February 24, 2025

જેતપુર-રાજકોટ હાઇવે પર સિક્સ લેનનું કામ ગોકળગતિએ, ટ્રાફિકજામથી વાહનચાલકો હેરાન

ધ્રુવ મારુ, અમરેલીઃ જેતપુર-રાજકોટ સિક્સ લેન રોડનું કામ ખૂબ ધીમી ગતિએ અને યોગ્ય ડાયવર્ઝન વગર ચાલતું હોવાથી ઠેરઠેર દરરોજ બેથી ત્રણ કલાકનો ટ્રાફિકજામ સર્જાય છે. જેમાં એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ ફસાઈ જતા હોવાની ફરિયાદ મળતા પરિવહન ખાતાના રાજ્યકક્ષાના મંત્રી અહીં આવ્યા હતા. તેમણે ફરિયાદના નિવારણ કરવા અધિકારીઓને સૂચના આપી દીધી હોવાનું જણાવ્યું હતું.

જેતપુર-રાજકોટ સિક્સ લેન રોડનું કામ અંદાજિત બે વર્ષથી ચાલુ છે. સિક્સ લેન જેવા રોડનું કામ ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર ચાલુ તો કરવામાં આવ્યું હતું. પરંતુ યોગ્ય પ્રકારનું ડાયવર્ઝન આપવામાં આવ્યું નહોતું. તેને કારણે દરરોજ જેતપુરથી રાજકોટ વચ્ચે ઠેરઠેર બેથી ત્રણ કલાકના ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે.

દરરોજના ટ્રાફિકજામથી વાહનચાલકોના સમય, ઇંધણ અને પૈસાનો વ્યય થાય છે. વાહનચાલકોને આટઆટલી મુશ્કેલી હોવા છતાં કામ ઝડપથી કરવાને બદલે સાવ ધીમી ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે. જેતપુરથી રાજકોટ ફોરલેન હતી ત્યારે દોઢ કલાકમાં પહોંચી જતા હતા, જ્યારે હાલ રસ્તામાં ટ્રાફિકજામ ન સર્જાય તો ત્રણ કલાક અને ટ્રાફિકજામ સર્જાય તો કલાક ગણવાના જ નહીં!

આવા ટ્રાફિકજામમાં દર્દીઓને તાત્કાલિક સારવાર માટે લઈ જતી એમ્બ્યુલન્સ પણ દરરોજ ફસાઈ જાય છે. જેના કારણે દર્દીઓના જીવ પર જોખમ ઉભો થયો છે. વાહનચાલકો આટલી મુશ્કેલી ભોગવે છે, છતાંય નેશનલ હાઇવે ઓથોરોટી જેતપુરથી રાજકોટ વચ્ચે બે-બે જગ્યાએ વાહનચાલકો પાસેથી મસમોટા ટોલ ટેક્સ તો વસૂલે જ છે. આ ઉપરાંત અન્ય ફરિયાદના અનુસંધાને કેન્દ્રના પરિવહન ખાતાના રાજ્યકક્ષાના મંત્રી અજય ટામટા ગઈકાલે રાજકોટ આવ્યા હતા.

પરિવહન મંત્રીએ વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ, દર્દીઓ સહિતની એમ્બ્યુલન્સ દરરોજ ફસાઈ જતી હોવા અંગે અધિકારીઓને સૂચના આપી દીધી હોવાનું જણાવ્યું હતું. પરિવહન મંત્રી તો આશ્વાસન આપીને છૂટી ગયા પરંતુ વાસ્તવમાં વાહનચાલકોને આ દરરોજ પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે કે સમસ્યા યથાવત્ રહેશે તે આગામી સમય જ બતાવશે.