18 મહિના ટ્રાયલ, પછી ફાંસીની સજા અને અંતે કૂટનૈતિક જંગ…
અમદાવાદઃ કતારની જેલમાં બંધ પૂર્વ ભારતીય નૌસૈનિકોને આખરે 18 મહિના પછી મુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જાસૂસી કરવા મામલે તેમની કતારમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્યાંની કોર્ટે તેમને ફાંસીની સજા સંભળાવી હતી. પરંતુ ભારતના સરકારના અથાક પ્રયત્નોને અંતે તમામ 8 પૂર્વ અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા છે.
18 મહિના દરમિયાન કતારમાં શું-શું બન્યું… તેની ટાઇમલાઇન
ઓગસ્ટ 2022 – આઠ ભારતીય નાગરિકોને અજ્ઞાત કારણોને લીધે ધરપકડ કરીને જેલમાં નાંખ્યા. રિપોર્ટ્સ પ્રમાણે, તેમણે કતારની જાસૂસી એજન્સીએ જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી હતી.
ઓક્ટોબર 2022 – આ તમામ નાગરિક કતારમાં ઓક્ટોબર 2022થી કેદ હતા. ત્યારબાદ દોહામાં ભારતીય રાજદૂત અને મિશનના ઉપપ્રમુખે નૌસેનાના દિગ્ગજો સાથે મુલાકાત કરી. 3 ઓક્ટોબરે તમામ નાગરિકોને પહેલો કાઉન્સેલર એક્સેસ મળ્યો. ડહરા ગ્લોબલના સીઇઓએ તેમના અધિકારીઓની મદદ કરી હતી. પરંતુ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. બે મહિના એકાંત જેલવાસ ભોગવ્યા પછી તેમને જામીન મળ્યા હતા.
માર્ચ 2023 – પહેલી માર્ચે તમામ પૂર્વ નૌસૈનિકોની જામીન અરજી કતાર કોર્ટે રદ કરી હતી. 25 માર્ચે કોર્ટમાં તમામ 8 પૂર્વ નૌસૈનિકો સામે આરોપ પત્ર મૂકવામાં આવ્યા હતા અને 29મી માર્ચે કતારના કાયદા પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મે 2023 – મે મહિનામાં અલ-ધારા ગ્લોબલે દોહામાં પરિચાલન બંધ કરી નાંખ્યું હતું. તેથી ત્યાં કામ કરનારા તમામ લોકોએ ઘરવાપસી કરવી પડી હતી.
ઓગસ્ટ 2023 – ધરપકડ કરાયેલા લોકોમાં તેમના સહકર્મીઓ સાથે એકાંત કારાવાસમાં જેલવોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાં પ્રત્યેક સેલમાં બે લોકો હતા.
ઓક્ટોબર 2023 – આઠ ભારતીયોને 26 ઓક્ટોબરે કતારની કોર્ટમાં મોતની સજા સંભળાવવામાં આવી હતી. ભારતે નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યુ હતુ કે, આ કેસના તમામ કાનૂની વિકલ્પ શોધશે.
નવેમ્બર 2023 – મોતની સજા સામે અપીલ કરવામાં આવી અને કતારની ઉચ્ચ અદાલતે અરજી સ્વીકારી હતી. ભારતીય નાગરિકોની ધરપકડ થઈ હતી, તેમના કાયદાકીય સલાહકારોની ટીમે આ અપીલ દાખલ કરી હતી. ભારતે કહ્યુ કે, કતારની એક અદાલત આઠ પૂર્વ ભારતીય નૌસેના કર્મીઓને આપવામાં આવેલી મોતની સજા સામે સુનાવણી કરશે અને તેની સામે સકારાત્મક નિર્ણયની આશા છે. વિદેશ મંત્રાલયે કહ્યુ કે, ભારત આ મામલે કતારના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યું છે અને સરકાર ભારતીય નાગરિકોને તમામ કાયદા અને દૂતાવાસ સંબંધી સહાયતા આપવાનું ચાલુ રાખશે.
ડિસેમ્બર 2023 – કતારમાં ભારતીય રાજદૂતે આઠ પૂર્વ ભારતીય નૌસેના કર્મીઓની મુલાકાત લીધી હતી. 27 ડિસેમ્બરે કતારની એક અપીલીય અદાલતમાં તમામ આઠ પૂર્વ ભારતીય સૈનિકોની મોતની સજાને ઓછી કરાવી હતી. અપીલીય અદાલતના નિર્ણયને ભારતે એક મોટી કૂટનૈતિક જીત ગણાવી હતી. આ ફેંસલો દુબઈમાં COP28 શિખસ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરી હતી, તેના થોડા અઠવાડિયા પછી આ નિર્ણય આવ્યો હતો.
જાન્યુઆરી 2024 – કતારની એક અદાલતે આઠ ભારતીય પૂર્વ નૌસેના કર્મીઓના મોતની સજા ઓછી કરવાના એક અઠવાડિયા પછી વિદેશ મંત્રાલયે કહ્યુ કે, કતારની સુપ્રીમ કોર્ટમાં આ મામલે અપીલ કરવા માટે 60 દિવસની સમયમર્યાદા મળી છે. એક પ્રેસ બ્રિફિંગ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યુ હતુ કે, વિદેશ મંત્રાલયની કાયદાકીય ટીમ પાસે કોર્ટનો આદેશ છે, જે એક ગોપનીય દસ્તાવેજ છે.
12 ફેબ્રુઆરી – કતારમાં મોતની સજા મળેલા ભારતીય નૌસેનાના આઠ દિગ્ગજોને દોહાએ મુક્ત કર્યા છે. તેમની મુક્તિ પછી કેન્દ્ર સરકારે એક નિવેદન બહાર પાડી, ભારતના આઠ અનુભવી અધિકારીઓને મુક્ત કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે જણાવ્યુ છે કે, ‘ભારત સરકાર આઠ ભારતીય નાગરિકોના મુક્તિનું સ્વાગત કરે છે. કતારમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં 7માંથી 8 લોકો ભારત આવી ગયા છે. અમે આ નાગરિકોની ઘરવાપસી અને મુક્તિ માટે કતારના અમીરના નિર્ણયના વખાણ કરીએ છીએ.’