November 22, 2024

Surat-Panchamahal સહિતના વિસ્તારના વાતાવરણમાં પલટો, વરસાદ પડતા ઠંડક પ્રસરી

Rain Update News: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. આ વચ્ચે હવે સૌરાષ્ટ્ર, દ.ગુજરાત અને મ.ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત શહેરમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો.

કાળઝાળ ગરમી બાદ સુરતમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ સિવાય પંચમહાલમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધીમેધારે વરસાદ પડ્યો હતો. મલાવ , મધવાસ , સણસોલી , દેલોલમાં વરસાદ વરસ્યો હતો. ધીમીધારે વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી.

આ પણ વાંચો: ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદ… ફરીથી પડશે કાળઝાળ ગરમી, હવામાન વિભાગે આપી ચેતવણી

ઉલ્લેખનીય છે કે હવમાન વિભાગની આગાહી અનુસાર પંચમહાલ, નર્મદા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાહોદ, છોટાઉદેપુર, દાદરાનગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જોકે, મોડી રાતે સુરતમાં વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. આ સિવાય વરસાદને લઇ વીજ પુરવઠો બંધ કરાતા અંધારપટ છવાયો હતો.