December 22, 2024

PM મોદીનું પુતિનને આમંત્રણ, ભારત-રશિયા સંબંધોમાં થશે નવી શરૂઆત

Russia: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ભારત આવવાનું ઔપચારિક આમંત્રણ આપ્યું છે. ક્રેમલિનના અધિકારી યુરી ઉશાકોવે એક બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે પુતિનની મુલાકાતની તારીખો 2025ની શરૂઆતમાં નક્કી કરવામાં આવશે. આ આમંત્રણ પાછળનો ઈરાદો ભારત અને રશિયા વચ્ચે વધી રહેલા સંબંધોને વધુ મજબૂત કરવાનો હોવાનું જણાય છે.

રશિયા અને ભારત વચ્ચે વેપાર, સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે લાંબા સમયથી સહયોગ રહ્યો છે. આ મુલાકાત બંને દેશોના નેતાઓને વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે ચર્ચા કરવાની તક પૂરી પાડશે. પુતિન અને મોદી વચ્ચે પહેલાથી જ એક કરાર છે કે તેઓ નિયમિત અંતરાલ પર મળશે. આ મુલાકાત એ કરારનો એક ભાગ છે જે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદરૂપ થઈ શકે છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશના હિંદુઓ માટે અવાજ ઉઠાવવો જોઈએ, સોનૂ સુદે કહ્યું- ‘મને ગર્વ છે, હું હિંદુ છું’

તમને જણાવી દઈએ કે ભારત અને રશિયા બંનેએ વૈશ્વિક સ્તરે ઘણા મુદ્દાઓ પર સમાન વલણ અપનાવ્યું છે. મળતી માહિતી મુજબ આ સંભવિત મુલાકાત દરમિયાન યુક્રેન સંઘર્ષ, ઉર્જા સંકટ અને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં વધતા તણાવ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે ભારત અને રશિયા વચ્ચેની આ વાતચીત આંતરરાષ્ટ્રીય સ્તરે બંને દેશોની સ્થિતિને મજબૂત બનાવી શકે છે.