January 19, 2025

અમથાણી ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પૈસા માંગતો વીડિયો વાયરલ થતા હડકંપ

Pradhan Mantri Awas Yojana: મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકાના અમથાણી ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થી પાસે પૈસા માંગતો વીડિયો વાયરલ થતા જિલ્લામાં હડકંપ મચ્યો છે.

પૈસાની માંગણી કરવામાં આવી
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અમથાણી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના પતિ દ્વારા આવાસના લાભાર્થીઓ પાસેથી કટકી કરતા હોવાનો વીડિયો વાયરલ થતા જિલ્લામાં હડકંપ મચ્યો છે. એક બાજુ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર ગરીબ પરિવારોને પોતાના સપનાનું પાકુ મકાન મળે તે હેતુથી આવાસ માટે 1 લાખ 30 હજાર જેટલી રકમ લાભાર્થીને ખાતામા આપે છે. ત્યારે આ મકાન પાસ કરાવવા તેમજ રકમના હપ્તા મંજૂર કરાવવા માટે સરપંચો દ્વારા પૈસાની માંગણી કરવામાં આવતી હોય છે.

પૈસાની માંગણી કરી
ત્યારે જ ગરીબ પરિવાર પોતાના સપનાનું મકાન બનાવી શક્યો હોય છે આવું એક જગ્યાએ નથી અનેક જગ્યાઓ પર બૂમો સામે આવતી હોય છે. ત્યારે પરીવાર કરે તો શું કરે તેમ કહી પૈસા અપાતું હોય છે. આવી રકમ ઉપર પણ સરપંચોની જાણે નજર રહેતી હોય તેમ મહીસાગરના અમથાણી ગામના સરપંચના પતિ દ્વારા ગામના લાભાર્થીઓ પાસેથી પૈસાની માગણી કરી મકાન મંજૂર કરાવવા લાભાર્થીઓને કહેવામાં આવે છે. જેમાં પહેલા હપ્તાએ 30 હજારમાંથી 5 હજાર લેવામા આવે છે. બીજા હપ્તા ના 80 હજારે 10 હજાર લેવામા આવે છે. ત્રીજા હપ્તાએ 3 હજાર જયારે મસ્ટર મંજૂરી માટે 5 હજાર જેટલી રકમો લાભાર્થીઓ પાસેથી માગવામાં આવી રહી છે. જોકે લાભાર્થી દ્વારા સરપંચનો વીડીયો બનાવી સોશિયલ મીડિયા તેમજ અધિકારીઓને આપવામાં આવતાં જિલ્લા પંથકમાં ચર્ચાએ જોર પકડયું છે.

આ પણ વાંચો: હર્ષ સંઘવી અને પોલીસ વડાની અધ્યક્ષતામાં મંથલી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, થઈ આ ચર્ચા

અધિકારીને લેખિતમાં રજૂઆત કરી
આ વીડિયોમાં પહેલા હપ્તાએ ભારતભાઈ ડામોર લાભાર્થી પાસેથી સરપંચના પતિ દેવાભાઈ ડામોર દ્વારા તેમને અવારનવાર પૈસાની માંગણી કરવામાં આવતી હતી. જે અનુસંધાને કંટાળી ભારત ભાઈએ પૈસા આપતો વીડિયો બનાવ્યો હતો. જેમાં 5 હજાર લેતા વીડિયોમાં નજરે પડ્યા હતા. જે અનુસંધાને ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રી તેમજ કડાણા તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમજ તેઓ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા. અમથાણી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગામમાં આવતા કેટલાય સરકારી કામોમાં આ જ રીતની કટકી કરતા હોવાનું ગ્રામજનો દ્વારા જણાવ્યું હતું. અનેક સરકારી યોજનાઓમાં સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર કરી ગરીબ પરિવારો પાસેથી પૈસા લીધા હોવાનું પણ ગ્રામજનો દ્વારા રક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે ગ્રામજનો દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવે અને તેની સામે કડકમાં કડક તેમજ એસીબી સુધીની કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવી છે. જોકે ગ્રામજનો દ્વારા ઓનલાઈન મુખ્યમંત્રી પોર્ટલ ઉપર પણ તેની રજૂઆત કરવામાં આવી છે. જેને લઇ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સમગ્ર કૌભાંડનો લઈ તપાસના આદેશ આપ્યા છે.