિટ કરેલા વર્તમાન સાંસદો અને ધારાસભ્યોના 4,809 એફિડેવિટ્સમાંથી 4,693 ની તપાસ કરી હતી. સંગઠને 16 સાંસદો અને 135 ધારાસભ્યોની ઓળખ કરી છે જેઓ મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ સંબંધિત કેસોનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો: મુંબઈથી કેરળ જઈ રહેલી એર ઈન્ડિયાના વિમાનમાં બોમ્બ! તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર

16 પર બળાત્કારનો કેસ
અહેવાલો અનુસાર, 16 વર્તમાન સાંસદો-ધારાસભ્યો છે જેમણે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376 હેઠળ બળાત્કાર સંબંધિત કેસો જાહેર કર્યા છે, જેમાં ઓછામાં ઓછી 10 વર્ષની સજા છે અને તેમને આજીવન કેદ સુધી વધારી શકાય છે. જેમાંથી બે સાંસદ અને 14 ધારાસભ્યો છે. આરોપોમાં એક જ પીડિતા સામે વારંવારના ગુનાઓનો પણ સમાવેશ થાય છે જે આ કેસોની ગંભીરતાને વધુ રેખાંકિત કરે છે. ભાજપ અને કોંગ્રેસના પાંચ-પાંચ વર્તમાન ધારાસભ્યો પર બળાત્કારના આરોપો લાગ્યા છે.

રાજસ્થાનમાં છ, મધ્યપ્રદેશમાં પાંચ
પશ્ચિમ બંગાળ 25 વર્તમાન સાંસદો અને ધારાસભ્યો સાથે આ યાદીમાં ટોચ પર છે જેઓ મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ સાથે સંબંધિત આરોપોનો સામનો કરી રહ્યા છે, ત્યારબાદ આંધ્રપ્રદેશ 21 સાથે અને ઓડિશા 17 સાંસદો અને ધારાસભ્યો સાથે છે. દિલ્હીમાં 13 ધારાસભ્યો, મહારાષ્ટ્રમાં 12 ધારાસભ્યો અને એક સાંસદ, બિહારમાં આઠ ધારાસભ્યો અને એક સાંસદે તેમના સોગંદનામામાં જણાવ્યું છે કે મહિલાઓ સાથે સંબંધિત ગુનાઓના કેસ નોંધાયા છે. કર્ણાટકમાં સાત, રાજસ્થાનમાં છ અને મધ્ય પ્રદેશમાં પાંચ ધારાસભ્યોએ મહિલાઓ સાથે સંબંધિત ગુનાઓના કેસ જાહેર કર્યા છે. યુપીમાં ત્રણ ધારાસભ્યો અને એક સાંસદ વિરુદ્ધ મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસ પેન્ડિંગ છે.