January 22, 2025

જેતપુરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા પંદર જેટલા લોકો સાથે છેતરપિંડી, એક આરોપીની ધરપકડ

રાજકોટઃ જેતપુર બેંક ઓફ બરોડામાં ક્રેડિક કાર્ડનું કામ કરતા પ્રદીપ વાળા નામનો બેંક કર્મચારી જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના કુલ પંદર જેટલા ગ્રાહકોનાં ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા તેમજ કાર્ડની લિમિટ વધારવાના બહાને ગ્રાહકોને ફસાવીને ક્રેડિટ કાર્ડના આગળ-પાછળ ફોટા પાડી ગ્રાહકને કાર્ડ બંધ કરાવવા ઓટીપી આવ્યો હશે, તેમ કહી ઓટીપી મેળવી મિત્ર મારફતે ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરાવી ફ્રોડમાં મળેલા રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવી લેતો જેમાં તેમનો મિત્ર પણ ભાગ લેતો હતો.

જેતપુરમાં અમુક ક્રેડિટ કાર્ડના કાર્ડ બંધ ન થતા બેંકમાં જઈ તપાસ કરાવતા તેમના ક્રેડિટ કાર્ડમાંથી ઓનલાઇન રકમ ઉપડી ગયેલી હોવાથી બેંક મેનેજરને ફરિયાદ કરતા કોઈ જવાબ આપ્યો નહોતો. ત્યારે આ મામલે જેતપુર સીટી પોલીસમાં અરજી આપી હતી. ત્યારબાદ દસથી પંદર જેટલી ક્રેડિટ કાર્ડની અરજી આવતા જેતપુર સીટીપીઆઈએ ગંભીરતા સમજી ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ મુજબ ગુનો નોંધી બીએનએસ એક્ટ હેઠળ ગુનો નોંધી સીટી પીઆઇ એડી પરમાર દ્વારા તપાસ શરૂ કરાઈ હતી.

જેતપુર બેંક ઓફ બરોડામાં આરોપી છેલ્લા બે વરસથી ક્રેડિટ કાર્ડ વિભાગમાં કર્મચારી તરીકે નોકરી કરતો હતો. ચારેક મહિના પહેલાં ક્રેડિટ કાર્ડ ધારકે બેંક મેનેજરને ફરિયાદ કરતા બેંક દ્વારા પ્રદીપ વાળાને ટર્મીનેટ કરી દેવામાં આવ્યો હતો.

જેતપુર બેંકમાં ક્રેડિટ કાર્ડ વિભાગમાં કર્મચારી તરીકે કામ કરતા પ્રદીપ વાળા દ્વારા દસથી પંદર જેટલા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ મેળવી ફ્રોડ કર્યું હતું. આરોપી પ્રદીપ વાળા ગ્રાહકોને ફોન કરી ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા તેમજ કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડ બંધ કરવા બેંક આવે ત્યારે ક્રેડિટ કાર્ડ લઈ લેતો હતો અને આગળ પાછળ ફોટા પાડી લેતો હતો. ત્યારબાદ તેના મિત્રને મોકલતો હતો. સહઆરોપી રવિ માનસિંગ વાળા તરત ઓનલાઇન મોબાઈલ એપ્લિકેશન મારફતે રૂપિયા ઉપાડી લેવા ટ્રાન્જેકશન કરતો બાદમાં ક્રેડિટ કાર્ડ ગ્રાહકના મોબાઈલમાં ઓટીપી જનરેટ થતા આરોપી પ્રદીપ ભીખુભાઇ વાળા ગ્રાહક પાસેથી ઓટીપી મેળવી મિત્રને વોટ્સઅપ મારફતે મોકલી આપતો હતો. ત્યારબાદ રવિ વાળા રૂપિયા ટ્રાન્સફર કરી લેતો હતો. ત્યારબાદ બંને આરોપીઓ ફ્રોડમાં મેળવેલી રકમ લઈને ભાગ પાડી લેતા હતા.

આરોપી બેંકનો કર્મચારી હોવાથી ભરોસો કરી ઓટીપી આપી દેતા જેતપુરમાં અંદાજે દસથી પંદર જેટલા ગ્રાહકોએ ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા તેમજ ક્રેડિટ વધારવા માટે બેંક કર્મચારીને ઓટીપી આપી દેતાં અંદાજે 3.65 લાખ રૂપિયાનું ફ્રોડ કર્યા હોવાની પ્રાથમિક માહિતી છે. ત્યારે જેતપુર પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં વધુ પૂછપરછ માટે રિમાડ માગતા કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાડ મંજૂર કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. જ્યારે તેમનો સાથી મિત્ર સહઆરોપી રવિ માનસિંગ વાળાને પકડવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે.

જેતપુર સીટી પીઆઈ એડી પરમાર દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, બેંકમાં અથવા કોઈપણ જગ્યાએ ક્રેડિટ કાર્ડ સબબ કામ કરો ત્યારે ઓટીપી કોઈને પણ આપવા નહીં. કારણ કે આવા લોકો વિશ્વાસમાં લઈ દુરુપયોગ કરી સાયબર ફ્રોડ આચરતા હોય છે. આપણી પરસેવાની કમાણી પલભરમાં ટ્રાન્સફર થઈ જાય છે. ત્યારે ક્રેડિટ કાર્ડ અથવા કોઈપણ બેંક મોબાઈલ એપ્લિકેશનનો વહીવટ હોય ત્યારે ઓટીપી કોઈ પણને ના આપવા જેતપુર સીટી પોલીસ પીઆઇ દ્વારા અપીલ કરાઈ છે.