જસદણના આંબરડીમાં આવેલી જીવન શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, આરોપીની ધરપકડ

જસદણઃ તાલુકાના આંબરડી ગામે આવેલી જીવન શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. ગૃહપતિ પર વિદ્યાર્થીઓને રૂમમાં બોલાવીને ગંદી હરકતો કરતા હોવાનો આરોપ લાગ્યો છે. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ગૃહપતિ કિશન ગાગડીયાની ધરપકડ કરી છે.

આ મામલે વિદ્યાર્થી અને વાલીઓએ આચાર્યને રજૂઆત કરી હતી. પરંતુ આચાર્યએ ઉડાઉ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, હોસ્ટેલમાં તો આવું જ ચાલશે. ત્યારે ગૃહપતિ પર 14 વર્ષના બાળકો સાથે વિકૃત સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

હોસ્ટેલમાં ગંદી હરકતો કરતો હોવાનો ઓડિયો પણ સામે આવ્યો છે. ત્યારે વાલી દ્વારા ગૃહપતિ કિશન ગાગડીયા અને આચાર્ય રત્નાભાઈ રાઘવાણી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગૃહપતિ અને આચાર્ય વિરુદ્ધ એક વિદ્યાર્થીના વાલીએ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ જર્જરિત હાલતવાળા રૂમમાં રહેતા હતા.

આ મામલે જસદણ પોલીસે પોક્સો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે ફરિયાદને આધારે જસદણ પોલીસે ગૃહપતિ કિશન ગાંગડીયાની ધરપકડ કરી છે.