દીકરીની ધરપકડ મામલે DGP રામચંદ્ર રાવે કહ્યુ – રાન્યા અમારી સાથે નહીં રહેતી, આ સમાચારથી આઘાત અને દુઃખ

નવી દિલ્હીઃ કર્ણાટક રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડીજીપી રામચંદ્ર રાવની પુત્રી રાન્યા રાવની દુબઈથી સોનાની દાણચોરીના આરોપમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સમાચાર મળતાં જ ડીજીપી રામચંદ્ર રાવે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, તેમને આ ઘટના વિશે મીડિયા દ્વારા ખબર પડી અને તેઓ આઘાતમાં અને દુઃખી છે.

‘મારી પાસે કોઈ માહિતી નથી, કાયદો તેનું કામ કરશે’
રામચંદ્ર રાવે કહ્યું કે, ‘મને આ વિશે કોઈ માહિતી નહોતી. જ્યારે આ સમાચાર મીડિયામાં આવ્યા ત્યારે મને પણ આઘાત લાગ્યો છે. તે અમારી સાથે રહેતી નથી પણ તેના પતિ સાથે અલગ રહે છે. તેમની વચ્ચે કેટલીક કૌટુંબિક સમસ્યાઓ હોઈ શકે છે. ગમે તે થાય, કાયદો તેનું કામ કરશે. મારી આખી કારકિર્દીમાં કોઈ કાળો ડાઘ નથી અને હું આ બાબતે વધુ કંઈ કહેવા માંગતો નથી.’

રાન્યા રાવ પર દુબઈથી સોનાની દાણચોરી કરવાનો આરોપ
આ કેસ કર્ણાટક પોલીસના એક વરિષ્ઠ અધિકારીના પરિવાર સાથે જોડાયેલો હોવાથી તે હેડલાઇન્સમાં આવ્યો છે. જો કે, ડીજીપી રામચંદ્ર રાવે સ્પષ્ટતા કરી છે કે, તેમને આ મામલા સાથે કોઈ લેવાદેવા નથી અને કાયદા મુજબ કાર્યવાહીને સમર્થન આપશે. અહેવાલો અનુસાર, રાન્યા રાવ પર દુબઈથી ગેરકાયદેસર રીતે સોનું ભારતમાં લાવવાનો આરોપ છે. આ બાબતની તપાસ DRI દ્વારા કરવામાં આવી રહી છે અને આગળની કાર્યવાહીના ભાગરૂપે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કન્નડ અને તમિલ ફિલ્મ અભિનેત્રી રાન્યા રાવની દુબઈથી સોનાની દાણચોરીના આરોપસર બેંગ્લોરમાં ધરપકડ કરવામાં આવી છે. રાન્યાને મોડી રાત્રે બેંગલુરુના કેમ્પાગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 12.56 કરોડ રૂપિયાના 14.8 કિલો વિદેશી સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી.

વર્ષમાં 30 વખત દુબઈ ગઈ, કિલો સોના માટે 1 લાખ માંગતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાન્યા એક વર્ષમાં 30 વખત દુબઈમાં સોનાની દાણચોરી કરવા ગઈ હતી. એક કિલો સોનાની દાણચોરીના બદલામાં તેને 1 લાખ રૂપિયા મળતા હતા. તે દુબઈની એક મુલાકાતમાં લગભગ 13 લાખ રૂપિયા કમાતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણે દાણચોરી માટે મોડિફાઇડ જેકેટ અને ખાસ બેલ્ટનો ઉપયોગ કર્યો હતો.

રાજ્યના ગૃહમંત્રીએ કહ્યું, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ ટિપ્પણી નહીં કરે
કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે કહ્યું કે, જ્યાં સુધી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ તેની તપાસ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેઓ આ બાબતે કોઈ ટિપ્પણી કરી નહીં શકે. તેમણે કહ્યું કે, તપાસ ચાલુ છે. ડીઆરઆઈ આ મામલો સંભાળી રહ્યું છે અને જ્યાં સુધી તેઓ ચોક્કસ માહિતી ન આપે ત્યાં સુધી હું કોઈ ટિપ્પણી કરી શકીશ નહીં. તેમને પહેલા તેમની તપાસ પૂર્ણ કરવા દો. આંતરિક રીતે મેં મારા વિભાગને તેની તપાસ કરવા કહ્યું છે અને તેઓ કેટલીક માહિતી એકત્રિત કરશે.

રાન્યા રાવ કોણ છે?
આ અભિનેત્રી પોલીસ મહાનિર્દેશક (પોલીસ હાઉસિંગ કોર્પોરેશન) રામચંદ્ર રાવની પુત્રી છે. કર્ણાટકના ચિકમંગલુરના વતની રાન્યાએ ફિલ્મ ઉદ્યોગમાં જોડાતા પહેલાં બેંગ્લોરની દયાનંદ સાગર કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. તેણે જાણીતા અભિનેતા સુદીપ સાથે ફિલ્મ ‘માનિક્ય’ (2014) માં પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં તેણે અભિનેતાની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ અભિનેત્રીએ 2016માં વિક્રમ પ્રભુની સામે ફિલ્મ ‘વાઘા’થી તમિલ સિનેમામાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2017માં અભિનેત્રીએ ‘પટકી’ સાથે કન્નડ સિનેમામાં પુનરાગમન કર્યું હતું, જેમાં તેણે અભિનેતા ગણેશની સામે પત્રકારની ભૂમિકા ભજવી.