July 2, 2024

Rajkot અગ્નિકાંડ મામલે SITના વડાએ કહ્યું – તપાસ ઘણો સમય માગી લે તેમ છે !

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડ મામલે સરકારે SITની રચના કરી છે અને તેમને તપાસ સોંપી દીધી છે. ત્યારે SITના વડા સુભાષ ત્રિવેદીએ આ સમગ્ર મામલે માહિતી આપી હતી. આ ઉપરાંત છેલ્લા બે કલાકથી તેમની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મિટિંગ ચાલી રહી હતી. જેમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને એસઆઇટીની કામગીરી અંગે હર્ષ સંઘવીએ માહિતી મેળવી હતી.

સુભાષ ત્રિવેદીએ આ મામલે જણાવ્યુ હતુ કે, ‘આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર ઘટના મામલે SITની કામગીરી ચાલી રહી છે. ગૃહ રાજ્યમંત્રી સાથેની મિટિંગમાં તેમણે સમગ્ર કામગીરી રિવ્યૂ કરી છે. સરકાર જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે તૈયાર છે. અમે જે પ્રાથમિક દૃષ્ટિએ દેખાયું છે તેની રજૂઆત કરી છે. કોઈપણ માણસ જવાબદાર હશે તો તેને શોધી કાઢવામાં આવશે અને તેની સામે કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો છે.’

આ પણ વાંચોઃ રાજકોટમાં 8 ગેમઝોનના સંચાલકો સામે ફરિયાદ, તમામ રફુચક્કર

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, મિટિંગ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરતા ભવિષ્યમાં આવો બનાવ ન બને તે માટે સિસ્ટમ બનાવવાની સૂચના આપી છે. કોઈપણ વ્યક્તિ હશે તેમની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ તેમની જવાબદારી નક્કી કરીને આંકલન રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. આ દુર્ઘટનામાં ઘણા વિભાગ સંકળાયેલા છે એટલે તપાસ ઘણો સમય માગી લે તેમ છે.’

આ પણ વાંચોઃ Rajkot Fire Tragedy મામલે વધુ એક આરોપીની ધરપકડ, ભાગીદાર કિરીટસિંહ ઝડપાયો

આગળ તેઓ જણાવે છે કે, ‘અમારામાં પણ આ ઘટનાને લઈને આક્રોશ અને વેદના છે. તમામ IAS-IPS-IFSને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે. આ દુર્ઘટના સાથે સંકળાયેલા હશે તે તમામ વ્યક્તિઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત પેટ્રોલવાળા મુદ્દે યોગ્ય તપાસ કરીને પેટ્રોલિયમ એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવશે.’