September 19, 2024

બાંગ્લાદેશમાં SCની બહાર પ્રદર્શકારીઓનો હલ્લાબોલ, હવે મુખ્ય ન્યાયાધીશે આપ્યું રાજીનામું

Bangladesh: પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસક ટોળાં થોડાં શાંત થયાં છે પણ હિંસા હજી પૂરી થઈ નથી. વિરોધીઓએ વધુ એક અલ્ટીમેટમ આપ્યું છે. શનિવારે સેંકડો બાંગ્લાદેશી પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો હતો. ટોળાએ મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસન અને એપેલેટ વિભાગના ન્યાયાધીશોને સ્થાનિક સમય મુજબ બપોરે 1 વાગ્યા સુધીમાં રાજીનામું આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે બાદ તેમણે રાજીનામું પણ આપી દીધું હતું.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, વિરોધીઓએ ધમકી આપી હતી કે જો તેઓ સમયમર્યાદા પહેલા રાજીનામું નહીં આપે તો ન્યાયાધીશોના નિવાસસ્થાનોનો ઘેરાવ કરશે. રાજધાની ઢાકામાં પ્રદર્શન બાદ મુખ્ય ન્યાયાધીશ અને અપીલ વિભાગના અન્ય ન્યાયાધીશોએ પણ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.

રમતગમત મંત્રાલયના સલાહકારે પોસ્ટ કર્યું હતું

આ પહેલા શુક્રવારે સવારે વચગાળાની સરકારના યુવા અને રમત મંત્રાલયના સલાહકાર આસિફ મહમૂદે આને લગતી એક પોસ્ટ ફેસબુક પર શેર કરી હતી. આ પોસ્ટમાં આસિફે ચીફ જસ્ટિસના બિનશરતી રાજીનામાની અને ફુલ કોર્ટની બેઠક રોકવાની માંગ કરી હતી.

આ પણ વાંચો: શેખ હસીનાના પુત્રનો મોટો ખુલાસો, કહ્યુ – મારી માતાએ રાજીનામું આપ્યું કારણ કે…

વિરોધ પ્રદર્શન વચ્ચે બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની બેઠક પણ મોકૂફ કરી દીધી છે. ખરેખર, કોર્ટનું કામ વર્ચ્યુઅલ રીતે હાથ ધરવામાં આવશે કે નહીં તે નક્કી કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી.

ઓબેદુલ હસન શેખ હસીનાના વફાદાર માનવામાં આવતા હતા

ઓબેદુલ હસનને ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દાવો કરવામાં આવે છે કે તેઓ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ખૂબ જ ખાસ હતા. આ દરમિયાન કાયદા સલાહકાર પ્રોફેસર આસિફ નઝરુલે કહ્યું કે ન્યાયતંત્રની ગરિમાની રક્ષા માટે ચીફ જસ્ટિસે પોતાનો નિર્ણય લેવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ચીફ જસ્ટિસે વિદ્યાર્થીઓની માંગનું સન્માન કરવું જોઈએ. આંદોલનકારી નેતાઓની ફરિયાદોનો ઉલ્લેખ કરતાં આસિફ નઝરુલે કહ્યું, “મેં વિદ્યાર્થીઓની ફરિયાદો જોઈ છે. ચીફ જસ્ટિસે જે રીતે કોર્ટ મીટિંગ બોલાવી હતી, તેનાથી એવું લાગી રહ્યું હતું કે તે હારેલા દળોના પક્ષ સાથે સંકળાયેલા છે.