July 4, 2024

PM નરેન્દ્ર મોદીનો ગ્રાફ નીચે નથી જવાનો: મનોહર લાલ ખટ્ટર

Farmer Protest: લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) અને અન્ય મુદ્દાઓને લઈને દિલ્હીમાં કૂચ કરી રહેલા ખેડૂતો સરહદ પર અટવાયેલા છે. આજે ગુરુવારે (15 ફેબ્રુઆરી) ચંદીગઢમાં કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે બેઠક યોજાવા જઈ રહી છે. આ મામલે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. ખેડૂત આંદોલનને લઇને પત્રકાર પરિષદમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે ખેડૂતોએ સેનાના હુમલા જેવું વાતાવરણ સર્જ્યું છે.

પત્રકાર પરિષદને સંબોધતા ખટ્ટરે કહ્યું, ‘તેમની માંગ હરિયાણા પાસે નથી પરંતુ કેન્દ્ર સરકાર પાસે છે. દિલ્હી જવું એ દરેકનો લોકતાંત્રિક અધિકાર છે પરંતુ તેનો હેતુ પણ ધ્યાનમાં રાખવો જોઈએ. આ અનુભવ આપણે એકાદ-બે વર્ષ પહેલા પણ જોયો છે કે લોકોને કેટલી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આજે પણ તે લોકોના વીડિયો સામે આવી રહ્યા છે. એવું લાગે છે કે જે પ્રકારે સેના હુમલો કરવા આગળ વધતા હોય તે પ્રકારનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે.

‘દિલ્હી પહોંચવાના માર્ગ સામે વાંધો’
તેમણે વધુમાં કહ્યું, ‘આ લોકો ટ્રેક્ટર, ટ્રોલી અને જેસીબી લઈને કેટલાક મહિનાઓના રાશન લઈ જાય છે. જ્યારે આવું બને ત્યારે સુરક્ષા પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખેડૂતોની પદ્ધતિ સામે જ વાંધો છે. દિલ્હી જવામાં કોઈ વાંધો નથી. ત્યાં પબ્લિક ટ્રાન્પોર્ટ છે અને અન્ય વાહનો દ્વારા પણ જઇ શકે છે, પરંતુ ટ્રેક્ટર અને ટ્રોલીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ નથી, જેનો ઉપયોગ ખેતી માટે જ થાય છે.

‘દેશમાં આવા લોકોને સ્વીકારવામાં આવતા નથી’
ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલની ટિપ્પણી ‘આપણે પીએમ મોદીનો ગ્રાફ નીચે લાવવો પડશે’ પર હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે કહ્યું, ‘આ એક રાજકીય નિવેદન છે. જો આટલો મોટો વિરોધ થશે તો શું લોકો પીએમ મોદીને સમર્થન આપવાનું બંધ કરશે?’ લોકોમાં સંદેશો ફેલાવવામાં આવી રહ્યો છે કે વિરોધ કરવાનો આ યોગ્ય રસ્તો નથી.