April 3, 2025

પોલીસ પોતાની સીમાઓ ઓળંગી ન શકે: સખ્ત ચેતવણી સાથે સુપ્રીમકોર્ટનો તમામ રાજ્યોના DGPને નિર્દેશ

જયેશ ચૌહાણ, સુપ્રીમકોર્ટ: સુપ્રીમકોર્ટે પોતાના એક ચુકાદામાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ કર્મચારીઓને ધરપકડના નિયમોના ઉલ્લંઘન બદલ ચેતવણી આપી છે. સુપ્રીમકોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું કે ધરપકડના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમકોર્ટે રજિસ્ટ્રીને પણ આદેશ કર્યો કે ચુકાદાની કોપી તમામ રાજ્યોના પોલીસ વડાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશના પોલીસ કમિશનરોને પણ આપવામાં આવે જેથી તેમને પણ યાદ અપાવી શકાય કે ધરપકડ કરેલા વ્યક્તિના તમામ સુરક્ષા ઉપાયોનું સખ્ત પાલન કરવામાં આવે.

શું હતો મામલો ?
સુપ્રીમકોર્ટના જસ્ટિસ અમાનુલ્લાહ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે હરિયાણાના એક અરજદારની અરજી પર સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી જેમાં અરજદારનો આક્ષેપ હતો કે હરિયાણા પોલીસે તેને અરનેશ કુમારના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરી ધરપકડ કરી અને સ્થળ પર તેમજ પોલીસ સ્ટેશનમાં શારીરિક રીતે પ્રતાડિત કરવામાં આવ્યો.

અરજદારના વકીલ દ્વારા ખંડપીઠ સમક્ષ પોતાની વાત મૂકતા દલીલ કરવામાં આવી હતી કે અરજદારને પોલીસે કસ્ટડીમાં લીધો અને તેના ભાઈએ પોલીસ અધિક્ષકને ઈમેલ મોકલી સૂચના આપી જેનાથી પોલીસ અધિકારીઓ નારાજ થયા અને કથિત રૂપે અર્ધા સાથે મારામારી કરી, અરજદારના વકીલે એ પણ આરોગ લગાડ્યો કે 2 કલાક બાદ પ્રતિશોધના ભાગરૂપે એક પ્રાથમિકી પણ દાખલ કરી.

સુપ્રીમકોર્ટની ખંડપીઠે હરિયાણા ડીજીપીને પણ વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો હતો અને મામલાના રેકોર્ડની તપાસ બાદ કોટે અવલોકન કર્યું હતું કે “પોલીસ તરફથી સ્પષ્ટ રૂપથી મનમાની અને દમનકારી વલણ અપનાવવામાં આવ્યું હતું”

સુપ્રીમ કોર્ટે એ પણ યાદ અપાવ્યું કે આરોપીઓને પણ અધિકાર પ્રાપ્ત છે અને કહ્યું કે, ભલે કોઈ વ્યક્તિ આરોપી હોય પણ કાયદાની માગ છે કે તેમની સાથે પણ કાનૂની પ્રક્રિયાને અનુરૂપ વ્યવહાર કરવામાં આવે. આપણા દેશના કાયદા મુજબ એક આરોપીને પણ કેટલાક સુરક્ષા ઉપાય પ્રદાન કરવામાં આવ્યા છે જેથી તેની શારીરિક સુરક્ષા અને ગરિમા સુનિશ્ચિત થઈ શકે, આ મામલામાં જ્યારે અરજદારને પોલીસે ઉઠાવ્યો ત્યારે તે એક આરોપી હતો, એવું કહી શકાય કે એક સામાન્ય નાગરિક પોતાની સીમાઓ પાર કરી શકે છે (સીમાઓ પાર કર્યા બાદ કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરી શકાય) પરંતુ પોલીસને આવું કરવાની અનુમતિ ના આપી શકાય.

“સુપ્રીમકોર્ટે ધરપકડના નિયમોના પાલન અંગે ટિપ્પણીઓ કરી”
સંબંધિત પોલીસ અધિકારીઓને સાવધાન કરવામાં આવે છે અને ભવિષ્યમાં સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવે છે. પોલીસ મહાનિર્દેશકને પણ નિર્દેશ આપવામાં આવે છે કે આ પ્રકારની ઘટના ફરીવાર ન બને અને કોઈપણ અધિનસ્થ અધિકારી દ્વારા આ પ્રકારના અધિકારોના ઉલ્લંઘનને લઈ વરિષ્ઠ અધિકારીઓની તરફથી પણ શૂન્ય સહનશીલતા હોવી જોઈએ. પોલીસ રાજ્ય વ્યવસ્થાનું એક મહત્વપૂર્ણ અંગ છે અને આનું સમાજની સમગ્ર સુરક્ષા અને વ્યક્તિઓ વિશેષ સુરક્ષા પર સીધો પ્રભાવ પડે છે એટલા માટે જનતા અને સમાજનો પોલીસ પર વિશ્વાસ બનાવી રાખવા અત્યંત આવશ્યક છે.

સુપ્રીમકોર્ટે વિશેષમાં કહ્યું કે, અમને વિશ્વાસ છે કે પોલીસ મહાનિર્દેશકને યોગ્ય રીતે જાગૃત કરી દેવામાં આવ્યા હશે અને અમે આશા રાખીએ છીએ કે આવા મામલાઓમાં ફરી ભૂલો નહીં થાય જો આવું થશે અને અમારા સંજ્ઞાનમાં આવશે તો અમે આના પર સખત વલણ અપનાવીશું અને દોષિત કર્મચારીઓ સામે સખ્ત પગલાં લેવામાં આવશે.

“તમામ રાજ્યોના DGPને પણ નિર્દેશ”

 

સુપ્રીમકોર્ટે પોતાના વર્ષ 2024ના ચૂકાદા (સોમનાથ VS મહારાષ્ટ્ર રાજ્ય, 2024)નું ઉદાહરણ આપતા કહ્યું કે પોલીસ હજુ પણ ધરપકડ સંબંધિત દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરી રહી છે, જે ચિંતાજનક છે.

સુપ્રીમ કોર્ટે રજીસ્ટ્રીને એ આદેશ પણ આપ્યો કે આ ચુકાદાની એક કોપી અને સોમનાથ વર્સિસ મહારાષ્ટ્ર રાજ્યના નિર્ણયની એક કોપી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ મહાનિર્દેશકો તથા દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના પોલીસ આયુક્તને મોકલવામાં આવે જેથી તેમને યાદ અપાવી શકાય કે કસ્ટડીમાં લેવામાં આવેલ વ્યક્તિઓના તમામ સુરક્ષા ઉપાયોનું સખ્તાઇથી પાલન કરવામાં આવે.

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે 12 જાન્યુઆરી 2023ના રોજ અરજદાર દ્વારા દાખલ કરેલ એક અવમાનના અરજીને ફગાવી દીધી હતી. જેથી અરજદાર દ્વારા સુપ્રીમકોર્ટમાં વિશેષ અનુમતિ સાથે અરજી દાખલ કરવામાં આવી હતી.