September 20, 2024

આ ગુજરાતી ફિલ્મના શૂટિંગ દરમિયાન આઈ વરૂડીએ આપ્યો હતો પરચો!

અમદાવાદ: આપણુ મોઘામુલુ રતન એવા ઉપેન્દ્ર ત્રિવેદી આપણી વચ્ચે ભલે નથી રહ્યા પરંતુ તેઓ તેમના અભિનય થકી આપણા સૌની વચ્ચે હંમેશા રહેશે. ગુજરાતી ફિલ્મોમાં અદ્ભૂત ભૂમિકાઓ ભજવનારા ઉપેન્દ્ર ત્રિવદીના જીવનમાં ફિલ્મ દરમિયાન એક એવી ઘટના બની હતી, જેના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો.

વાત છે ઉપેન્દ્ર ત્રિવેદી સ્ટારર ગુજરાતી ફિલ્મ રા’નવઘણની. આ ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ પંડ્યા, ઉર્મિલા ભટ્ટ, મહેશ દેસાઈ, યજક્ષી ટી અને સ્નેહલતા મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મ રા’નવઘણ 19 ફેબ્રુઆરી 1976માં રિલીઝ થઈ હતી. હિંદી ફિલ્મના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેએ પણ ફિલ્મમાં પોતાના સ્વર આપ્યો હતો.

રા’નવઘણ ફિલ્મના નિર્માણ વખતે એક એવી ઘટના ઘટી હતી કે આ પ્રકારની કોઈ ઘટના ગુજરાતી ફિલ્મના ઈતિહાસમાં હજુ સુધી ઘટી નહીં હોય. વાત કરીએ આ ફિલ્મની તે ઘટના વિશે તો જયારે દરીયાકાંઠે આઈ વરૂડી ચકલી બનીને આવે, તો નક્કી કર્યુ હતુ કે બનાવટી ચકલી બેસાડીને સીન શૂટ કરી લેવાનો હતો પરતું એ સમયે જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદી ભાલો લઈ દરિયા વચ્ચે જાય છે ત્યારે ખરેખરમાં એક ચકલી ઉડીને તેમના ભાલા પર બેસી જાય છે. ત્યારે આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ તે સમયે પણ આઈ વરૂડી હકિકતમાં ચકલી બનીને રા’નવઘણ (ઉપેન્દ્ર ત્રિવેદી)ને રસ્તો દેખાડવા આવ્યા હતા તે વાત ખુબ જ ચર્ચામાં રહી હતી. જે બાદ આ ફિલ્મ જોવા માટે વરૂડી માતાજીમાં શ્રદ્ધા ધરાવતા ભક્તો ફિલ્મ જોવા માટે સિનેમાઘર સુધી આવ્યા હતા અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી.

આઈ વરૂડી માતાનો નેસ.

જોકે આ ફિલ્મ અને ફિલ્મ પહેલા એક દંતકથા છે કે, જ્યારે રા’નવઘણ પોતાના કાફલા સાથે સિંધ જવા રવાના થયા હતા ત્યારે તેમને આઈ વરૂડીએ તેમના કાફલાને અટકાવી તેમના માટે એક જ વાસણમાંથી ભોજન કરાવ્યું હતું અને બાદમાં તેમને સીધા જ રસ્તો પાર કરવા જણાવ્યું હતું પરંતુ સામેની બાજુ દરિયો હોવાથી રા’નવઘણ આગળ જવા માટે થોડા ખચકાયા હતા, ત્યારે આઈ વરૂડીએ તેમને કહ્યું હતું કે જ્યારે તમારો ઘોડો દરિયામાં પહોંચશે ત્યારે તમારા ભાલા પર ચકલી આવીને બેસસે અને તે બાદ દરિયો તમને રસ્તો આપી દેશે. અને બન્યું પણ એવી જ જ્યારે રા’નવઘણ દરિયા પાસે પહોંચ્યા ત્યારે આઈ વરૂડી ચકલી બનીને આવ્યા અને રા’નવઘણના ભાલા પર બેસી ગયા અને બાદમાં દરિયામાંથી થઈ રા’નવઘણની સેના આગળ વધી હતી. આમ આ દંતકથા હાલામાં પણ લોક મુખે ચર્ચામાં છે.

ઉલ્લેખનિય છે કે, રા’નવઘણ એ શરૂઆતના ચુડાસમા રાજા હતા. જેઓ ગુજરાતના સૌરાષ્ટ્રના લોકગીતોથી જાણીતા હતા. તેમની રાજધાની વામનસ્થલી (હવે વંથલી) ખાતે હતી જે બાદમાં તેઓ તેમના શાસનના છેલ્લા વર્ષો દરમિયાન જૂનાગઢમાં સ્થળાંતરિત થયા હતા.