June 29, 2024

જમતી વખતે મોઢું નહીં આંખો ખુલ્લી રાખજો

Prime 9 With Jigar: છેલ્લા કેટલાક દિવસોથી મોટી મોટી કંપનીઓની ફૂડ પ્રોડક્ટ્સમાંથી ચીતરી ચડે અને જોતાં જ ઉબકા આવે એવી વસ્તુઓ મળવાનો સિલસિલો ચાલી રહ્યો છે. આવું બતાવવાનું અમને પણ ગમતું નથી…પણ અમારી ફરજ છે કે આપને સત્ય બતાવીએ એટલે જમતી વખતે તમારી આંખો ખુલ્લી રહે…અમદાવાદના નિકોલમાં એક નામાંકીત ઢોંસા બનાવતી રેસ્ટોરંટમાં તો સાંભારમાંથી મૃત ઉંદર નિકળ્યો..તો વડોદરાની શ્રી જગદીશ ફરસાણની ભાખરવડી ફૂગવાળી નિકળી.. આ ઉપરાંત અનેક એવા કિસ્સા સામે આવ્યા જેમાં લોકોનો ભરોસો જ ઉઠી જાય છે અને લોકો હવે કોઈ જગ્યાએ જમવા જાય તો તે જગ્યાને શંકાની નજરે જ જુએ છે….

આવી જ બીજી એક ઘટનામાં બાલાજીની વેફરના પેકેટમાં મરેલો દેડકો મળ્યો હતો. જામનગરમાં એક ગ્રાહકે પ્રોવિઝન સ્ટોરમાંથી બાલાજીની ક્રન્ચ વેફર ખરીદી હતી.

વેફરના પેકેટમાંથી દેડકો નીકળ્યો

  • વેફરનું પેકેટ તોડ્યા બાદ બાળકી વેફર ખાઈ રહી હતી.
  • અચાનક અંદરથી મરેલો દેડકો નીકળતાં બાળકી ડરી ગઈ.
  • ગ્રાહકે તરત દુકાનદારનું ધ્યાન દોર્યું.
  • દુકાનદારે ગ્રાહકને બાલાજી વેફર્સના કસ્ટમર કેરમાં જાણ કરવા કહ્યું.
  • ગ્રાહકે બાલાજી વેફર્સના કસ્ટમર કેરનો સંપર્ક કર્યો.
  • ગ્રાહકે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ શાખાનો સંપર્ક કર્યો.
  • પાલિકાની ટીમ સ્થળ પર દોડી આવી અને વેફર્સના પેકેટને સીલ કર્યું.
  • ફૂડ શાખા દ્વારા વેફરના વિવિધ નમૂના લેવાયા.
  • નમૂનાઓને લેબમાં મોકલી આપવામાં આવ્યા.

વડોદરામાં જગદીશ ફરસાણની ભાખરવડીમાં ફૂગ નીકળવાની ઘટના અંગે માલિકે ભૂલ સ્વીકારી હતી. જોકે, મોટા ભાગની કંપનીઓ ભૂલ પણ સ્વીકારતી નથી. જગદીશ ફરસાણના માલિકે ભૂલ સ્વીકારતાં કહ્યું હતું કે, ગ્રાહક ચાર પેકેટ લઇને ગયા હતા, જેમાંથી એક પેકેટમાં ફૂગ નીકળી હોવાની ગ્રાહકની ફરિયાદ હતી. 20 વર્ષમાં પહેલી વખત આ પ્રકારની ઘટના બની છે અને અમારી ભૂલ સ્વીકારીએ છીએ.

કોણ જવાબદાર ?

  • બાલાજી વેફરમાં મરેલો દેડકો મળવાનો કિસ્સો.
  • બાલાજી વેફર કંપનીએ દાદાગીરી કરી.
  • કંપનીના મેનેજરે કહ્યું કે, અમારો વેફર બનાવવાનો પ્લાન્ટ સંપૂર્ણપણે રોબોટિક મશીનથી સજ્જ.
  • દેડકો પ્લાન્ટમાં આવે તે વાતમાં કોઇપણ તથ્ય લાગતું નથી.
  • મરેલો દેડકો મળ્યાની વાત માની શકાય તેમ નથી.
  • વેફરના પેકેટમાં દેડકો કેવી રીતે આવ્યો એની અમે તપાસ કરી રહ્યા છીએ.
  • આડકતરી રીતે ગ્રાહક જૂઠું બોલે છે એવું સાબિત કરવાની કોશિશ.

બીજી પણ આ પ્રકારની ઘટનાઓ બની જ છે. થોડા દિવસ પહેલાં જ સુરતમાં બર્ગરમાંથી ઈયળ તો ચીઝ ડિપમાં જીવડાં મળ્યાં હતાં.

છાશમાંથી ઈયળ નીકળી

  • કાકાની પાઉંભાજી સ્ટોર પર ગ્રાહકની છાશમાંથી ઈયળ નીકળી.
  • પહેલાં મસાલામાં પડતું જીરું હોવાનું જણાયું.
  • ધ્યાનથી જોતા ખ્યાલ આવ્યો કે, એ તો હતી ઈયળ.

સવાલ એ છે કે શું ભારતમાં ફૂડ સેફ્ટીની કંપનીઓને કોઈની પરવાહ જ નથી. આ પહેલાં મુંબઇમાં મલાડના એક ડૉક્ટરે ઓનલાઇન આઇસક્રીમ ઓર્ડર કર્યો ત્યારે તેમાંથી માણસની આંગળી મળી હતી. હવે વિચાર કરો કે જે આઈસક્રીમ તમે હોશે હોશે ખાતા હોવ એમાંથી જ આંગળી નિકળે તો…

આઇસક્રીમ કોનમાંથી આંગળી નીકળી

  • બ્રેન્ડન સેરાઓની બહેને આઇસક્રીમ કોનનો ઓનલાઇન ઓર્ડર આપ્યો.
  • ઓનલાઇન ડિલિવરી એપે ત્રણ બટરસ્કોચ કોન આઇસક્રીમ મોકલ્યા.
  • ડૉક્ટરે કોન ખોલ્યો અને આરામથી ખાતા હતા ત્યાં તેમને આઘાત લાગ્યો.
  • આઇસક્રીમમાં જોયું તો માણસની કપાયેલી આંગળી હતી.
  • આઇસક્રીમની અંદર લગભગ બે સેન્ટીમીટર લાંબો માનવ આંગળીનો ટુકડો મળ્યો.
  • ડૉક્ટરે અડધા કરતા વધુ આઇસક્રીમ ખાઈ લીધો હતો.
  • ડૉક્ટર યુવકે મલાડ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરી.
  • યુમ્મો આઇસક્રીમ કંપની સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી.
  • આઇસક્રીમમાં મળેલા માનવ અંગને FSLમાં મોકલી અપાયા.
  • રિપોર્ટમાં બહાર આવ્યું કપાયેલી આંગળી ફેક્ટરીના કર્મચારીની હતી.

આ જ રીતે નોઇડામાં અમૂલ આઇસક્રીમમાંથી મહિલાને મરેલો કાનખજૂરો મળ્યો હતો. તાજેતરમાં જ વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરોને પીરસવામાં આવેલા ભોજનની અંદર મૃત વંદો ‘મળ્યો’ હોવાનો ફોટો શેર કરવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશના તિરુપતિની એક હોટેલમાં કેટલાક યુવાનો જમવા ગયા તો તેમના ભોજનમાં જીવતી ઇયળ નીકળી હતી. આ તો થોડાક કિસ્સાની વાત કરી પણ આ પ્રકારના કિસ્સા ઠેર ઠેર બન્યા કરે છે. સોશિયલ મીડિયાનો પ્રભાવ વધ્યો હોવાથી આ પ્રકારની ઘટનાઓ હવે તરત લોકોના ધ્યાન પર આવે છે. સોશિયલ મીડિયા પર નેગેટિવ પ્રચાર શરૂ થાય તેથી ગ્રાહકોને વળતર આપીને ભીનું સંકેલવાનો પ્રયાસ પણ થાય છે પણ એ સિવાય આ પ્રકારની ઘટનાઓમાં કશું થતું નથી. ભાગ્યે જ કોઈ એવી ઘટના ધ્યાનમાં આવશે કે જેમાં આ પ્રકારની અતિ ગંભીર ભૂલ કરનારને સજા થઈ હોય કે આકરો દંડ થયો હોય.

વિદેશમાં તો આ પ્રકારની ઘટના બને તો કંપનીને તાળાં મારવાનો વારો આવી જાય પણ ભારતમાં એવું કશું થતું નથી. ભારતમાં બહુ બહુ તો કંપની ઉદારતા બતાવીને અસુવિધા માટે “માફી માંગી” લે કે કંપનીને “યોગ્ય” દંડ ફટકારવામાં આવશે એવું વચન આપી દે પણ એ વચનનો કદી અમલ થતો નથી. આ સ્થિતિ આઘાતજનત કહેવાય અને એનાં માટે ઘણાં કારણો છે.

શા માટે પગલાં લેવાતાં નથી ?

  • મુખ્ય કારણ એ છે કે, ક્યાં ફરિયાદ કરવી એની જાણ નહીં.
  • કંપની કે સર્વિસ પ્રોવાઇડર સામે શું પગલાં લેવાં એની માહિતીનો અભાવ.
  • ભ્રષ્ટ તંત્ર, અપૂરતા કાયદા, કંપનીઓની દાદાગીરી જેવાં કારણો પણ જવાબદાર.

મોટા ભાગના કિસ્સામાં આવું જ બને છે અને તેનું કારણ એ છે કે, મોટી કંપનીઓને ખબર છે કે, ભારતમાં ફૂડ સેફ્ટીને લગતા કાયદા અત્યંત પાંગળા છે. ભારતમાં ફૂડ સેફ્ટીની જાળવણી માટે ઘણી સંસ્થાઓ છે પણ એ બધી નહોર વિનાના વાઘ જેવી છે. ખાવાના પદાર્થમાંથી મરેલો જીવ કે સૂગ ચડે એવી વસ્તુ નિકળે તો ક્યાં ફરિયાદ કરી શકાય એ અમે તમને જણાવીશું.

અહીં કરો ફરિયાદ

  1. કોર્પોરેશન કે નગરપાલિકાનો ફૂડ વિભાગ.
  2. ફૂડ સ્ટાન્ડર્ડ્સ એન્ડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઈન્ડિયા.

ભારતમાં ફૂડ સ્ટાન્ડર્ડ્સ એન્ડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એક્ટ હેઠળ જુદા જુદા પ્રકારની ગેરરીતિ માટે અલગ અલગ સજાની જોગવાઈઓ છે પણ આ સજા છ મહિનાની આસપાસ છે. જોકે એની પ્રક્રિયા એટલી લાંબી છે કે, ન્યાય જ ના મળે.

કયો કાયદો લાગુ પડે ?

  • ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006.
  • ફૂડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાઇસન્સિંગ & રજિસ્ટ્રેશન) રેગ્યુલેશન, 2011.
  • કાયદાના શિડ્યુલ -IV મુજબની હાયજિન & સેનિટેશનની જોગવાઇઓ.
  • જોગવાઇઓનું પાલન થાય એ માટે ઇન્સ્પેક્શન કરી પહેલાં તો ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ અપાય.
  • નોટિસનું પાલન ન કરાય તો લાઇસન્સ/રજિસ્ટ્રેશન રદ થાય.
  • કંપનીને જાહેર હિતમાં બંધ કરાય.
  • ફૂડ સેફ્ટી કાયદાની કલમ-56 હેઠળ એક લાખ રૂપિયાના દંડની જોગવાઈ.
  • બહું ગંભીર ગુનો હોય તો સજા પણ થઈ શકે.

મોટા ભાગના કિસ્સામાં આ સજા થતી જ નથી કેમ કે ફૂડ સ્ટાન્ડર્ડ્સ એન્ડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે એવું તંત્ર જ નથી કે જે આ પ્રકારના કેસો કરીને તેનો નિકાલ લાવી શકે અને સજા કરાવી શકે. સરકારની ગાઈડલાઈન મુજબ શહેરી વિસ્તારમાં એક લાખની વસ્તી સામે એક ફૂડ સેફ્ટી ઓફિસર હોવો જોઈએ. મોટા ભાગનાં શહેરોમાં એટલો સ્ટાફ લેવાવો જોઈએ.

સરકારની ગાઇડલાઇન શું કહે છે ?

  • દરેક શહેરમાં દર પચાસ હજારની વસતી દીઠ મિનિમમ એક સેમ્પલ લેવાવું જોઈએ.
  • મોટા ભાગનાં શહેરોમાં દસ ટકા જ સેમ્પલ લેવાય.
  • ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાને અપૂરતા અધિકારો.
  • લારીવાળા, હોટેલવાળા કે કોઈ ઉત્પાદક સામે કાર્યવાહી કરવાની સત્તા નહીં.
  • ફૂડ ડિપાર્ટમેન્ટને માત્ર સેમ્પલ કલેક્ટ કરવાની સત્તા.
  • કોઈ ખાદ્ય પદાર્થો ખાવાલાયક ન હોય તો એનો નાશ કરવાની સત્તા.
  • પૂરતો સ્ટાફ ના હોવાના કારણે એનો અમલ નથી થતો.
  • કોર્પોરેશન પાસે ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવા પૂરતો સ્ટાફ નથી.
  • પૂરતી સંખ્યામાં સેમ્પલ પણ લેવાતા નથી.
  • FSSAIના અધિકારક્ષેત્ર હેઠળ પેકેજ્ડ ફૂડ પણ આવે.
  • પેકેજ્ડ ફૂડમાં મોટી કંપનીઓ હોવાથી તેમની સામે કોઈ કાર્યવાહી નહીં.

ફૂડ સ્ટાન્ડર્ડ્સ એન્ડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ હેઠળ કોઈ વસ્તુમાંથી મરેલો જીવ કે બીજું કશું મળે તો સજા કરવાની જોગવાઈ નથી. મેક્સિમમ લાઇસન્સ કેન્સલ થાય ને તેનો ઉપાય તો દુકાનદારો પાસે હોય જ છે.

દુકાનદાર નવા સરનામે નવું લાઇસન્સ લઈ લે અને પોતાનો ધંધો ચાલુ રાખે છે. ભારતના કાયદા પ્રમાણે રેસ્ટોરન્ટના ખાવામાંથી જીવ-જંતુ મળે કે ફૂગ લાગેલી હોય એ બહું મોટો અપરાધ નથી તેથી સામાન્ય ચેતવણી આપીને છોડી દેવાય છે. આ કારણે આ પ્રકારની ઘટનામાં કોઈને સજા થઈ હોય એવો મોટો ચુકાદો નથી. અલબત્ત ફૂડ સેફ્ટીનાં ધારાધોરણોના ભંગ બદલ ઘણી મોટી કંપનીઓ સામે કેસ થયા છે.

કંપનીઓ વિરુદ્ધ એક્શન

  • મેગી, નેસ્લે, ટાટા કેમિકલ્સ, પેપ્સી વિરુદ્ધ આરોપો.
  • કંપનીઓની ફૂડ પ્રોડક્ટ્સ આરોગ્ય માટે ખતરનાક હોવાના આરોપ.
  • આ કેસોમાં મોટા ભાગે કંપનીની તરફેણમાં ચુકાદો.
  • થોડા સમય પહેલાં મેગી પર પ્રતિબંધ હતો, પણ એ હટી ગયો.
  • એવરેસ્ટ અને MDHના મસાલાની ગુણવત્તા અંગે વિદેશમાં સવાલો ઊઠ્યા.
  • FSSIએ એવરેસ્ટ અને MDHને ક્લીનચિટ આપી દીધી.

FSSAIએ સત્તાવાર રીતે કહ્યું કે, ભારતની બંને મોટી બ્રાન્ડમાં ખતરનાક કેમિકલ એથિલિન ઓક્સાઈડના નિશાન મળ્યા નથી. આ રિપોર્ટ 28 માન્યતા પ્રાપ્ત લેબ્સમાં બંને બ્રાન્ડના સેમ્પલોની તપાસ બાદ જાહેર કરવામાં આવ્યો છે. હોંગકોંગ અને સિંગાપોરની ફૂડ એજન્સીએ એવરેસ્ટની ફિશ કરી મસાલા પર પ્રતિબંધ મૂક્યો હતો. સિંગાપોરે એવરેસ્ટની ફિશ કરી મસાલાનો ઓર્ડર પરત કરી દીધો હતો. તેમણે દાવો કર્યો હતો કે ફિશ કરી મસાલામાં એથિલિન ઓક્સાઈડની માત્રા નિર્ધારિત માત્રા કરતા ઘણી વધારે છે. ઓછી માત્રામાં એથિલિન ઓક્સાઈડથી કોઈ ખતરો નથી, પરંતુ લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી કેન્સરનું જોખમ વધી જાય છે. હોંગકોંગ અને સિંગાપોરની ઘટના પછી જ FSSIએ દેશભરમાંથી MDH અને એવરેસ્ટ મસાલાના નમૂના લેવાનું શરૂ કર્યું હતું પણ તેમાં પણ એક્શન ન લેવાઈ. આ રીતે કામ થતું હોય પછી સજા કે દંડની આશા રાખી જ ના શકાય. જેના મૂળમાં ભ્રષ્ટાચાર હોવાનો આરોપ.

જવાબદારી કોની ?

  • દેખાવ ખાતર થોડાક નમૂના લેવાય.
  • એ નમૂના કદાચ ભેળસેળવાળા હોવાનું સાબિત થાય.
  • જેના પછી આગળ વધું થતું નથી.
  • રેસ્ટોરન્ટ્સ વગેરેને લાઇસન્સ સ્થાનિક તંત્ર જ આપે,
  • રેસ્ટોરન્ટ્સ વગેરેમાં થતી ગરબડો માટે પણ કોઈ પગલાં લેવાતાં નથી.
  • તૈયાર ખોરાકમાં જીવ જંતુઓ ન પડે એની પ્રાથમિક જવાબદારી સ્થાનિક વેપારીઓની.
  • હોટલો-રેસ્ટોરન્ટ-ધાબા-કેન્ટીન -ભોજનાલયો ચલાવતા વેપારીઓની જવાબદારી.

આટલી તકેદારી જરૂરી

  • રસોડાની સતત સફાઇ કરાવવી.
  • બારીઓ અને એક્ઝોસ્ટ પંખાને નેટથી કવર કરવા.
  • જીવજંતુઓ પ્રવેશ ન કરે એ માટે દરવાજા કવર કરવા.
  • યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા.
  • ડ્રેનેજ સિસ્ટમને કવર કરવી.
  • ઑથોરાઇઝ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવું.

ફાસ્ટ ફૂડ ખતરનાક નથી એ જોવાની જવાબદારી પણ સ્થાનિક તંત્રની છે. ફાસ્ટ ફૂડમાં કૅલરી અને ચરબીનું પ્રમાણ વધારે હોય છે. ફાસ્ટ ફૂડ ખાવાથી સ્થૂળતા, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હૃદયરોગ થઈ શકે છે. ક્યારેક તેનાથી કૅન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે.આ સંજોગોમાં ફાસ્ટ ફૂડ અંગે પણ તકેદારી રાખવી જરૂરી છે. જોકે, આ તકેદારી રખાઈ છે કે નહીં તેની ચકાસણી કરવા માટે સ્થાનિક તંત્ર પાસે પૂરતો સ્ટાફ જ નથી તેથી ગેરરીતિ ચાલે છે. જોકે, ગ્રાહકો થોડીક જાગૃતિ બતાવે તો ફરક પડે. કોઇ ગ્રાહકને પીરસવામાં આવેલા ખોરાકમાં જીવ જંતુ મળી આવે જે તે કોર્પોરેશન કે જિલ્લાના ફુડ વિભાગની ઓફિસનો ફરિયાદ કરી શકાય છે તેથી હવે પછી કોઈની સાથે આવું બને તો તરત ફરિયાદ કરજો. આ સિવાય રાજ્ય કક્ષાએ ફૂડ સેફ્ટી હેલ્પ ડેસ્કના ટોલ ફ્રી નબર તથા મોબાઇલ નંબર 9099013116, 9099012166 પર પણ ફરિયાદ કરી શકાય છે. હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ helpdesk.fdca@gmail.com પર પણ ફરિયાદ નોંધાવી શકાય છે. ગ્રાહકો આ પ્રકારની ફરિયાદો કરશે તો એનાથી તંત્રે પણ જાગવું પડશે. અત્યારે તંત્ર કશું કરતું નથી કેમ કે તેમને લાગે છે કે, લોકો થોડી હોહા કર્યા પછી શાંત થઈને બેસી જશે. આ ભ્રમ ભાંગવા માટે પણ ફરિયાદ કરવી જરૂરી છે.