July 2, 2024

આતંકીઓના નિશાને નિર્દોષ નાગરિકો

Prime 9 With Jigar:  રશિયાના દાગિસ્તાનના ડર્બેન્ટ શહેર તથા દાગિસ્તાનની રાજધાની મખાચકાલામાં રવિવારે 23 જૂને થયેલા હુમલાએ આખી દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે. રવિવારના આતંકવાદી હુમલામાં 17 લોકોનાં મોત થયાં. જોકે, ચોંકાવનારી વાત એ છે કે, ખ્રિસ્તીઓ અને યહૂદીઓનાં ધર્મસ્થાનો તેમજ પોલીસ સ્ટેશન પર આ હુમલા થયા છે. આ પહેલાં રશિયામાં માર્ચમાં થયેલા આતંકવાદી હુમલામાં 143 લોકોના મોત થયા હતાં. એ હુમલો પણ ખ્રિસ્તીઓના ધાર્મિક સંમેલનમાં થયો હતો અને એની જવાબદારી કટ્ટરવાદી મુસ્લિમ સંગઠન ISISના પેટા સંગઠને લીધી હતી.

કોણે કર્યો હુમલો ?

  • રશિયા આતંકવાદગ્રસ્ત દેશ ન હોવાની સામાન્ય માન્યતા.
  • બંને હુમલાના કારણે આ માન્યતા ખોટી સાબિત થઈ.
  • બંને આતંકવાદી હુમલાઓમાં કટ્ટરવાદી મુસ્લિમો સામેલ.
  • રશિયાએ બંને હુમલા માટે યુક્રેન પર દોષનો ટોપલો ઢોળ્યો.

રશિયાના વિદેશ મંત્રાલયે મોસ્કોના હોલમાં થયેલા હુમલાને ‘આતંકવાદી હુમલો’ ગણાવીને યુક્રેનની સંડોવણીનો આક્ષેપ કર્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝૅલેન્સ્કીની નજીક ગણાતા માયખાઈલો પોડોલ્યાકે રશિયા કંઈ કહે એ પહેલાં જ ખુલાસો કર્યો કે, અમે એ પહેલેથી જ સ્પષ્ટ કરી દેવા ઇચ્છીએ છીએ કે યુક્રેનને આ હુમલા સાથે કોઈ લેવાદેવા નથી. આમ છતાં રશિયાએ યુક્રેન પર દોષારોપણ કર્યું. રવિવારે થયેલા હુમલા પછી દાગિસ્તાને પણ આ હુમલા માટે યુક્રેન અને નાટો દેશોને જવાબદાર ઠેરવ્યા છે. દાગિસ્તાનના નેતા અબ્દુલખાકિમ ગડઝિયેવે ટેલિગ્રામ પર લખ્યું છે કે, આ આતંકવાદી હુમલા યુક્રેન અને નાટો દેશોની ગુપ્તચર સેવાઓ સાથે જોડાયેલા છે તેમાં કોઈ શંકા નથી.

રશિયામાં આતંકનો ઓથાર

  • કટ્ટરવાદી મુસ્લિમ સંગઠનોએ હુમલા કરાવ્યા.
  • રશિયામાં કટ્ટરવાદી મુસ્લિમ આતંકવાદી સંગઠનોનો ઓથાર.
  • આતંકવાદીઓએ એક સાથે ત્રણ અલગ અલગ સ્થળે હુમલા કર્યા.
  • ડર્બેન્ટમાં ધાર્મિક સ્થળો પર હુમલા.
  • ખ્રિસ્તીઓના ચર્ચ અને યહૂદીઓના ધર્મસ્થાન સિનેગોગને નિશાન બનાવ્યાં.
  • આતંકવાદીઓએ બે ચર્ચ અને સિનેગોગને સળગાવ્યા.
  • ચર્ચમાં ઘૂસેલા આતંકવાદીઓએ ભારે ક્રૂરતા આચરી.
  • 66 વર્ષના પાદરીનું ગળું કાપીને રહેંસી નાંખ્યા.
  • દાગેસ્તાનનું ડર્બેન્ટ શહેર ઉત્તર કાકેશસમાં.
  • પ્રાચીન યહુદી સમુદાયના લોકોનો વસવાટ.
  • દાગિસ્તાનની રાજધાની મખાચકાલામાં પોલીસ ચોકી પર હુમલો.
  • પોલીસે પણ બચાવમાં ગોળીબાર કર્યો.
  • ડર્બેન્ટમાં સિનેગોગ અને ચર્ચમાં આગનો વીડિયો વાઇરલ.
  • ચર્ચ અને સિનેગોગ પર હુમલા પછી હુમલાખોરો કારમાં ભાગી ગયા.
  • ભાગતાં ભાગતાં પણ આતંકવાદીઓ અન્ય યહૂદી ધર્મસ્થાન પર ગોળીબાર કરતા ગયા.

રશિયાની સરકારી સમાચાર એજન્સી TASSએ દાવો કર્યો છે કે હુમલાખોરો એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનના આતંકીઓ હતા. TASSનો ઈશારો કુખ્યાત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ એટલે કે IS તરફ છે. આ હુમલાની જવાબદારી ભલે કોઈએ ના લીધી પણ હુમલો અઠવાડિયા પહેલાંની એક ઘટનાનો બદલે લેવા કરાયો હોવાની શક્યતા છે. રશિયાના રોસ્ટોવ શહેરની જેલમાં બંધ આતંકવાદી સંગઠન ISISના છ આતંકવાદીઓએ રવિવાર ને 16 જૂને જેલના બે સીક્યોરિટી જવાનો પર હુમલો કરીને તેમને બંધક બનાવ્યા હતા.

શા માટે હુમલો કરાયો ?

  • આતંકવાદીઓ જેલની બારી તોડીને જવાનોના રૂમમાં ઘૂસ્યા.
  • છરી અને કુહાડીની મદદથી જેલ અધિકારીઓને બંધક બનાવી લીધા.
  • ISISના આતંકવાદીઓએ પોતાની માગણી મૂકી.
  • ISISના આતંકવાદીઓને જેલમાંથી છોડવાની માગણી.
  • સલામત રીતે જવા દેવા માટે કાર માગી.
  • મોસ્કોમાં 143 લોકોને મારી નાંખનારા આતંકવાદીઓ પણ સામેલ.
  • પુતિને આતંકવાદીઓને શરણે થવાનો કર્યો ઇનકાર.
  • પુતિને આતંકવાદીઓના સફાયાનો આદેશ આપ્યો.
  • રશિયન સ્પેશિયલ ફોર્સે સિક્યોરિટી જવાનોને મુક્ત કરવા ખાસ ઑપરેશન હાથ ધર્યું.
  • 31 આતંકવાદીઓને ઠાર મરાયા.
  • વર્ષનો બીજો મોટો આતંકવાદી હુમલો.

આ પહેલાં માર્ચમાં થયેલા આતંકવાદી હુમલામાં 143 લોકોના મોત થયાં હતાં. પુતિન 18 માર્ચે પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા, એના પાંચ દિવસ પછી આ હુમલો થયો હતો.રશિયાની રાજધાની મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં 22 માર્ચ, 2024ના રોજ થયેલા આતંકવાદી હુમલાએ આખી દુનિયાને ચોંકાવી દીધી હતી.

મોસ્કોમાં આતંકનો ઓથાર

  • સિટી હોલમાં રશિયાના લોકપ્રિય બેન્ડનું પરફોર્મન્સ.
  • આર્મીના યુનિફોર્મ પહેરીને આવેલા પાંચ આતંકવાદી ઘૂસી ગયા.
  • ક્રોકસ હોલમાં 7000 લોકોની કેપેસિટી.
  • શો શરૂ થવાને વાર હોવાથી 6 હજારની આસપાસ લોકો ભેગાં થયા.
  • આતંકવાદીઓએ પહેલાં અંધાધૂંધ ગોળીબાર કર્યો.
  • બૉમ્બ ફેંક્યા, સત્તાવાર રીતે 133 લોકોનાં મોત.
  • બિનસત્તાવાર રીતે મૃત્યુઆંક 200.
  • હુમલો કર્યા પછી પાંચેય આતંકવાદી રફુચક્કર થઈ ગયા.
  • ISISએ આ હુમલાની જવાબદારી લીધી.

