November 22, 2024

મહાયુદ્ધની તૈયારી, 48 કલાકની અંદર ઈઝરાયલ પર હુમલો કરી શકે છે ઈરાન

Iran: મધ્ય પૂર્વમાં તણાવ ગમે ત્યારે મોટા યુદ્ધનું સ્વરૂપ લઈ શકે છે. અમેરિકન ન્યૂઝ વેબસાઈટ Axiosએ સૂત્રો અનુસાર જણાવ્યું છે કે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ચેતવણી આપી છે કે ઈરાન અને હિઝબુલ્લાહ આગામી 24 થી 48 કલાકમાં ઈઝરાયલ પર હુમલો કરી શકે છે. હમાસ અને હિઝબુલ્લાના ટોચના નેતાઓના મૃત્યુ પછી મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે, કારણ કે ઈરાન અને હિઝબુલ્લાએ ઈઝરાયલ પાસેથી બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે.

એક અહેવાલ આપ્યો છે કે બ્લિંકને G7 સાથીદારોને કોન્ફરન્સ કોલમાં જણાવ્યું હતું કે ઈરાન અને હિઝબુલ્લાહ સોમવારે સવારે ઇઝરાયેલ પર હુમલો કરી શકે છે. સમાચાર અનુસાર, બ્લિંકને કહ્યું છે કે આ હુમલો ક્યારે થશે તે તેઓ જાણતા નથી, પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન અને હિઝબુલ્લાહ બંને જવાબી કાર્યવાહી કરશે.

ઈઝરાયલને બચાવવાના પ્રયાસો તેજ થયા
બ્લિંકને તેમના G7 સમકક્ષોને ફોન કૉલમાં જણાવ્યું હતું કે અમેરિકા ઈરાન અને હિઝબુલ્લાહને તેમના હુમલાઓને મર્યાદિત કરવા અને ઈઝરાયલને કોઈપણ કાર્યવાહીથી બચાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. આમ કરીને અમેરિકા આ ​​ક્ષેત્રમાં વધતા તણાવને રોકવા માંગે છે. તેમણે G7ના વિદેશ મંત્રીઓને ઈરાન અને હિઝબુલ્લા પર દબાણ લાવવા વિનંતી કરી છે.

G7 જૂથમાં વિશ્વના શક્તિશાળી દેશો અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુનાઇટેડ કિંગડમ સામેલ છે. આ તમામ દેશો પહેલાથી જ મધ્ય પૂર્વની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે અને ઘણા દેશોએ પોતાના નાગરિકોને ઈરાન, લેબનોન અને ઈઝરાયલની યાત્રા પર પ્રતિબંધ પણ લગાવી દીધો છે.

આ પણ વાંચો: શેખ હસીના બાંગ્લાદેશ છોડી ભાગ્યાં, PM પદેથી રાજીનામું; સેનાએ સંભાળ્યો મોરચો

ઈઝરાયલને બચાવવા અમેરિકા તૈયાર
ઈરાન અને હિઝબુલ્લાની ધમકીઓ બાદ અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાની સૈન્ય હાજરી વધારી દીધી છે. સાથે જ બ્રિટન પણ પોતાની સેના વધારવા પર વિચાર કરી રહ્યું છે. ઈરાનને હુમલા કરતા રોકવા માટે અમેરિકા પણ રાજદ્વારી રીતે કામ કરી રહ્યું છે. અમેરિકાના સહયોગી જોર્ડનના વિદેશ મંત્રી રવિવારે ઈરાન પહોંચ્યા હતા. તેમની મુલાકાતનું કેન્દ્ર મધ્ય પૂર્વમાં વધતા તણાવને અટકાવવાનું પણ છે.