રાજસ્થાનમાંથી પાકિસ્તાન ISIનો જાસૂસ ઝડપાયો, 2013થી સંપર્કમાં હતો

રાજસ્થાનઃ ઇન્ટેલિજન્સ એજન્સીએ પાકિસ્તાનની ISI માટે જાસૂસી કરનારા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ISI માટે જાસૂસી કરવાના આરોપસર જેસલમેરના રહેવાસી પઠાણ ખાનની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, 1923 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આરોપીને અંદાજિત એક મહિના પહેલા કસ્ટડીમાં લેવાયો હતો. આરોપીને કસ્ટડીમાં લેવાયો ત્યારથી તેની પૂછપરછ કરવામાં આવતી હતી. ત્યારે 1 મે, 2025ના રોજ આરોપીની કાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે.

પૂછપરછમાં આરોપી પઠાણ ખાન 2013માં પાકિસ્તાન ગયો હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં આવ્યો હતો. પાકિસ્તાન દ્વારા પઠાણ ખાનને પૈસાની લાલચ આપવામાં આવી હતી. પઠાણ ખાનને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી દ્વારા તાલીમ પણ આપવામાં આવી હતી.

2013 બાદ પણ પઠાણ ખાને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અધિકારીઓને મળવાનું ચાલુ રાખ્યું હતું. આરોપી જેસલમેર આંતરરાષ્ટ્રીય સરહદ સંબંધિત સંવેદનશીલ અને ગુપ્ત માહિતી પાકિસ્તાની હેન્ડલર્સ સાથે શેર કરતો હોવાનું સામે આવ્યું છે.