December 22, 2024

સહારામાં રોકાણ કરનારા લોકો બન્યાં ‘બેસહારા’, 500 કરોડ અટવાયા

રાજકોટઃ સહારામાં રોકાણ કરનારા લોકોને હવે રડવાનો વારો આવ્યો છે. રાજકોટના રોકાણકારોના 500 કરોડ જેટલા રૂપિયા અટવાયા છે. રોકાણ કર્યા બાદ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો લાચાર બન્યા છે. રાજકોટના 3 હજાર એજન્ટો પણ રોકાણ કરી ફસાયા છે. એજન્ટ અને રોકાણકારોના 500 કરોડ રૂપિયા ફસાયા છે. રૂપિયા પરત મેળવવા લોકો હવે આંદોલનની તૈયારીમાં છે. CRCS સહારા રીફંડ પોર્ટલ શરૂ થયા બાદ રૂપિયા મળ્યા નથી. વર્ષ 2023માં પોર્ટલ શરૂ થયા બાદ પણ રૂપિયા નથી મળ્યા.


ન્યૂઝ કેપિટલે રોકાણકારો સાથે વાતચીત કરી હતી અને તેમની સ્થિતિ જાણી હતી. રાજકોટના જરિયા પરિવારના રૂપિયા પણ ફસાયા છે. કાચા મકાનમાં રહીને પાપડનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવે છે. સહારા ઈન્ડિયામાં રોકાણ કરી બહેનોને રડવાનો વારો આવ્યો છે.

ન્યૂઝ કેપિટલે સહારા ઈન્ડિયાના એજન્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. ટિમ એજન્ટ મહેન્દ્ર મારુના ઘરે પહોંચી હતી. વર્ષ 2003થી મહેન્દ્ર મારુ એજન્ટ તરીકે કામ કરતા હતા. એજન્ટ મહેન્દ્ર મારુએ પણ 25 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. એજન્ટોએ ઘર ગીરવે મૂકીને નાણા પરત કરવા પડ્યા છે. હજુ પણ રોકાણકારોને કરોડો રૂપિયા પરત આપવાના બાકી છે.

સહારા ઈન્ડિયાના મેનેજર સાથે પણ ખાસ વાતચીત કરી હતી. ન્યૂઝ કેપિટલની ટીમ ઓફિસ પર પહોંચી હતી અને તેમની સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, મેનેજરે કહ્યુ કે, સેબી અને સહારા કંપની વચ્ચે કેસ ચાલે છે. કેસ ક્યારે પૂર્ણ થશે તેનો ખ્યાલ નથી. કંપની તમામના રૂપિયા પરત આપી દેશે.