રાજકોટમાં પિતરાઈ ભાઈ અને તેના મિત્રનું સગીરા પર અવારનવાર દુષ્કર્મ, 22 માસનો ગર્ભ રહેવાથી ભાંડો ફૂટ્યો

ઋષિ દવે, રાજકોટઃ શહેરમાંથી એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં રહેતી 12 વર્ષીય સગીરાને પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે તબીબ પાસે લઈ જવામાં આવી હતી. તબીબી પરીક્ષણમાં સગીરાને 22 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ઝીરો નંબરથી એફઆઇઆર દાખલ કરી રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવી છે. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરા સાથે તેના સગીર વયના કૌટુંબિક ભાઈ અને કૌટુંબિક ભાઈના સગીર વયના મિત્ર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેરમાં બાળકોને ઘરે એકલા મૂકીને નોકરી કરનારા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં રહેતો એક પરિવાર થોડા દિવસો પૂર્વે વેકેશન કરવા માટે સગાસંબંધીને ત્યાં મહારાષ્ટ્ર ગયો હતો. જ્યાં બાર વર્ષીય દીકરીને પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં 12 વર્ષીય સગીરાને 22 માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. ત્યારે માતા પિતા દ્વારા બાળકીને તેની સાથે આ હીન કૃત્ય કોના દ્વારા કરવામાં આવ્યું તે બાબતે પૂછપરછ કરતા કૌટુંબિક ભાઈના મિત્રનું નામ આપ્યું હતું. જેથી મહારાષ્ટ્ર ખાતે કૌટુંબિક ભાઈના મિત્ર વિરુદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ઝીરો નંબરથી એફઆઇઆર નોંધીને રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવી હતી.

બાળકી અને તેનો પરિવાર જ્યારે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો, ત્યારે બી ડિવિઝન પોલીસ દ્વારા બાળકીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. જે અંતર્ગત બાળકીએ હકીકત જણાવી તેનાથી તેના માતા-પિતાના પગતળેથી પણ જમીન સરકી ગઈ હતી. પોલીસ સમક્ષ સગીરાએ જણાવ્યું હતું કે, તેની સાથે દુષ્કર્મ એક વ્યક્તિએ નહીં પરંતુ બે-બે વ્યક્તિએ આચર્યું હતું. તેમજ પાંચથી છ વખત દુષ્કર્મ તેના જ સગીર વયના પિતરાઈ ભાઈ દ્વારા આચરવામાં આવ્યું હતું. તેમજ એક વખત દુષ્કર્મ સગીર વયના પિતરાઈ ભાઈના મિત્ર દ્વારા આચરવામાં આવ્યું હતું. જ્યારે જ્યારે માતા અને પિતા નોકરી અર્થે જતા હતા ત્યારે તેની એકલતાનો લાભ લઈ સગીરવયના હેવાનો તેના ઘર આવતા હતા. ત્યારબાદ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતા હતા.

ત્યારે હાલ તો પોલીસ દ્વારા ભોગ બનનારી પીડિતા તેમજ બંને સગીર વયના આરોપીઓનું પણ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. તેમજ બનાવ સંદર્ભે જરૂરી પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા છે. બંને સગીર વયના આરોપીઓની અટકાયત કરી તેમને બાળ અદાલત ખાતે રજૂ કરવામાં આવતા બાળ અદાલત દ્વારા બંને સગીર વયના આરોપીઓને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવાનો હુકમ સંભળાવવામાં આવ્યો છે.