રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલે દર્દીને 7 ટાંકાનું 1.60 લાખ બિલ ફટકાર્યું, કડક કાર્યવાહી કરવા માગ

ઋષિ દવે, રાજકોટ: રાજકોટની ફરી એકવાર વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી છે. વોકહાર્ટ હોસ્પિટલે નાની સર્જરીમાં મોટું જાયન્ટ બિલ ફટકાર્યું છે. હેનીલ પટેલ નામના 9 વર્ષના બાળકને હાથમાં 7 ટાંકા લઇ 24 કલાક એડમિટ રાખી તોતિંગ બિલ અપાયું હતું. સમગ્ર મામલે NSUI મેદાને આવ્યું છે અને આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રી પાસે હોસ્પિટલ પર કડક કાર્યવાહી કરવા માગ કરી છે.
ડોકટરોની સર્જરીના ભાવ નિયંત્રણની માગ કરી છે. મેડિકલેમ હેઠળ સારવાર આપીને 24 કલાક બાદ બાળકને રજા અપાઈ હતી. હાથમાં 7 ટાંકાનું બિલ રૂપિયા 1 લાખ 60 હજાર આપ્યું હતું. બાળક સાંજના સમયે એડમિટ થયું છતાં પણ સવારના સમયના ડોક્ટરની વિઝીટના ચાર્જીસ લગાવાયા હતા. બાળકના હાથ પર એક પણ ઓપરેશન કરેલ નથી માત્ર ટાંકા લીધેલ છે. હોસ્પિટલમાં દર્દીના સગા પાસે 10 હજાર રૂપિયા રોકડા પણ ભરાવ્યાં હતા.
બાળકના દાદા જગદીશ પટેલ વોકહાર્ટ હોસ્પિટલ સામે કાનૂની કાર્યવાહી કરશે. બાળકના દાદાએ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. જો હિસાબ કરવામાં આવે તો એક ટાંકાના હોસ્પિટલે 22,800 રૂપિયા લીધા છે. દેશની કોઈપણ હોસ્પિટલમાં ટાંકા લેવાનો આટલો મોટો ચાર્જ નથી. મેડીકલેઇમ હોય ત્યારે હોસ્પિટલ દર્દીના સગાને પૂછી લે છે અને બાદમાં મોટા બિલ ફટકારે છે. આ પહેલા પણ ઉપલેટાના દીકરીની સર્જરીમાં ખામી રહી જતા વોક હાર્ટ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ થયા હતા.
દર્દીને 7 ટાંકાનું 1.60 લાખ બિલ ફટકારવાના મામલે વોકહાર્ટ હોસ્પિટલએ ખુલાસો કર્યો છે. દર્દીને વોકહાર્ટ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરવા લઈ આવ્યા હતા. મોટો ચેંકો હતો અને ડસ્ટ પણ હોવાને કારણે ઇમરજન્સી સર્જરી કરવી પડી હતી. સારવાર આપી બીજા દિવસે જ રજા આપવામાં આવી હતી. રજા આપ્યા બાદ ડોકટરોને પણ બતાવવા માટે આવ્યા હતા. ઇન્સ્યોરન્સ કંપનીના ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા ત્યારે પણ વાલીઓએ સંમતિ આપી હતી. જોકે ડો. હાર્દિક ધમસાણીયાએ 61 હજારનો ચાર્જ શેનો લીધો તે જવાબ આપવામાં સેન્ટર હેડે ગલ્લા તલ્લા કર્યા હતા. સેન્ટર હેડ દુષ્યંત પટેલ જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા હતા. સેન્ટર હેડ ભાન ભૂલ્યા અને વોકહાર્ટ હોસ્પિટલને બદલે સેલ્બી હોસ્પિટલ કહી હોસ્પિટલના વખાણ કર્યા હતા.