November 24, 2024

શા માટે તહેવારોમાં કરવામાં આવે છે રંગોળી? મુગ્ગુ એટલે ખબર છે?

Rangoli Latest Design: દિવાળીના દિવસો નજીક આવતા જ દરેક પરિવાર ઘરના આંગણે સરસ રંગોળી કરે છે. આ માટે રંગ અને કેટલાક સ્ટીકર્સની પહેલાથી જ ખરીદી કરવામાં આવે છે. જેમ જેમ દિવાળીના દિવસો નજીક આવતા જાય એમ રંગોળીમાં પણ અનેક વિવિધતા આવતી જાય. ઘણી સોસાયટીમાં તો દિવાળીના પર્વ પર મોટી રંગોળી કરવામાં આવે છે. સોસાયટીના અનેક પરિવારો સાથે મળીને એમાં રંગો પૂરે છે. આમ દિવાળી ખરા અર્થમાં એક એકતાનો તહેવાર છે. ઘણા લોકો ફૂલનો ઉપયોગ પણ રંગોળીમાં કરતા હોય છે. રંગોળીનું એક ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે.

રંગોળીની શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ
રંગોળી ન માત્ર એક કલા પણ ધર્મ, સંસ્કૃતિ અને જીવન પ્રત્યે ભારતીયોના દ્રષ્ટિકોણને રજૂ કરે છે. રંગોળીને લઈને તો ઘણી વાર્તાઓ છે. રંગોળીની શરૂઆત આખરે ક્યારે અને ક્યાંથી થઈ એને લઈને ખાસ કોઈ ઠોસ પુરાવા નથી. દક્ષિણના રાજ્યોમાં તો પરિવાર દૈનિક ધોરણે આંગણું પૂજીને જ સવારનો નાસ્તો કરે છે. રંગોળી બનાવવાની રીતમાં પણ સમયાંતરે ઘણા ફેરફારો થયા છે. હાલના સમયમાં તો કાર્ટબોર્ડ પર તૈયાર ડિઝાઈનમાં માત્ર રંગો જ ભરવાના હોય એ પ્રકારે બધુ બદલી ગયું છે. જે પહેલા ન હતું. ભારતના જુદા જુદા રાજ્યોમાં રંગોળીને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. ક્યાંક હળદરથી તો ક્યાંક ચોકથી રંગોળી કરવામાં આવે છે. ઉત્તર ભારતના રાજ્યોમાં રંગોળી બનાવવાને ચોક પૂરના પણ કહે છે. જ્યાં મંદિરોમાં ઘઉં અને ઘઉંના લોટનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો: દિવાળીમાં ફરવા જવાનો પ્લાન હોય તો આ જગ્યાઓ છે સૌથી બેસ્ટ

રંગોળીના દરેક રાજ્યમાં છે અલગ નામ
મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં રંગોળીને રંગોળી જ કહેવામાં આવે છે. જ્યાં રંગોળી બનાવવા માટે જુદા જુદા રંગોનો ઉપયોગ થાય છે. આ રંગો હોળીના રંગો કરતા અલગ હોય છે. તમિલનાડુમાં રંગોળીને કોલ્લમ કહેવાય છે. અહીં ચોખાના લોટથી પણ રંગોળી બનાવવામાં આવે છે. આંધ્ર પ્રદેશમાં રંગોળીને મુગ્ગુ કહેવાય છે. કેરળમાં રંગોળીને પુક્લ્મ કહેવાય છે. અહીંયા પણ ચોખાના લોટથી રંગોળી કરવામાં આવે છે.અગાઉના સમયમાં રંગોળી માત્ર પરણીત મહિલાઓ કરતી હતી. એવું માનવામાં આવે છે કે, રંગોળી કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેના આશીર્વાદ મળે છે. જ્યારે સ્ત્રીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. રંગોળીથી ઘરમાં એક પોઝિટિવિટીનો સંચાર થાય છે.

અહિંયા બારે માસ કરવામાં આવે છે રંગોળી
દેવી દેવતાઓને ખુશ કરવા અને ઘરમાં પોઝિટિવિટી લાવવા માટે રંગોળી એક માધ્યમ છે. ખાસ કરીને કોઈ પણ મોટા તહેવારો દરમિયાન રંગોળી કરવી શુભ માનવામાં આવે છે. ઓડિશા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તેલંગણામાં આજે પણ પરિવારો પોતાના ઘરના આંગણે રંગોળી કરે છે. પછી એમની દિનચર્ચા શરૂ થાય છે.