June 30, 2024

Rajkot અગ્નિકાંડ મામલે RMCના વધુ બે અધિકારી સસ્પેન્ડ

રાજકોટઃ શહેરમાં 25 મેના રોજ સાંજે 5.30 વાગ્યા આસપાસ TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં રાજકોટ મનપાના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવતા પોલીસ દ્વારા મનપાના ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. જેને લઈ મનપા કમિશનર દ્વારા તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠિયા અને એટીપીઓ મુકેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે અન્ય બે આરોપી ગૌતમ જોશી અને રોહિત વિગોરાને એક સપ્તાહ પૂર્વે રાજ્ય સરકારના સીધા આદેશથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

હાઇકોર્ટમાં 6 જૂને વધુ સુનાવણી
રાજકોટ અગ્નિકાંડ મામલે પોલીસ કમિશનર અલગથી હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કરશે. આ ઉપરાંત ચીફ ફાયર ઓફિસર ફાયર સેફ્ટી અંગે કરેલી કામગીરી અંગે સોગંદનામુ રજૂ કરશે. રાજ્યમાં ચાલતા ગેમિંગ ઝોન અને સેન્ટરોનું લિસ્ટ અને એક્શન ટેકન રિપોર્ટ અંગે પણ સોગંદનામુ રજૂ કરશે. ભવિષ્યમાં કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે અંગે પણ સરકાર સોગંદનામુ રજૂ કરશે. હાઈકોર્ટે તમામ પક્ષકારોને 3 જૂન સુધીમાં એફિડેવિડ ફાઇલ કરવા આદેશ આપ્યો હતો. જ્યારે આગામી 6 જૂને વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

કયા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ?
TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ, ધવલ ઠક્કર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. તેમાંથી હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 28નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.