લોકમેળાને લઈને PGVCLનો માસ્ટર પ્લાન, અગ્નિકાંડ જેવી દુર્ઘટના ન બને તે માટે તકેદારી
રાજકોટ: સાતમ-આઠમના લોકમેળાને લઈને લોકોની સુરક્ષાને ધ્યાને રાખી PGVCLએ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ વર્ષે લોકમેળામાં અન્ડર ગ્રાઉન્ડ લાઇનનું નેટવર્ક ઉભું કરવા માટે પીજીવીસીએલે એક્શન પ્લાન બનાવ્યો છે.
TRP ગેમ ઝોનની દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પીજીવીસીએલ માસ્ટર પ્લાન સાથે મેદાનમાં ઉતરશે. મેળાના આયોજન સ્થળોએ અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. પીજીવીસીએલના સુપ્રિડેન્ટ એન્જિનિયર જેબી ઉપાધ્યાયએ આ મામલે સમગ્ર માહિતી આપી છે.
તેમણે જણાવ્યુ છે કે, ‘મેળામાં કે ધાર્મિક સ્થળે અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાંખવામાં આવશે. પીજીવીસીએલ દ્વારા દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રનો સૌથી પ્રખ્યાત લોકમેળો યોજાશે. જેમાં પણ વહીવટી તંત્ર દ્વારા અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાંખવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં સ્ટોલધારકો ફિટનેસ સર્ટિફિકેટ રજૂ નહીં કરે ત્યાં સુધી વીજ કનેક્શન આપવામાં આવશે નહીં. આ નિયમનો સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમલ કરવામાં આવશે.’