September 18, 2024

‘ક્યાં સુધી કરશો આંખ આડા કાન’, ઈન્દોરની ઘટના પર રાહુલ ગાંધીના સવાલ

Rahul Gandhi on Madhya Pradesh Incident: કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં સેનાના બે જવાનો સાથે થયેલ હિંસા અને તેમની મહિલા સાથી પર દુષ્કર્મની ઘટનાને લઈને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરીને લખ્યું, “મધ્યપ્રદેશમાં સેનાના બે જવાનો સામેની હિંસા અને તેમની મહિલા સાથી પર બળાત્કાર સમગ્ર સમાજને શરમાવા માટે પૂરતો છે.”

રાહુલ ગાંધીએ આગળ લખ્યું, “ભાજપ શાસિત રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લગભગ અસ્તિત્વહીન થઈ ગઈ છે અને મહિલાઓ સામેના દિવસેને દિવસે વધતાં ગુનાઓ પ્રત્યે ભાજપ સરકારનું નકારાત્મક વલણ અત્યંત ચિંતાજનક છે. ગુનેગારોની આ નિર્ભયતા પ્રશાસનની સંપૂર્ણ નિષ્ફળતાનું પરિણામ છે અને તેના કારણે દેશમાં વધી રહેલું અસુરક્ષિત વાતાવરણ ભારતની દીકરીઓની આઝાદી અને તેમની આકાંક્ષાઓ પર અંકુશ સમાન છે. સમાજ અને સરકાર બંને શરમ અનુભવે અને ગંભીરતાથી વિચાર કરે. દેશની અડધી વસ્તીની સુરક્ષાની જવાબદારીથી કયા સુધી આંખ આડા કાન કરશો!

જીતુ પટવારીએ ગણાવ્યું જંગલરાજ
આ ઘટના બાદ મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીએ પણ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. જીતુ પટવારી તો જંગલરાજ ગણાવી દીધું. મીડિયા સાથે વાત કરતા જીતુ પટવારીએ કહ્યું કે જો મધ્યપ્રદેશની ભાજપ સરકારમાં સેનાના અધિકારીઓ જ સુરક્ષિત નથી તો અહીં સામાન્ય જનતાની શું હાલત થશે? આર્મી ઓફિસર લૂંટાય છે અને તેના મિત્ર પર સામૂહિક બળાત્કાર થાય છે. પોલીસે બે દિવસ સુધી મામલો દબાવી રાખ્યો હતો. મુખ્યમંત્રી પોતે ગૃહમંત્રી છે અને ઇન્દોરના પ્રભારી મંત્રી પદે છે. તેઓએ માતા અહિલ્યાના શહેર ઈન્દોરને ગુનાખોરીનું શહેર બનાવી દીધું છે.