December 21, 2024

PM નરેન્દ્ર મોદી બે દિવસીય કુવૈત પ્રવાસે, 43 વર્ષ પછી કોઈ ભારતીય PMનો પ્રવાસ

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. પ્રધાનમંત્રીએ કુવૈતના શેખ મેશાલ અલ અહમદ અલ જબાર અલ સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાત લીધી છે. છેલ્લા 43 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. કુવૈત જતા પહેલા સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું હતું કે, ‘ભારત અને કુવૈત માત્ર વેપાર અને ઉર્જા ભાગીદારો નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં પણ તેમના સમાન હિત છે. અમે કુવૈત સાથેના અમારા ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ, જે પેઢીથી ચાલતા આવે છે.’

PM મોદી કુવૈતના ટોચના નેતૃત્વને મળશે
વડાપ્રધાને લખ્યું કે, આ મુલાકાતથી બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે. વડાપ્રધાન કુવૈતના અમીર, ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાનને મળશે. આજે કુવૈત પહોંચ્યા બાદ પીએમ મોદી સાંજે ભારતીય મૂળના લોકોને મળશે. પીએમ મોદી કુવૈતમાં અરેબિયન ગલ્ફ કપના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપશે.

ઈન્દિરા ગાંધીએ 1981માં કુવૈતની મુલાકાત લીધી હતી
પીએમ મોદીની આ મુલાકાત પહેલા દિવંગત પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી વર્ષ 1981માં કુવૈત ગયા હતા. વર્ષ 2009માં તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી પણ કુવૈત ગયા હતા. ભારત અને કુવૈત વચ્ચે ઐતિહાસિક વેપાર સંબંધો છે. કુવૈતમાં તેલની શોધ થઈ તે પહેલા ભારત અને કુવૈત વચ્ચે ખજૂર અને ઘોડાનો વેપાર થતો હતો. આ વેપાર ભારતના પશ્ચિમ બંદરોથી થતો હતો. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઉર્જા, વેપાર, રોકાણ અને સાંસ્કૃતિક પાસાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે. કુવૈતના શેખ સાદ અલ અબ્દુલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ‘હાલા મોદી’ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે.