રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું લાગે છે: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ
રાજકોટ: પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે એક પત્રિકા દ્વારા સવા મહિના પછી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું જણાવ્યું છે. ત્યાં જ તેમણે એવું પણ કહ્યું છે કે, કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી. સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ.
ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. જે અંતર્ગત આજે સરદાર ધામ રાજકોટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મોટી સંખ્યામાં યુવાનો બ્લડ ડોનેશન કરશે અને આ પ્રસંગે લેઉવા પાટીદાર સમાજના સામાજિક, રાજકીય અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ત્યાં જ અહીં આજે ખોડલધામના ટ્રસ્ટીઓ અને કન્વીનરોની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. સાથે જ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સૌરાષ્ટ્ર નવા લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાના જન્મદિવસના અવસરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય માટે રાજકિય રીતે એક્ટિવ રહેવું જોઈએ. જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ. પરંતુ હું રાજકારણમાં નથી જવાનો. જોકે આ દરમિયાન તેમણે એવું પણ કહ્યું હતું કે, એક પત્રિકા દ્વારા સવા મહિના પછી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને લાગે છે. ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ. ખોડલધામ તરફથી કોઈ દ્વેષ કે કોઈ રાગ નથી. ઘરમાં કાંઈ હોય જ નહીં ઘરમાં સમાધાન હોય.
વધુમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે અને તેમને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે ઉભા રહ્યા છીએ. જયેશ સાથે કોઈ જ વિવાદ નથી, ખોડલધામ તરફથી ખાતરી આપું છું કોઈ રાગદ્વેષ નથી.