PM મોદીએ લખપતિ દીદીઓ સાથેના વાર્તાલાપની વાતો નોટમાં નોંધી, જાણો શું વાત કરી?

PM Narendra Modi: વડાપ્રધાન મોદીએ આજે નવસારીમાં લખપતિ દીદીઓ સાથે અનોખો વાર્તાલાપ કર્યો હતો. જે રીતે તેઓ કંપનીઓના સીઈઓ સાથે વાર્તાલાપ કરે છે. હાથમાં નોટપેડ અને પેન્સિલ લઈને પ્રધાનમંત્રી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ નોંધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. મોટાભાગની મહિલાઓએ કહ્યું કે, પીએમ મોદી તેમની નીતિઓ અને તેમણે આપેલી પ્રેરણાને કારણે તેઓ લખપતિ દીદીઓ બનવામાં સફળ થયા છે.
લખપતિ દીદીઓના સકારાત્મક અનુભવો અને પ્રગતિ સાંભળીને પ્રધાનમંત્રીએ કહ્યું કે, 3 કરોડ લખપતિ દીદીનું લક્ષ્ય ટૂંક સમયમાં પાર થઈ શકે છે અને સમય જતાં 5 કરોડનું લક્ષ્ય પણ પ્રાપ્ત કરી શકે છે. મહિલાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે પીએમ મોદીના નેતૃત્વમાં થોડા વર્ષોમાં લખપતિ દીદી કાર્યક્રમને બદલે તેઓ કરોડપતિ દીદી કાર્યક્રમમાં ભાગ લઈ શકશે.
એક ડ્રોન પાઇલટે કહ્યું કે, તે વિમાન ઉડાડી શકે એમ નહોતી, પરંતુ પીએમ મોદીના કારણે તેને ડ્રોન પાઇલટ બનવાની તક મળી છે. તેણીએ કહ્યું કે ભાભી તરીકે ઓળખાવાને બદલે તેને તેના ઘરમાં અને ગામમાં પાઇલટ તરીકે ઓળખવામાં આવે છે.
વ્યવસાય વિસ્તરણ યોજનાની ચર્ચા કરતા PMએ લખપતિ દીદીઓને બજારમાં વધુ પહોંચવા માટે તેમના વ્યવસાયને ઓનલાઈન લાવવાનું સૂચન કર્યું. તેમણે કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોની તેમના જેવી મહિલાઓ વિકાસ ભારતનો માર્ગ બતાવશે.
બાજરીનો પ્રચાર કરવા માટે PMની પહેલની પ્રશંસા કરતા એક મહિલાએ કહ્યું કે, ગુજરાતમાં તેમને ખાખરા લોકપ્રિયતા મેળવી છે. આ અંગે, PMએ કહ્યું કે આવા પ્રયાસોને કારણે ખાખરા હવે ફક્ત ગુજરાત સુધી મર્યાદિત નથી, પરંતુ રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી છે.
અન્ય એક મહિલાએ કહ્યું કે, વાતચીત માટે આમંત્રણ મળવું એ તેના માટે ખૂબ જ ગર્વની ક્ષણ હતી. કેટલાક પડોશીઓએ હળવાશથી વિનંતી પણ કરી કે મીટિંગ દરમિયાન તેમના વિશે ફરિયાદ ન કરો.