July 2, 2024

Rajkot ગેમઝોન અગ્નિકાંડ અંગે સુનાવણી થઈ, હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

જયેશ ચૌહાણ, અમદાવાદ: રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ (Rajkot TRP Game Zone Tragedy) મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. રાજકોટ અગ્નિકાંડ થયા બાદ આજે પ્રથમ વખત ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી જેમાં ગુજરાત હાઇકોર્ટે સરકાર અને મનપાઓની જવાબદારી અને અધિકારીઓની બેદરકારી મામલે ઉગ્ર વલણ દાખવ્યુ હતું.

ગુજરાત હાઇકોર્ટમાં વેકેશન ચાલી રહ્યું હતું એ દરમિયાન અગ્નિકાંડ થતા તત્કાલ મામલો જસ્ટિસ બિરેન વૈષ્ણવની બેંચ સમક્ષ મુકવામાં આવ્યો હતો, પરંતુ હવે ગુજરાત હાઇકોર્ટમાં વેકેશન પૂર્ણ થતા આજે પ્રથમવાર ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની બેંચમાં અગ્નિકાંડ મામલે સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં અરજદાર અમિત પંચાલ દ્વારા અત્યાર સુધીની કાર્યવાહી ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે રાજ્ય સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર SITના રિપોર્ટની રાહ જોઇ રહીં છે જ્યારે અમારે SITનો રિપોર્ટ જોઇતો નથી. અમે ઇચ્છીએ છીએ કે સરકાર આ મામલે એક ફેક્ટ ફાઇડિંગ કમિટીનું ગઠન કરે અને એક ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરાવે અને જવાબદારો સમક્ષ શિક્ષાત્મક પગલા લઇને દાખલો બેસાડે.

કમિશનર એવુ ન કહીં શકે કે તેમને ગેમઝોન બાબતે કોઇ જાણ નથી
રાજ્ય સરકાર અને કમિશનરના એફિડેવિટ અંગે સવાલો ઉઠાવતા હાઇકોર્ટે કહ્યું હતુ કે કમિશનર એવુ ન કહીં શકે કે તેમને ગેમઝોન બાબતે કોઇ જાણ નથી. રાજકોટ ગેમ ઝોનનું સ્ટ્રક્ચર કંઇ રાતો રાત ઉભું નહોતું કરવામાં આવ્યુ. રાજકોટ અગ્નિકાંડ બાદ જે અધિકારીઓના ફોટા ગેમ ઝોનમાં સામે આવ્યા હતા તે અંગે પણ સવાલ ઉઠાવતા હાઇકોર્ટે કહ્યું હતુ કે, આ અધિકારીઓ ત્યા ગયા હતા તો તેમને ખ્યાલ નહોતો કે કોઇ પરમિશન વિના ગેમ ઝોન અને ગો કાર્ટ ચાલી રહ્યું છે… રાજ્ય સરકારે કહ્યુ હતુ કે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહીં છે અને અમે 9 અધિકારીઓની ધરપકડ કરી છે જેના જવાબમાં હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું હતુ કે, આ અધિકારીઓ તો વર્કિંગ ફોર્સ છે. અમારે તો અસલી ગુનેગાર જોઇએ છે. આવી દુર્ઘટનાઓમાં હેડ ઓફ ઇન્સ્ટિટ્યુશન જ જવાબદાર હોય છે. હાઇકોર્ટનો સીધો ઇશારો મનપા કમિશનર તરફ હતો.

હાઇકોર્ટનો સીધો ઇશારો મનપા કમિશનર તરફ
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ગુજરાતની શાળાઓની બિલ્ડીંગોમાં પણ ફાયર સેફ્ટી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ગુજરાત સરકારે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા હતા કે રાજ્યની તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના પ્લે ગ્રુપ, પ્રિ પ્રાયમરી અને પ્રાયમરી શાળાઓની બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરીને એક મહિનાની અંદર હાઇકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરે. આ માટે શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીની અંડરમાં એક કમિટીના ગઠનની પણ વાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવી હતી.

