ડીસા જલારામ મંદિરથી નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ, જ્ઞાનપ્રકાશ સ્વામી સામે કાર્યવાહી કરવા માગ

ડીસા: છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના નિવેદનોથી હિન્દુ ધર્મના લોકોની લાગણીઓ દુભાઈ રહી છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા પૂજ્ય જલારામ બાપા પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ રઘુવંશી સમાજ અને હિન્દુ ધર્મના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આજે ડીસા ખાતે જલારામ મંદિરથી નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા પૂજ્ય જલારામ બાપા વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓનો ડીસામાં રઘુવંશી સમાજ અને હિન્દુ ધર્મના આગેવાનોએ સખત વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધના ભાગરૂપે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે સ્વામી જ્ઞાનપ્રકાશે પૂજ્ય જલારામ બાપાના ઇતિહાસને તોડી મરોડીને ભ્રામક વાતો ફેલાવી છે. જેના કારણે હિન્દુ રઘુવંશી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે. આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી હતી કે, સ્વામી સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અથવા તો તેઓ વીરપુર જઈને જાહેરમાં માફી માગે. આ ઉપરાંત જે પુસ્તકના આધારે તેમણે આ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે, તેના પર પ્રતિબંધ મૂકવાની પણ માંગણી કરવામાં આવી હતી.
આવેદનપત્ર આપતા પહેલા ડીસાના જલારામ મંદિરમાં રઘુવંશી સમાજના આગેવાનો, હિન્દુ ધર્મના આગેવાનો અને વેપારીઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્વામીના નિવેદનની સખત નિંદા કરવામાં આવી હતી. ત્યાર બાદ સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.