December 26, 2024

વ્યાજખોરીના દુષણને ડામવા સુરેન્દ્રનગર પોલીસ દ્વારા કરાયું જનસંપર્ક સભાનું આયોજન

વિજ્ય ભટ્ટ, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાજના ચક્રમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળી સંબંધિત પોલીસ અધિકારીઓને તાત્કાલિક 3 દિવસમાં કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.  તેમજ વ્યાજના ચક્કરમાં લોકો ન ફસાય તે માટે બેંકમાંથી લોન અપાવવા માટે પણ પોલીસ દ્વારા મધ્યસ્થી બની લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરીના દુષણને કારણે અનેક પરિવારો વ્યાજન ખપ્પરમાં હોમાઇ રહ્યાં છે ત્યારે આ વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ દ્વારા જનસંપર્ક સભાનું આયોજન સુરેન્દ્રનગર, સાયલા અને ધ્રાંગધ્રા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પોલીસ વડા તેમજ LCBના અધિકારીઓ તેમજ અલગ અલગ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ જનસંપર્ક સભામાં બેંકના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. વ્યાજ તેમજ અસામાજીત તત્વોની ચુંગાલમાં ફસાયેલા લોકો દ્વારા જિલ્લા પોલીસ વડાને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી અને જે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમની રજૂઆતોનો ત્રણ દિવસમાં નિકાલ કરવાની સુચનાઓ આપવામાં આવી હતી. તેમજ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોને વ્યાજના ચક્કરમાંથી બહાર કાઢવા માટે બેંકમાંથી લોન અપાવવા માટે મધ્યસ્થી બની લોકોને મદદરૂપ બનવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આ પ્રકારના લોકસંપર્ક સભા તેમજ લોકદરબાર કાર્યક્રમમાં અવારનવાર અસામાજીક તત્વો મામલે પોલીસને રજૂઆત કરવા છતાં કેસનો નિકાલ ન આવતો હોવાનો પણ રજૂઆતકર્તા દ્વારા આક્ષેપ કરવામાં આવતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં છે.