ધોરાજીમાંથી મળેલું કંકાલ મહિલાનું, પોલીસે બે ભાઈઓની ધરપકડ કરી
રાજકોટઃ જિલ્લાના ધોરાજીમાં ઘરકંકાસથી કંટાળીને કારખાનામાં જ કામ કરતા શખ્સે તેના ભાઈ સાથે મળી 9 મહિના પહેલાં પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ તેને કારખાનામાં જ દાટી દીધી હતી. હાલ પોલીસે આ સમગ્ર મામલે બંને ભાઈઓની ધરપકડ કરી છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે બંધ કારખાનામાંથી મળી આવેલા માનવ કંકાલ અંગે તપાસ હાથ ધરતા પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાની શંકા મુજબ તપાસ કરતા આ બનાવમાં પોલીસને ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, આ કંકાલ મહિલાના હોવાનું સામે આવ્યા બાદ રાજકોટ ગ્રામ્ય LCB પોલીસે શકમંદને ઉઠાવી પુછપરછ કરતા બીજું કોઈ નહિ પરંતુ મહિલાની હત્યાના તેના જ પતિ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ કારખાનામાં જ અગાઉ કામ કરતા વિપીન યાદવે ઘરકંકાસથી કંટાળી તેના ભાઈ સૌરભ સિંઘ સાથે મળી હત્યા નિપજાવી લાશ દાટી દીધી હોવાનું સામે આવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.