મહાકુંભ માટે શરૂ કરાયેલ ST વોલ્વો બસ સેવાને બહોળો પ્રતિસાદ

મહાકુંભ 2025: 144 વર્ષ બાદ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પવિત્ર મા ગંગામાં સ્નાન કરવા પહોંચી રહ્યા છે. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પોતાની રીતે મહાકુંભમાં પહોંચી રહ્યા છે. ત્યારે ગરીબ અને મધ્યમવર્ગના લોકો પણ મહાકુંભમાં જઈ પોતાની જાતને ધન્ય કરી શકે એ માટે ગુજરાત સરકાર અને ST નિગમ દ્વારા વિશેષ ST વોલ્વો બસની સેવા અમદાવાદથી પ્રયાગરાજ સુધી પેકેજના સ્વરૂપમાં સુવિધા કરવામાં આવી છે. જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે

ગુજરાત સરકાર અને ST નિગમ દ્વારા ચાલો મહાકુંબ ચલે અંતર્ગત અમદાવાદથી પ્રયાગરાજ માટે વિશેષ વોલ્વો બસ સેવા રૂ.8100ના દરે 3 રાત્રિ અને 4 દિવસના પેકેજની શરૂઆત 27 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે જેની શરૂઆત CM ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગરથી લીલી ઝંડી આપી પ્રથમ બસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.. અમદાવાદથી દરરોજ એક બસ 47 મુસાફરો સાથે પ્રયાગરાજ જવા માટે પ્રસ્થાન કરી રહીં છે જે મધ્યપ્રદેશમાં એક રાતનું રોકાણ કરી બીજા દિવસે પ્રયાગરાજ પહોંચી રહી છે ત્યારે અત્યાર સુધીમાં 100 જેટલા યાત્રીઓ મહાકુંભમાં પવિત્ર સ્નાનની ડુબકી લગાવી પરત ફર્યા છે.. પેકેજમાં ST નિગમ દ્વારા યાત્રાળુઓના નાસ્તાથી લઈ જમવા અને રહેવા સુધીની વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

યાત્રીઓ પ્રયાગરાજ પહોચ્યા બાદ સરળતાથી મહાકુંભમાં સ્નાન કરી શકે એ બાબતે પણ ગુજરાત સરકાર અને ST નિગમ દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે

– બસના પાર્કિંગ માટે પ્રયાગરાજ ખાતે પાર્ટી પ્લોટ ભાડે રખાયો
– ગુજરાત પેવેલિયનથી 20 કિમી પહેલા પાર્કિંગ પ્લોટ ભાડે રખાયો
– પાર્કિંગ પ્લોટથી યાત્રાળુઓ ઈ રિક્ષા અને બાઈકથી ગુજરાત પેવેલિયન પહોંચી શકે છે
– તંત્ર દ્વારા ઇનોવા અને બોલેરો સ્ટાફ કાર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે
– ગુજરાત પેવેલિયન ખાતે ડોરેમેન્ટ્રીમાં રહેવાની અને જમવાની વ્યવસ્થા
– ગુજરાત પેવેલિયનથી મહાકુંભમાં સ્નાન કરી યાત્રાળુઓ કુશળ પરત ફરે એ માટે વોટસએપ ગ્રૂપથી આપતી સૂચનાઓ
– ક્યાં રૂટ પર ટ્રાફિક છે, પરત ફરવા માટેનું લોકેશન સહિતની બાબતો સુપર વાઈઝર અધિકારી દ્વારા શેર કરવામાં આવે છે

ગુજરાત સરકાર અને ST નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલી વોલ્વો સેવા સુચારુ રૂપે ચાલે અને મહાકુંભ ગયેલા યાત્રાળુઓની યાત્રાથી લઈ પરત ફરવા સુધીમાં કોઈ મુશ્કેલી ન આવે એ માટે મંત્રી હર્ષ સંઘવી અને નિગમના અધિકારીઓ પણ સતત અપડેટ લઈ રહ્યા છે

અમદાવાદથી ST વોલ્વો બસમાં પ્રયાગરાજ ગયેલા યાત્રાળુઓ દ્વારા પણ ગુજરાત સરકાર અને ST નિગમ દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓને પણ વખાણી રહ્યા છે. યાત્રાળુઓ માટે હોટેલમાં રહેવાની કરવામાં આવેલ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા અંગે પણ સંતોષ વ્યક્ત કરતા જણાઈ રહ્યા છે.