ISISની ખોરાસન વિંગ એટલે કે, ISIS-K ઈરાન, તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સક્રિય છે. મુસ્લિમ કટ્ટરવાદીઓ ઉત્તરપૂર્વ ઈરાન, દક્ષિણ તુર્કમેનિસ્તાન અને ઉત્તર અફઘાનિસ્તાનનો સમાવેશ કરતા પ્રદેશને ખોરાસાન ગણાવે છે તેથી તેના નામ પરથી આતંકવાદી સંગઠનનું નામ ISIS-K રાખવામાં આવ્યું છે.ISIS-Kએ આ હુમલો પિકનિક બેન્ડની કોન્સર્ટ માટે ભેગા થયેલા સંગીત રસિયાઓ પર કરેલો પણ તેનું ટાર્ગેટ ખ્રિસ્તીઓ હોય એવું ચિત્ર ઊભું કરીને દાવો કર્યો હતો કે, સિટી હોલમાં ખ્રિસ્તીઓનું સંમેલન હતું તેના પર હુમલો કરાયો છે.

પુતિન ISISના નિશાને

  • ચેચન્યા અને સીરિયામાં હુમલાથી ISIS પુતિનથી અકળાયું.
  • ISISનો દાવો પુતિને મુસ્લિમો પર અત્યાચાર ગુજાર્યા.
  • રશિયાએ અફઘાનિસ્તાનમાં 1980ના દાયકામાં લશ્કર મોકલ્યું.
  • રશિયન જવાનોએ મુસ્લિમો પર અત્યાચારો ગુજાર્યા હતા.
  • જેનો હિસાબ ચૂકતે કરવા હજી હુમલા કરવાની ધમકી.
  • ISIS-K દ્વારા આ ધમકીનો ગંભીરતાથી અમલ.
  • રશિયાને આતંકવાદ ફેલાવનારાં સંગઠનો સાથે સીધો સંઘર્ષ નથી.
  • રશિયામાં મોટા આતંકવાદી હુમલા થતા નહોતા.
  • રશિયામાં બહુમતી પ્રજા ખ્રિસ્તી.
  • મુસ્લિમો સૌથી મોટી લઘુમતી.
  • રશિયાની કુલ વસતીમાં 10 ટકા જેટલા મુસ્લિમો.
  • 2021ની વસતી ગણતરી પ્રમાણે રશિયાની 14.50 કરોડની વસતી.
  • 1.50 કરોડ મુસ્લિમો ,બિનસત્તાવાર રીતે આ પ્રમાણ 2 કરોડ.

રશિયાના શાહી મુફતી શેખ રાવિલ ગાયનેતદીને દાવો કરેલો કે, 2018માં રશિયામાં 2.50 કરોડ મુસ્લિમો હતા. રશિયામાં મોટા ભાગના મુસ્લિમો તાતાર અને બાશકોર્ત છે. તેમને દુનિયામાં આતંકવાદ ફેલાવતાં સુન્ની મુસ્લિમો સાથે બહું લેવાદેવા નથી. આ કારણે રશિયા જેહાદના નામે દુનિયાને પરેશાન કરનારા ક્ટ્ટરવાદી સુન્ની મુસ્લિમ આતંકવાદથી સંપૂર્ણપણે અલિપ્ત રહ્યું અને જે પણ આતંકવાદી હુમલા થતા એ ચેચન્યાનાં મુસ્લિમ આતંકવાદી સંગઠનો દ્વારા થતા હતા. મોસ્કોના હુમલાને બાદ કરો તો રશિયામાં છેલ્લા અઢી દાયકામાં થયેલા બે સૌથી મોટા આતંકવાદી હુમલા ચેચન આતંકીઓએ જ કર્યા હતા.

રશિયામાં આતંકનો ઓથાર

  • ઓક્ટોબર 2002માં ચેચન આતંકવાદીઓનો મોટો હુમલો.
  • મોસ્કોના થીએટરમાં 950 લોકોને બાનમાં લીધા.
  • રશિયન સ્પેશિયલ ફોર્સના જવાનો થીએટરમાં ઘૂસી ગયા.
  • 41 ચેચન આતંકીઓ ઠાર મરાયા, 129 લોકોનાં પણ મોત.
  • સપ્ટેમ્બર 2004માં 30 ચેચન આતંકીઓનો હુમલો.
  • દક્ષિણ રશિયાના બેસલાનમાં એક શાળાને ટાર્ગેટ કરાઈ.
  • સેંકડો લોકોને બાનમાં લીધા પછી 300 લોકોની હત્યા.
  • રશિયાએ એ વખતે પણ તમામ આતંકીને ઠાર માર્યા.

