November 23, 2024

લખનઉના અમૌસી એરપોર્ટ પર રેડિયોએક્ટિવ એલિમેન્ટ લીક થતા ખળભળાટ

Lucknow: શનિવારે સવારે લખનઉ અમૌસી એરપોર્ટ પર રેડિયોએક્ટિવ એલિમેન્ટ લીક થતાં હડકંપ મચી ગયો હતો. આ એલિમેન્ટ કેન્સર વિરોધી દવાઓમાં હતું, જેનું કન્ટેનર લીક થઈ રહ્યું હતું. તપાસ કરી રહેલા ત્રણ કર્મચારીઓને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર ઘટના શનિવારે બની હતી.

કેન્સર વિરોધી દવાઓનું કન્ટેનર લખનઉના અમૌસી વિસ્તારમાં આવેલ ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ગુવાહાટીની ફ્લાઈટ દ્વારા મોકલવાનું હતું. એરપોર્ટની ડોમેસ્ટિક કાર્ગો ટર્મિનલ બાજુમાં કન્ટેનરનું સ્કેનિંગ થઈ રહ્યું હતું. એટલામાં મશીનની બીપ વાગવા લાગી. જેના કારણે કોઈ ગરબડ થવાની આશંકા ગઈ.

સ્થળ પર હાજર સ્ટાફે કન્ટેનર ખોલીને જોયું તો અંદર કેન્સર વિરોધી દવાઓ હતી. આ દવાઓમાં રેડિયોએક્ટિવ તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. કન્ટેનર લીક થઈ રહ્યું હતું જેનાથી નીકળતી ગેસને કારણે કર્મચારીઓના બેભાન થવાની વાત પણ સામે આવી છે. જો કે, એરપોર્ટ પ્રશાસને કર્મચારીઓના બેહોશ થવાના મામલે ઇનકાર કર્યો છે. ત્રણ કર્મચારીઓને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે અને લીક થતા કન્ટેનરને સુરક્ષિત રીતે અલગ કરી દેવામાં આવ્યું છે. કેસની તપાસ ચાલી રહી છે. એરલાઇન્સ રાબેતા મુજબ ચાલી રહી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટનાસ્થળ પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે.