September 17, 2024

ખખડધજ પુલ, કોની ભૂલ ?

Prime 9 With Jigar: બિહારમાં છેલ્લા મહિના કરતાં પણ ઓછા સમયમાં 18 પુલ ધરાશાયી થવાના સમાચારથી આખા દેશમાં ખળભળાટ છે. આ પુલ તૂટવાની ઘટનાઓના કારણે એક તરફ દેશમાં ભ્રષ્ટાચારમાં બિહાર ટોચ પર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તો બીજી તરફ લોકોના જીવ કઈ હદે જોખમમાં મૂકાઈ રહ્યા છે એ પણ છતું થયું છે. પોતાને સુશાસન બાબુ ગણાવતા નીતિશ કુમાર અત્યાર સુધી ઘોરતા હતા પણ એક પછી એક પુલ તૂટવા માંડતાં બિહાર સરકારે અંતે કાર્યવાહી કરવી પડી છે. 15 એન્જિનિયર સસ્પેન્ડ બે ઇજનેરો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો….4 એન્જિનિયર ગ્રામ્ય બાંધકામ વિભાગના અને જળ સંસાધન વિભાગના 11 એન્જિનિયર સસ્પેન્ડ માતેશ્વરી કન્સ્ટ્રક્શન કંપનીને નીતિશ સરકારે બ્લેકલિસ્ટ કરી…બિહારમાં તો પુલ ઉપરાછાપરી તૂટ્યા એના કારણે આખા દેશનું ધ્યાન એના તરફ ખેંચાયું પણ દેશનાં બીજાં રાજ્યોમાં પણ સ્થિતિ અલગ નથી. દેશનાં બીજાં રાજ્યોમાં પણ આ રીતે જ રોડ રસ્તા બિસ્માર જ છે અને ચોમાસુ આવતાં જ બધી પોલ ખૂલવા માંડે છે. ગુજરાત પણ એમાંથી બાકાત નથી.

ગુજરાતમાં પુલની પોલ ખૂલી

  • વરસાદ શરૂ થતાં જ પોલ ખુલી.
  • બ્રિજ અને રોડ રસ્તાની હાલત ખરાબ.
  • દક્ષિણ ગુજરાતમાં રોડ-રસ્તા અને બ્રિજ અત્યંત ખરાબ.
  • રાજ્યના બીજા ભાગોમાં આ જ સ્થિતિ.
  • રાજકોટના પડધરી પાસેનો સરપદળ ગામનો પુલ તૂટ્યો.
  • સરપદળ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ.
  • અલગ-અલગ 8 થી 10 જેટલા ગામને જોડતો પુલ.
  • સુરેન્દ્નનગર પાસે વસ્તડી નજીક પુલ તૂટ્યો.
  • નેશનલ હાઇવેથી ચુડાને જોડતો પુલ તૂટ્યો ત્યારે પુલ ચાલુ હતો.
  • પુલ પરથી પસાર થતાં હતાં વાહનો.
  • ડમ્પર સહિતના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયાં.
  • 10થી વધુ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયાં.
  • તાપી જિલ્લાનો મિંઢોળા નદી પર બનેલો બ્રિજ તૂટી ગયો.
  • ગયા વર્ષે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 2 કરોડમાં તૈયાર થયો હતો બ્રિજ.

બ્રિજના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક્ઝિક્યૂટિવ એન્જિનિયર, ડેપ્યુટી એક્ઝિક્યૂટિવ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુરત ખાતેના અક્ષય કન્સ્ટ્રક્શનને આ કામ સોંપવામાં આવ્યું હતું. આ કંપનીને ખરાબ મટિરિયલનો ઉપયોગ કરીને બ્રિજ બનાવવાના આરોપસર બ્લૅકલિસ્ટ કરવામાં આવી હતી. આ બ્રિજનો ઑર્ડર 5, ફેબ્રુઆરી, 2020ના રોજ આપવામાં આવ્યો અને તેનું બાંધકામ 11 મહિનામાં પુરું કરવાનું હતું. બાંધકામ સમયસર ન પુરું થતાં તેની સમયસીમા વધારવામાં આવી હતી છતાં બ્રિજ નબળો બન્યો ને શરૂ થાય એ પહેલાં જ તૂટી ગયો.30 ઑક્ટોબર, 2022ના રોજ મોરબીમાં મચ્છુ નદી પર આવેલો કેબલ બ્રિજ તૂટી પડતાં 135 લોકોનાં મોત થયાં હતાં. મોરબી દુર્ઘટના તો સૌથી મોટી કરૂણાંતિકા હતી પણ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 14 નાના મોટા બ્રિજ તૂટ્યા છે.

કરુણાંતિકા

  • 2023માં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરની ઘટના.
  • દશેરાનો તહેવાર કરુણાંતિકામાં ફેરવાઈ ગયો.
  • રેલવે ઓવરબ્રિજનો એક ભાગ ધરાશાયી થતા બે લોકોના મોત થયા.

આ તો થોડાંક ઉદાહરણ છે પણ અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર બની રહેલો પુલ તૂટવાથી માંડીને વલસાડ પાસેનો પુલ તૂટવા સુધીની અનેક ઘટનાઓ છેલ્લાં બે વર્ષમાં બની છે. આ દુર્ઘટનાઓ હજુ રોકાતી નથી કેમ કે ગુજરાતમાં પુલોની હાલત અત્યંત ખરાબ છે. મોરબી દુર્ઘટનાને પગલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કેસ દાખલ કર્યો ત્યારે રાજ્ય સરકારે રાજ્યમાં બ્રિજની સ્થિતિને અંગે હાઈકોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરી હતી.

આંખો ખોલતી એફિડેવિટ

  • એફિડેવિટમાં સરકારે હકીકતો સ્વીકારી.
  • ગુજરાતમાં 23 બ્રિજની હાલત ખરાબ.
  • 63 બ્રિજને સમારકામની જરૂર.
  • રાજ્યમાં 461 બ્રિજ અર્બન ડેવલપમેન્ટ હેઠળ.
  • 398 બ્રિજ સારી સ્થિતિમાં.
  • રાજ્ય સરકારના માર્ગ અને બાંધકામ વિભાગની કામગીરી.
  • 1441 બ્રિજના દેખરેખની જવાબદારી સંભાળે છે વિભાગ.
  • 40 બ્રિજને સામાન્ય સમારકામની જરૂર.
  • 63 બ્રિજને સમારકામની જરૂર.
  • 16 બ્રિજ નગરપાલિકા અને 47 બ્રિજ કૉર્પોરેશનની હદમાં.
  • 29 બ્રિજનું સમારકામ ચાલું.
  • 33 બ્રિજનું સમારકામ થઈ ચૂક્યું.

અમદાવાદમાં જ ચોમાસા પહેલાં સાત ઓવરબ્રિજનાં રોડ પોણા ચાર કરોડનાં જંગી ખર્ચે આ પ્રકારે રિસરફેસ કરવામાં આવ્યા હતા.

સાત બ્રિજ રિસરફેસ કરાયા

  • નવો સરદાર બ્રિજ (રિવર બ્રિજ)
  • આંબેડકર બ્રિજ (રિવર બ્રિજ)
  • ચીમનભાઇ પટેલ બ્રિજ (રેલવે બ્રિજ)
  • શિવરંજની ફ્લાયઓવર
  • જીવરાજ બ્રિજ ( રેલવે બ્રિજ)
  • નાથાલાલ ઝઘડીયા બ્રિજ ( રેલવે બ્રિજ)
      • ગુજરાત કોલેજ ફ્લાયઓવર

સરકારની એફિડેવિટમાં અપાયેલા આંકડા જ સાબિત કરે છે કે ગુજરાતમાં સંખ્યાબંધ બ્રિજ એવા છે કે જેના કારણે લોકોના જીવને જોખમ છે. આ જોખમ એટલા માટે છે કે, સરકારી તંત્ર ભ્રષ્ટ છે અને મોટા ભાગના પુલો ભ્રષ્ટાચારના કારણે જ તૂટે છે. પુલો તૂટી પડવાનાં કારણો અને પુલો બનાવવાના નિયમો સમજાશે તો આ વાત સારી રીતે સમજાશે.

પુલ કે અન્ય કોઈ પણ બાંધકામ તૂટી પડે તેનાં અનેક કારણો હોઈ શકે છે.

શા માટે તૂટે છે પુલ ?

  • મટિરિયલની ગુણવત્તા
  • બાંધકામની આવરદા પૂરી થઈ જવી
  • વધારે પડતો ભાર એટલે કે ઓવરલોડિંગ
  • કેબલ સ્ટેઈડ બ્રિજ હોય તો કેબલ ડૅમેજ
  • કુદરતી પરિબળોને કારણે પણ બાંધકામ તૂટી શકે
  • અચાનક ભૂકંપ આવે કે વરસાદ પડે તો પણ પુલ તૂટી શકે
  • ભારે વાવાઝોડા કે વરસાદ સમયે હવાનું દબાણ સર્જાય
  • જેના કારણે પણ પુલ તૂટી પડી શકે

આ પ્રકારની દુર્ઘટના ભાગ્યે જ બને છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ અમેરિકામાં તૂટી પડેલો ટાકોમા નેરોઝ બ્રિજ છે.

કેવી રીતે તૂટ્યો પુલ ?

  • વોશિંગ્ટન પાસેનો ટાકોમા નેરોઝ બ્રિજ
  • વોશિંગ્ટન સ્ટેટ અને ઓલિમ્પિક પેનિન્સુલાને જોડતો સસ્પેન્શન બ્રિજ
  • બ્રિજનું ઉદઘાટન 1940ના જુલાઈમાં કરાયું
  • 4 મહિના પછી 7 નવેમ્બર, 1940ના રોજ વહેલી વારે બ્રિજ તૂટી પડ્યો
  • બ્રિજ તૂટી પડવાનું કારણ પવન
  • પ્રતિ કલાક 67 કિલોમીટરની સ્પીડે ફૂંકાયો પવન
  • ભારે પવનને કારણે સર્જાયેલી એરોઇલાસ્ટિક ફ્લટરની પ્રક્રિયા
  • જેના લીધે ટાકોમા નેરોઝ બ્રિજ તૂટી પડ્યો

જાણીને આશ્ચર્ય થશે પણ અવાજના કારણે પુલ તૂટી પડે એવું બને છે. સ્ટ્રક્ચરલ એન્જીનિયરિંગના નિષ્ણાતોના મતે રેસોનન્સ એટલે પડઘા કે પ્રતિધ્વનિને કારણે પણ પુલ જેવા સ્ટ્રક્ચર તૂટી શકે છે. આ કારણે જ આર્મીની ટુકડીઓને કોઈ પુલ પરથી પસાર થતી વખતે વિખેરી નાખવામાં આવે છે. આર્મીની ટુકડીઓ તેની શિસ્તબદ્ધ અને લયબધ્ધ પરેડની ચાલને બ્રિજ તૂટવાનું કારણ બની શકે. શિસ્તબદ્ધ અને લયબધ્ધ પરેડની ચાલને કારણે ઉત્પન્ન થતી ફ્રિકવન્સીથી થતાં રેસોનન્સની અસર પુલ પર થાય અને પુલ તૂટી પડે એવું બની શકે છે.

અવાજ તોડી શકે છે પુલ ?

  • ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ઘટના
  • બ્રાઉટન અને પેન્ડલટોન વચ્ચેનો બ્રાઉટન સસ્પેન્શન બ્રિજ
  • 12 એપ્રિલ, 1831ની તારીખ હતી
  • પડઘા કે પ્રતિધ્વનિના કારણે તૂટી પડ્યો હતો બ્રિજ
  • બ્રિટિશ આર્મી આ બ્રિજ પરથી પસાર થતી હતી
  • જવાનોના લયબદ્ધ પગલાંના કારણે પ્રતિધ્વનિ પેદા થયો

