December 21, 2024

સુરત લોકસભા ચૂંટણી પર રાહુલ ગાંધી ભડક્યા તો કેન્દ્રીય મંત્રીએ આખો ઈતિહાસ જણાવી દીધો

Surat: સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા બાદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે લોકોના તેમના નેતા પસંદ કરવાનો અધિકાર છીનવી એ બંધારણને નષ્ટ કરવા તરફનું પગલું છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ રાહુલ ગાંધીના આરોપ પર વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે દેશના સંસદીય ઈતિહાસમાં આ પહેલીવાર નથી જ્યારે કોઈ વ્યક્તિ બિનહરીફ સંસદમાં ચૂંટાઈ આવી હોય. આ પહેલા 35 ઉમેદવારો બિનહરીફ જીત્યા છે.

કેન્દ્રીય મંત્રીએ ઈતિહાસ જણાવ્યો
રાહુલ ગાંધીના આરોપ પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જવાબ આપ્યો. પુરીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ‘સુરતની ચૂંટણી પહેલી નથી જ્યાં સંસદની ચૂંટણી બિનહરીફ થઈ હોય. દેશની આઝાદી બાદથી અત્યાર સુધી 35 ઉમેદવારો સંસદમાં બિનહરીફ ચૂંટાયા છે. ફરી એકવાર સંપૂર્ણ માહિતી વિના ટિપ્પણી કરવામાં આવી છે. સુરતમાં મુકેશ દલાલની બિનહરીફ થયેલી ચૂંટણી પર આવી ટિપ્પણી કરીને કોંગ્રેસના યુવા નેતાએ ફરી એકવાર તેમના પ્રખ્યાત ઉપનામને યોગ્ય ઠેરવ્યો છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ‘લોકશાહીમાં તેમનો વિશ્વાસ મજબૂત થશે જ્યારે તેઓ જાણશે કે બિનહરીફ ચૂંટાયેલા 35 ઉમેદવારોમાંથી અડધા કોંગ્રેસના હતા. ષડયંત્ર રચવાની તેમની માન્યતા ડગમગી જશે જ્યારે તેમને ખબર પડશે કે 1980માં તેમના ગઠબંધનના નેતાઓ ડૉ. ફારૂક અબ્દુલ્લા અને 2012માં ડિમ્પલ યાદવ પણ બિનહરીફ ચૂંટાયા છે. તેમણે કદાચ દક્ષિણ ગોવાની બેઠક પરથી તેમના પક્ષના ઉમેદવાર વિરિયાતો ફર્નાન્ડીઝનું નિવેદન સાંભળ્યું નથી. જેઓ બેવડી નાગરિકતાની માંગણી કરી રહ્યા છે અને કહે છે કે ગોવા પર બંધારણ લાદવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ સુરતની ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું હતું કે ‘તાનાશાહનો અસલી ચહેરો ફરી એકવાર દેશની સામે આવ્યો છે. લોકોનો તેમનો નેતા પસંદ કરવાનો અધિકાર છીનવી લેવો એ બાબા સાહેબ આંબેડકરના બંધારણને નષ્ટ કરવા તરફનું બીજું પગલું છે. હું ફરી એકવાર કહી રહ્યો છું કે આ માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી. આ દેશને બચાવવાની ચૂંટણી છે. બંધારણની રક્ષા માટેની ચૂંટણી છે.

સુરત લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન નામંજૂર કરવામાં આવ્યું હતું. ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે આઠ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી. આવી સ્થિતિમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચૂંટણીની રેસમાં એકમાત્ર ઉમેદવાર બચ્યા હતા. જે બાદ તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.