પુતિને એ પછી ચેચન્યા પર હુમલો કરીને આતંકવાદીઓનો સફાયો કરી નાંખતાં રશિયામાં આતંકવાદી હુમલા બંધ થઈ ગયા હતા. ચેચન્યાના આતંકીઓએ રશિયામાં નેટવર્ક જમાવ્યું અને તેમની મદદથી રશિયામાં ઘૂસીને હુમલા કરતા. પુતિને ચેચન્યામાં ઘૂસીને તેમને ઠેકાણે પાડી દીધા અને સાથે સાથે તેમના મદદગારોનો પણ નાશ કર્યો. જેના પછી રશિયા પર આતંકવાદનો ખતરો નહોતો રહ્યો. બીજી તરફ આતંકવાદ ફેલાવતાં સંગઠનોનો પ્રભાવ વધ્યો. આ સંગઠનો દુનિયાનાં ઘણાં દેશોમાં ફેલાયેલા છે પણ રશિયામાં નહોતાં.

રશિયામાં આતંકનો ઓથાર

  • રશિયામાં 2017માં મોટો આતંકવાદી હુમલો.
  • મુસ્લિમ આતંકવાદનો રશિયામાં પગપેસારો થઈ રહ્યો હોવાની શંકા જાગી.
  • 2017માં પુતિનના વતન સેન્ટ પીટર્સબર્ગ મેટ્રોમાં હુમલો.
  • ઉઝબેક મૂળના આતંકીએ બ્લાસ્ટ કરીને 14 લોકોને મોતને ઘાટ ઉતાર્યા.
  • બ્લાસ્ટ કરનારો અકબરઝહોન જલિલોવ.
  • કિર્ગીઝસ્તાનમાં જન્મેલો રશિયન નાગરિક હતો.
  • રશિયામાં ઈસ્લામિક સ્ટેટની એન્ટ્રી થઈ ગઈ હોવાની વાતે સૌને ચોંકાવ્યા.
  • બ્લાસ્ટના મૂળ સુધી પહોંચ્યા પછી રાહત થઈ.
  • રશિયામાં ઈસ્લામિક સ્ટેટની હાજરી નથી એ સાબિત થઈ ગયું.

2024ના માર્ચના હુમલાએ ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી મોસ્કો લગી પહોંચી ગયા અને મૃતદેહોના ઢગ ખડકી ગયા એ સાબિત કર્યું. હવે, આ બીજો મોટો હુમલો થઈ ગયો તેથી રશિયામાં પણ કટ્ટરવાદી મુસ્લિમોની હાજરી છે એ સાબિત થઈ ગયું છે. રશિયામાં સુન્ની મુસ્લિમ આતંકવાદી ઘૂસી ગયા એના માટે પુતિનની સીરિયાના પ્રમુખ બશર અલ અસદ સાથેની તેમની ગાઢ મિત્રતા જવાબદાર મનાય છે. માર્ચ 2024માં ઈસ્લામિક સ્ટેટે રશિયામાં હુમલો કર્યો એ માટે પણ સિરિયાના પ્રમુખ બશર અલ અસદને જવાબદાર ગણાવાયા હતા.

અસદને સાથ આપવાનું ભારે પડ્યું

  • અસદ 2002થી સીરિયાના સર્વેસર્વા રશિયાની મદદથી ટકી રહ્યા.
  • અસદ શિયા કે સુન્ની નહીં પણ અલવાઈત મુસ્લિમ.
  • શિયા અને સુન્ની માને છે કે, અલ્લાહ જ એક માત્ર પ્રભુ.
  • મોહમ્મદ તેમના પયગંબર હતા.
  • અલવાઈત અલી, મોહમ્મદ અને સલમાન-અલ-ફરીસી એમ ત્રણ પયગંબરમાં માને.
  • સીરિયાના મુસ્લિમોમાં 70 ટકા સુન્ની, અલવાઈતી 10 ટકા.
  • આમ છતાં અસદ રશિયાના કારણે ટકી ગયા.
  • એક અલવાઈતીનું સુન્ની બહુમતી ધરાવતા દેશ પર શાસન.
  • સુન્ની કટ્ટરવાદીઓથી સહન નથી થતી.
  • સીરિયાના પાડોશી ઈરાનમાં શિયાઓનું શાસન.