આ કારણે બ્રિજ તૂટી પડ્યો હોવાનું સત્તાવાર રીતે વિજ્ઞાનીઓએ જાહેર કર્યું. એ પછી બ્રિટિશ આર્મીએ પુલ પરથી માર્ચ કરતી વખતે ટુકડીઓને વિખેરી નાંખવાનો આદેશ આપ્યો હતો. દુનિયાભરની આર્મી પછીથી આ નિયમનું પાલન કરવા માંડી તેથી ફરી એવી દુર્ઘટના ના બની. ટાકોમા નેરોઝ બ્રિજના કિસ્સામાં પણ ભારે પવનના કારણે પેદા થયેલા રેસોનન્સ એટલે પડઘા કે પ્રતિધ્વનિને કારણે બ્રિજના માળખાને નુકસાન થયું હોવાનું કારણ અપાયું જ હતું. અલબત્ત આ તો ભાગ્યે જ બને એવી ઘટનાઓ છે પણ મુખ્યત્વે પુલ તૂટી પડવા માટે નબળું બાંધકામ કે નિયમોની અવગણના જ જવાબદાર હોય છે. ટાકોમા નેરોઝ બ્રિજ જેવો જ ઝૂલતો પુલ મોરબીમાં તૂટી પડેલો. એ વખતે કોઈ પવન નહોતો કે કોઈ કુદરતી આફત નહોતી પણ છતાં પુલ તૂટી પડ્યો હતો.

ઝુલતા પુલ કેટલા મજબૂત ?

  • મોરબીના આ ઝૂલતા પુલનું નિર્માણ જ્યારે 1879માં પૂરું થયું
  • એ સમયે એ ઇજનેરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
  • 145 વર્ષ બાદ આ પુલ 2022માં તૂટી પડ્યો
  • ભાઈબીજના દિવસે 134 લોકોનાં મોતનું કારણ બન્યો
  • આ ઝૂલતા પુલને કેબલ સ્ટૅય્ડ કે સસ્પેન્શન બ્રિજ કહેવાય
  • દેશના ખ્યાતનામ યાત્રાધામ ઋષિકેશમાં પણ આવા બ્રિજ
  • લક્ષ્મણઝૂલા અને રામઝૂલા આ પ્રકારના સસ્પેન્શન બ્રિજનાં ઉદાહરણ
  • વર્ષોથી ઉપયોગમાં લેવાય છે લક્ષ્મણઝૂલા અને રામઝૂલા
  • દરરોજ હજારો પ્રવાસીઓની અવરજવર કરે છે
  • આમ છતાં લક્ષ્મણઝૂલા અને રામઝૂલા મજબૂત

મોરબીના પુલના કિસ્સામાં તપાસ સમિતિ રચાયેલી છે પણ તેણે હજુ સુધી કોઈ કારણ આપ્યું નથી. ગુજરાત સરકાર દ્વારા તપાસ કરવા અને કારણ નક્કી કરવા માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી કે જે પોણા બે વર્ષ પછી પણ કારણો શોધ્યા કરે છે. આ બ્રિજ સમારકામ માટે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો. આ સમારકામમાં નિયમોની અવગણના કરવામાં આવી હોવાથી પૂલ તૂટી પડ્યો હોય એવું બની શકે. આ નિયમો શું છે એ જાણી લઈએ.

શું છે નિયમો ?

  • કોઈ પણ બ્રિજનું બાંધકામ કે સમારકામ માટે નિયમો
  • બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે કરવાનું હોય બાંધકામ
  • સૌથી પહેલાં તો બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવે
  • ડિઝાઇન સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસે જ બનાવડાવવાની
  • મોટા બ્રિજ બનાવવા માટે ખાસ કાળજી લેવાય
  • બે કે ત્રણ નિષ્ણાત સ્ટ્રક્ચરલ એન્જીનિયરના અભિપ્રાય લેવાય
  • વધુ લોકો ભેગા થવાના હોય અને મોટી જાનહાનિ થવાનો ભય
  • આવાં સ્ટ્રક્ચરની ડિઝાઇન તૈયાર કરતી વખતે વિશેષ કાળજી રખાય
  • માન્યતાપ્રાપ્ત સ્ટ્રક્ચરલ ઇજનેર દ્વારા વેરિફિકેશન થાય
  • માન્યતાપ્રાપ્ત સ્ટ્રક્ચરલ ઇજનેરનું સર્ટિફિકેટ સરકારમાં રજૂ કરાય
  • જેના પછી સરકારી સત્તામંડળ મંજૂરી આપે
  • સરકારી સત્તામંડળ દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થાય
  • પુલની ડિઝાઇન અને સ્ટ્રક્ચર બરાબર છે કે નહીં એની ચકાસણી
  • થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ નિષ્ણાત સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા કરાય
  • એક વાર ડિઝાઇન ફાઈનલ થાય પછી બીજું સ્ટેજ
  • કેટલીક વાતોનું ખાસ ધ્યાન રખાય
  • કોઈ પણ બ્રિજના બંધકામ પર સ્થળ, પ્રદેશ અને વાતાવરણની અસર થાય
  • ભેજવાળું વાતાવરણ હોય તો કોન્ક્રીટ કે લોખંડ ઝડપથી કટાવાનો ડર
  • સમય જતાં તેની મજબૂતી ટકશે કે નહીં તે પહેલાંથી નક્કી કરાય
  • બ્રિજના મટિરિયલની ગુણવત્તા પર ટકાઉપણાનો આધાર
  • બ્રિજમાં વપરાતું મટિરિયલ નિયમો પ્રમાણે જ હોવું જોઈએ

બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે મટિરિયલ હોય તો જ બ્રિજના બાંધકામમાં તેના ઉપયોગની મંજૂરી આપવામાં આવે છે. સામાન્ય રીતે બ્રિજનું બાંધકામ ખાનગી કંપનીઓને સોંપવામાં આવે છે. અલબત્ત કોઈ બિનસરકારી સંસ્થા કે કંપની બ્રિજનું સ્ટ્રક્ચર બનાવવતી હોય તો પણ તેની ટેકનિકલ બાબતોની તકેદારી રાખવાની જવાબદારી સરકારી એજન્સીની હોય છે. બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમો પ્રમાણે ના બનતો બ્રિજ રોકવાની જવાબદારી સરકારની છે. બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમો પ્રમાણે બિનસરકારી સંસ્થા કે કંપની દ્વારા બનાવાતો બ્રિજ અથવા સ્ટ્રક્ચર લોકો માટે ખુલ્લું મૂકતાં પહેલાં તેનાં તમામ પાસાંની ચકાસણી કરવાની જવાબદારી પણ સરકારી એજન્સીની રહે છે. આ ચકાસણી બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમો પ્રમાણે થાય છે અને બિનસરકારી સંસ્થા કે કંપની સરકારી માપદંડો અનુસાર કામ કરી શકી છે કે નહીં તે જોયા પછી જ તેને મંજૂરી અપાય છે. કોઈ પણ બ્રિજ કે સ્ટ્રક્ચરને બનાવતી વખતે જે સ્ટાન્ડર્ડ પ્રક્રિયા થવી જોઈએ તેને અવગણી શકાય નહીં. આ પ્રક્રિયાને અવગણવામાં આવે તો બ્રિજ નબળો બને અને ગમે ત્યારે તૂટી પડી શકે છે.
આ પ્રક્રિયાને ક્યારે અવગણવામાં આવે એ કહેવાની જરૂર નથી. જેને કામ સોંપવામાં આવ્યું છે એ બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમોનું પાલન ના કરે ત્યારે બાંધકામ નબળું થાય છે.

ક્યારે સમસ્યા થાય ?

  • ગમે તેવા અણઘડ લોકો પાસે ડિઝાઈન બનાવાય
  • નિમ્ન કક્ષાના મટિરિયલનો ઉપયોગ
  • સરકારી એજન્સીની લાપરવાહી
  • દરેક બાંધકામને નિયમિતપણે સમારકામની જરૂર પડે
  • સરકારી તંત્ર એ સમારકામની તસદી પણ લેતું નથી
  • કોન્ટ્રાક્ટમાં એનો સમાવેશ હોય
  • ભ્રષ્ટાચારના કારણે સમારકામની અવગણના થાય

સરકારી એજન્સી ભ્રષ્ટાચાર કરીને એ જવાબદારી ના નિભાવે ત્યારે બાંધકામ નબળું થાય છે. આ નબળા બાંધકામને એક થપાટ વાગે કે તરત એ તૂટી પડે છે. ભારતમાં કુદરતી કારણોસર બ્રિજ તૂટી પડે એવું ભાગ્યે જ બને છે. મોટા ભાગના કિસ્સામાં બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમોની અવગણના જ કારણ હોય છે. સરકારી તંત્ર ભ્રષ્ટાચાર કરીને જેમને બ્રિજ બનાવવાનો કે એ પ્રકારનાં કામોનો અનુભવ ના હોય એવાં લોકોને કોન્ટ્રાક્ટ આપી દે, એ લોકો અણઘડ લોકો પાસે ડિઝાઈન બનાવડાવી દે અને પછી હલકું મટિરિયલ વાપરી નાંખે. ભારતમાં ટોલ ટેક્સ આધારિત બ્રિજ પણ બને છે. આ બ્રિજ બનાવવાનું કામ મોટા ભાગે પ્રતિષ્ઠિત કંપનીઓને સોંપાય છે. પ્રતિષ્ઠિત કંપનીઓ માટે બ્રિજ કે બીજું નિર્માણ પ્રતિષ્ઠાનો જ નહીં પણ આર્થિક હિતોનો પણ પ્રશ્ન હોય છે. કોઈ મોટી કંપનીએ બનાવેલો બ્રિજ તૂટી જાય તો તેને બ્લેક લિસ્ટેડ કરી દેવાય છે. આ કારણોસર તેમને ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ મળતા બંધ થઈ જઈ શકે અને તેમને

આર્થિક રીતે બહુ મોટો ફટકો પડી જાય. આ સ્થિતિમાં કોઈ પણ કંપની જોખમ લેવા નથી માગતી હોતી. બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમોને અનુસરીને જ કામ કરે છે. મોટી કંપનીઓના બ્રિજ તૂટતા નથી એવું નથી પણ સામાન્ય રીતે રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન કે બીજાં સ્થાનિક સત્તામંડળો દ્વારા બનાવાતા પુલ વધારે તૂટે છે. આ કારણે ભારતમાં પુલ તૂટવાની ઘટનાઓ કુદરતી કારણોસર ઓછી ને માનવસર્જિત વધારે હોય છે.

શા માટે એક્શન નહીં ?

  • પુલ તૂટવાની કે બીજી ઘટનાઓના દોષિતો સામે કોઈ કાર્યવાહી નહીં
  • દેખાવ ખાતર કાર્યવાહી થાય તો બહું સામાન્ય થાય
  • સાવ સામાન્ય કલમો લગાવીને જેલમાં પૂરી દેવાય
  • કંપનીને બ્લેકલિસ્ટેડ કરવા જેવાં પગલાં લેવાય
  • કોઈ કંપનીને બ્લેકલિસ્ટેડ કરાય તો એ નામ બદલે
  • ફરી ભ્રષ્ટાચાર કરીને પાછી કોન્ટ્રાક્ટ મેળવે

સરકારી અધિકારીઓ બ્રિજ તૂટવા સહિતની ઘટનાઓ માટે સૌથી વધારે જવાબદાર હોય છે કેમ કે એ લોકોના ભ્રષ્ટાચાર અને બેદરકારીના કારણે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમોને અનુસરીને કામ થતું નથી. આ સંજોગોમાં કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓ બંને સામે આકરાં પગલાં લેવાવાં જોઈએ. બ્રિજ બને ત્યારે જ તેને નુકસાન થશે તો કોની જવાબદેહી હશે એ નક્કી થવું જોઈએ. પુલ તૂટી પડે ને કોઈ ગુજરી જાય કે ના ગુજરી જાય પણ તેમની સામે હત્યા કે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવો જોઈએ કેમ કે તેમણે લોકોના જીવ સાથે રમત કરી જ છે. આ પ્રકારની જોગવાઈઓ ના થાય ત્યાં સુધી બ્રિજ તૂટતા રહશે ને લોકો મરતાં રહેશે.