હાઇકોર્ટના તિરસ્કારની કાર્યવાહી માટે રજૂઆત
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ અમિત પંચાલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર દરેક દુર્ઘટના બાદ SITનું ગઠન કરે છે પરંતુ કોઇ ઉકેલ કે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવતી નથી.. વકીલ અમિત પંચાલે જણાવ્યુ હતુ કે અગાઉ પણ સરકારે કાયદો બનાવ્યો હતો અને બાદમાં તેની અમલવારી પણ કરી હતી છતા પણ કોઇ દુર્ઘટના બને ત્યારે એડવોકેટ જનરલ કોર્ટમાં સોગંદનામું કરે છે અને કોર્ટને આશ્વાસન આપે છે પરંતુ ગ્રાઉન્ડ પર નિયમોનું પાલન થતુ નથી અને પરિણામે વારંવાર આવી દુર્ઘટનાઓ બનતી રહે છે… ફાયર સેફ્ટી મુદ્દે સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટે પણ નિર્દેશો આપ્યા છે ત્યારે નિર્દેશોનું પાલન ન કરનાર અધિકારીઓ સામે કોર્ટના હુકમોના તિરસ્કારની કાર્વયાહી કરવી જોઇએ અને એ અધિકારીઓને બચાવ કરવા માટે સરકારી વકીલ પણ ન મળવા જોઇએ.. વકીલ અમિત પંચાલે હાઇકોર્ટમાં દલીલ કરતા કહ્યું હતુ કે અત્યાર સુધીમાં રાજ્ય સરકાર 157 જેટલી એફિડેવિટ રજૂ કરી ચુક્યુ છે.

TRP ગેમઝોનમાં બનેલી દુઃખદ ઘટના સંદર્ભે રાજ્યના રાહત કમિશનરે વિગતો આપી.

મોકડ્રીલ અંગે ઉઠાવ્યા સવાલો

  • ગુજરાત હાઇકોર્ટે સુનાવણી દરમિયાન ફાયર વિભાગ મોકડ્રીલ ન કરતુ હોવાનું અને આગ લાગે ત્યારે લોકોને શું કરવુ જોઇએ એ જ ખ્યાલ ન હોવાની વાત પણ કરી હતી. ચીફ જસ્ટિસે હાઇકોર્ટનું ઉદાહરણ આપતા જ ટાંક્યુ હતુ કે અમે જ કોઇ દિવસ હાઇકોર્ટમાં મોકડ્રીલ નથી જોઇ. ગુજરાતની શાળાઓ સહિત તમામ ઇન્સ્ટિટ્યુશનની બિલ્ડીંગોનું ઇન્સ્પેક્શન થવુ જોઇએ અને એક રિપોર્ટ તૈયાર કરવો જોઇએ જેથી ખ્યાલ આવે કે બિલ્ડીંગમાં આર્કિટેક દ્વારા શું શું સુધારાઓ કરવાની જરૂર છે.

” ભગવાનની મરજી”
અંતમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું હતુ કે આપણે જ્યારે કંઇક કરવાનું હોય છે ત્યારે કંઇ કરતા નથી અને કંઇ થાય પછી આપણે એમ માની લઇએ છીએ કે આ તો ભગવાનની મરજી હતી એટલે થયું છે…

રિપોર્ટ જમા કરાવવા આદેશ

  • ગુજરાત હાઇકોર્ટે કલાકોની લાંબી સુનાવણી બાદ ઓર્ડરમાં મુખ્ત્વે 3 મહત્વના મુદ્દાઓ ટાંકતા કહ્યું હતુ કે રાજ્ય સરકાર SITના રિપોર્ટની રાહ જોયા વિના સમગ્ર મામલે એક સત્ય શોધક કમિટીનું ગઠન રવિવાર સુધીમાં કરી 15 દિવસની અંદર તમામ પાસાઓની વિગત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરે,,, રાજ્ય સરકારે અગ્નિકાંડ મામલે એક ડિપાર્ટમેન્ટર ઇન્કવાયરી કરે અને જે પણ જવાબદાર અધિકારીઓ છે તેમની કામગીરી અને બેદરકારીનો રિપોર્ટ રજૂ કરે.. ત્રીજા મુદ્દામાં હાઇકોર્ટે આદેશ કરતા જણાવ્યુ છે કે શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીની અધ્યક્ષતામાં કમિટીનું ગઠન કરી રાજ્યની તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પ્લે ગ્રુપ, પ્રિ- પ્રાયમરી અને પ્રાયમરી શાળાઓના બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરી એક મહિનાની અંદર રિપોર્ટ રજૂ કરે… ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે આગામી સુનાવણી 4 જુલાઇના રોજ નિયત કરી છે.