આ કારણે શિયાઓ સામે લડવા સીરિયામાં 2006માં ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક બન્યું અને ઈરાનના શિયા શાસન સામે જંગ શરૂ થયો. આ જંગ આતંકવાદ જ છે એ કહેવાની જરૂર નથી. સીરિયામાં પણ અલવાઈતી અસદને હટાવીને ઈસ્લામનું સાચું શાસન એવું સુન્ની શાસન સ્થાપવાનો ઉદ્દેશ જાહેર કરીને તેનું નામ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા કરાયું. આ સંગઠનનો પ્રભાવ ધીરે ધીરે વધવા માંડ્યો.

અબુ બકર અલ બગદાદી એન્ટ્રી

  • 2010માં અબુ બકર અલ બગદાદી વડો બન્યો.
  • બકરે મધ્ય-પૂર્વના દેશોના બેકાર યુવાનોની મોટી સંખ્યામાં ભરતી કરી.
  • તેમના હાથોમાં હથિયારો પકડાવી દીધાં.
  • અસદ શરૂઆતમાં અત્યંત લોકપ્રિય હતા.
  • સત્તા ટકાવવા વિરોધીઓને સાફ કરવા ઝુંબેશ.
  • જેના કારણે 2010થી વિરોધ શરૂ થયો.
  • અસદ અમેરિકાને પસંદ નહોતા.
  • અમેરિકાની સહાયથી અસદને તગેડી મૂકવા આંદોલન શરૂ થયું.
  • આંદોલન હિંસક બનતાં અસદે લશ્કરને છૂટું મૂકી દીધું.
  • પ્રજા અને લશ્કર વચ્ચે ઘર્ષણ શરૂ થયું.
  • જેનો લાભ લઈ ISISએ સીરિયાના કેટલાક પ્રદેશ પર કબજો જમાવ્યો.
  • જુલાઈ 2011માં અસદ વિરોધી સંગઠનોએ હથિયારો ઉઠાવ્યા.
  • પોતાનું લશ્કર બનાવીને અસદ સરકારને ઉખાડી ફેંકવા જંગ શરૂ કર્યો.
  • લશ્કર અમેરિકાની તન,મન, ધનની મદદથી શરૂ થયું હતું.
  • અસદ અમેરિકા અને ISIS બંને સામે ઝીંક ઝીલી શકે તેમ નહોતા.

વ્લાદિમિર પુતિન તો યુદ્ધ કરવામાં શૂરા. અમેરિકા સામેલ હોય એવા જંગમાં કૂદવામાં તો પુતિનને નિમંત્રણની જરૂર પણ નથી પડતી ત્યારે અહી તો અસદ સામેથી નિમંત્રણ આપતા હતા તેથી પુતિને સીરિયામાં રશિયન લશ્કરને મોકલ્યું. પુતિન કોઈના પર દયા કરવામાં માનતા નથી. પોતાની સામે ઉઠનારા અવાજને કચડી નાંખવામાં માને છે. તેથી સીરિયામાં પણ રશિયન લશ્કરે જે પણ સામે આવે તેને ગોળીએ દેવા માંડ્યા.

આતંકના નિશાને રશિયા

  • ISISના અડ્ડા ઉડાવવા માંડ્યા.
  • ઈસ્લામિક સ્ટેટ પુતિનનું દુશ્મન બની ગયું.
  • લાંબા સમયથી પુતિન મુસલમાનોના કટ્ટર વિરોધી.
  • રશિયામાંથી મુસ્લિમોને સાફ કરી નાંખવા માગે છે પુતિન.
  • મુસ્લિમ રાષ્ટ્રોમાં વ્યવસ્થિત રીતે ચલાવે છે આવો કુપ્રચાર.

