સરકારને તસતસતો તમાચો! જર્જરિત સ્કૂલ માટે ગ્રાન્ટની ના પાડતા ભૂતપૂર્વ વિદ્યાર્થી-ગામલોકોએ ફાળો ઉઘરાવી બનાવી

ધ્રુવ મારુ, જેતપુરઃ તાલુકાના મેવાસા ગામે 6થી 7 જેટલા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તેવી એક હાઈસ્કૂલ આવેલી છે. પરંતુ તેની ઇમારત અતિજર્જરીત થઈ જતા હાઈસ્કૂલ બંધ થઈ જાય અને વિદ્યાર્થીઓ રઝળી પડે તેવી સ્થિતિ હતી. ત્યારે સરકારની સહાયની રાહ જોયા વગર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અને ગામવાસીઓએ એકઠાં થઈ લાખો રૂપિયાનું ફંડ એકઠું કરી હાઈસ્કૂલનું નિર્માણ કરાવી શિક્ષણની મોટી મોટી વાતો કરતી સરકારને ગાલે લપડાક મારી છે.

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરથી 17 કિમી દૂર મેવાસા ગામ આવેલું છે. આ ગામમાં વર્ષ 1975માં બનેલી હાઈસ્કૂલ અતિજર્જરીત થઈ ગયી હોવાથી ગામલોકોએ એકઠાં થઈ ફંડ ભેગું કરી હાઈસ્કૂલનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. પરંતુ હાઈસ્કૂલના નિર્માણમાં ફંડ ઘટતા ગામમાં જ એક ભાગવદ્ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં આવેલી રકમનો અમુક ભાગ સ્કૂલમાં ઉપયોગ કરવામાં આવશે.

આ હાઇસ્કૂલનું નામ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય છે. આ હાઈસ્કૂલને 50 વર્ષ થઈ જતા તેની ઇમારત જર્જરીત થઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓ માટે ભયજનક બની ગઈ હતી. જેથી ગામલોકોએ હાઈસ્કૂલને ગામમાં જ આવેલી રામબાપા આશ્રમ નામની ધાર્મિક જગ્યામાં સ્થળાંતર કરી હતી. હાઈસ્કૂલ તો સ્થળાંતર થઈ ગઈ પરંતુ તે ધાર્મિક જગ્યા હોવાથી ત્યાં કોઈને કોઈ ઉત્સવ ચાલુ હોય છે. તેને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પહોંચતી હતી અને બીજીબાજુ જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જો સ્કૂલની માલિકીની ઇમારત નહિ હોય તો હાઈસ્કૂલ બંધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

હાઈસ્કૂલમાં મેવાસા ગામ સહિત જાંબુડી, હરિપર, વાળા ડુંગરા, જેપુર, ભાદરા, રબારીકા સહિતના પાંચથી છ જેટલા ગામોના વિદ્યાર્થીઓ નિઃશુલ્ક અભ્યાસ કરે છે. જો હાઈસ્કૂલ બંધ થઈ જાય તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની જાય. કેમ કે, અહીં મોટાભાગે પછાત વર્ગના વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરતા હોય છે. તેમની બહારગામ અભ્યાસ કરવા જવાની ક્ષમતા ન હોવાથી તેઓ હાઈસ્કૂલ બંધ થઈ જાય તો અભ્યાસ જ છોડી દે તેવી સ્થિતિ પેદા થાય.

આ હાઇસ્કૂલની હાલત અંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ગામલોકો એકઠાં થયા હતા અને નિર્માણ માટે ફાળો એકત્રિત કર્યો હતો. જેમાં લગભગ 30 લાખ જેવી રકમ થઈ જતા હાઈસ્કૂલની ઇમારતનું કામ ચાલુ કરાવ્યું હતું. જેમાં લગભગ છ વિશાળ રૂમ, હોલ, ઓફીસ તેમજ ફરતે કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ થયું હતું. તે નિર્માણ કર્યા પૂર્ણતાના આરે પહોંચ્યું તો હવે ફંડ પણ પૂરું થઈ જતા ગામલોકો ફરી મૂંઝાયા હતા.

ત્યાં તેમણે હાઈસ્કૂલનું નિર્માણ ભાગવદ્ સપ્તાહ બેસાડી હતી. તેમાં એકત્રિત થયેલા ફંડથી અધૂરું નિર્માણ પૂરું કરવામાં આવ્યું હતું. તો હવે ઇમારતના નિર્માણ કાર્યમાં ઘટતી રકમ માટે ફરી ભાગવદ્ સપ્તાહ કરીએ તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે કથા શરૂ થઈ તેનો પણ પાંચમો દિવસ છે અને હવે સ્કૂલ નિર્માણ ઉપરાંત સીસીટીવી કેમેરા, વૃક્ષારોપણ સહિતનું ફંડ એકઠું થઈ જતા હાઈસ્કૂલ નવા સત્રમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તૈયાર થઈ જશે અને તેમાં ફરીથી વિદ્યાર્થીઓની કિલોલ પણ ગૂંજવા લાગશે.

બીજી બાજુ સરકાર મોટી મોટી વાતો કરે છે કે, છેવાડાનો માનવી પણ શિક્ષણથી વંચિત રહેવો ન જોઈએ. આવી જાહેરાતો પાછળ લાખો કરોડો રૂપિયા વાપરે છે. પરંતુ અસંખ્ય ગામોમાં જર્જરીત ઇમારતોના વાંકે સ્કૂલો બંધ થવાની નોબત આવે છે. એટલે શિક્ષણ બાબતે સરકારે ખોટા બણગા ફૂંકવા કરતા શિક્ષણ માટે પાયાની જરૂરીયાત એવી ઇમારત, શૈક્ષણિક સ્ટાફ પૂરો પાડવો જોઈએ.

મેવાસા ગામે તો પૂરતા વિદ્યાર્થીઓ અને પૂરતો સ્ટાફ છે, પરંતુ ઇમારત ન હતી. આ બાબતે સરકારમાં રજૂઆત કરી તો કહેવામાં આવ્યું કે, ટ્રસ્ટ સંચાલિત હાઉસ્કૂલ છે પરંતુ હાઈસ્કૂલ તો ગામ સંચાલિત ટ્રસ્ટ હસ્તકની અને વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક અભ્યાસ કરાવવામાં આવે છે. શિક્ષકો પણ પૂરતા પ્રમાણમાં છે. પરંતુ સરકારના આવા બહાનાથી ગામમાંથી હાઈસ્કૂલ ચાલી જાય અને વિદ્યાર્થીઓ રઝળી પડે તે પહેલા હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગામલોકોએ ફાળો એકત્રિત કરી આધુનિક ઇમારતનું નિર્માણ કરી સરકારના ગાલે તમતમતો તમાચો માર્યો હતો.