જેના ભાગરૂપે વ્લાદિમિર પુતિને રશિયાની સંસદના નીચલા ગૃહ ડ્યુમામાં 4 ઓગસ્ટ, 2013ના રોજ આપેલા કહેવાતા ભાષણનો ખોટો વીડિયો વાયરલ કરાયો. આ વીડિયોમાં પુતિન એવું કહેતા સંભળાય છે કે, રશિયામાં રહેતી કોઈ પણ લઘુમતીએ રશિયન ભાષા બોલવી પડશે અને રશિયાના કાયદાને માન આપવું પડશે. રશિયામાં ઈસ્લામના શરીયા કાયદા નહીં ચાલે અને જેમણે શરીયા કાયદા પાળવા હોય એ લોકો શરીયા કાયદા અમલી હોય એવા દેશમાં જઈને રહે. કેમ કે રશિયાને મુસ્લિમોની જરૂર જ નથી. આ વીડિયોમાં પુતિન એવું કહેતા પણ સંભળાય છે કે, અમેરિકા, ઈંગ્લેન્ડ, હોલેન્ડ અને ફ્રાન્સે મુસ્લિમોને આશ્રય આપીને આપઘાત કર્યો, તેના પરથી રશિયા સમજી ગયું છે કે, એક રાષ્ટ્ર તરીકે રશિયાનું અસ્તિત્વ ટકાવવું હોય તો મુસ્લિમોને રશિયામાંથી કાઢવા પડશે. મુસ્લિમો રશિયન નથી, શરીયા કાયદા અને મુસ્લિમો રશિયાની પરંપરા અને રીતીરિવાજો સાથે મેળ ખાતા નથી તેથી તેમને કાઢવા પડશે. વાસ્તવમાં પુતિને આવું કોઈ ભાષણ જ આપ્યું નથી પણ સમયાંતરે આ વીડિયોને વાયરલ કરાય છે. પુતિને 2009માં ચેચન્યા સાથેના યુધ્ધ વખતે ઈસ્લામફોબિયાની વાત કરીને મુસ્લિમો સામે ઝેર ઓકેલું એવા પણ દાવા કરાય છે.

પુતિન પર દુશ્મનોનો ડોળો

  • પુતિનને ઈસ્લામિક સ્ટેટ સહિતનાં સંગઠનો માને છે દુશ્મન.
  • પુતિનની સામે મુસ્લિમ સંગઠનોની જેહાદની હાકલ.
  • ISIS માને છે કે, પુતિનના જોરે કૂદાકૂદ કરી રહ્યા છે અસદ.
  • તેથી અસદને ઉખાડવા હોય તો પહેલાં પુતિનને તેમનાથી દૂર કરવા પડશે.
  • પુતિન મુસ્લિમ સંગઠનોના ટાર્ગેટ નથી પણ અસલી ટાર્ગેટ અસદ.
  • આ કારણે રશિયાને ટાર્ગેટ કરી રહ્યું છે ઈસ્લામિક સ્ટેટ.

પુતિન દુશ્મનને ઉગતા ડામવામાં અને લશ્કરી તાકાત અજમાવીને વિરોધને કચડી નાંખવાની નીતિમાં માને છે તેથી પુતિન હવે શું કરશે એ કહેવાની જરૂર નથી. રશિયામાંથી બીજાં આતંકવાદી સંગઠનો સાફ થઈ ગયાં છે પણ ઈસ્લામિક સ્ટેટ પગપેસારો કરી રહ્યું છે એ વાત પુતિન ચલાવી લે એ શક્ય નથી. રશિયામાં બહું જલદી આતંકીઓના સફાયા માટેનું ઓપરેશન શરૂ થશે. ઈસ્લામિક સ્ટેટના નેટવર્કને તોડવા માટે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં રશિયન લશ્કર ફરી વળશે. પુતિન પોતાના રાજકીય હરીફોને છોડતા નથી ત્યારે પોતાના શાસન સામે ખતરો ઉભો કરનારા આતંકવાદીઓને છોડે એ વાત શક્ય નથી. પુતિન પોતે શું કરી શકે છે તેનો પુરાવો અઠવાડિયા પહેલાં જ આપી ચૂક્યા છે એ જોતાં રશિયામાં આતંકવાદીઓ અને પુતિનના લશ્કર વચ્ચેનો જંગ લાંબા સમય સુઘી ચાલશે એવું લાગે છે.