1.4 અબજ ભારતીયોને તમારા પર ગર્વ, PM મોદીએ સુનિતા વિલિયમ્સને લખ્યો પત્ર

NASA: ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આજે સાંજે પૃથ્વી પર પરત ફરવાના છે. તે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર અસામાન્ય રીતે લાંબા સમય સુધી રહ્યા પછી પરત ફરી રહ્યા છે. આખી દુનિયા તેમના સુરક્ષિત પાછા ફરવાની રાહ જોઈ રહી છે. આ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પત્ર લખીને દેશના 1.4 અબજ લોકોની લાગણીઓ વ્યક્ત કરી છે.

ડૉ.જીતેન્દ્ર સિંઘના X  પર એક પત્ર શેર કરવામાં આવ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તાક્ષર સાથે એક પત્ર છે. વડાપ્રધાન દ્વારા લખાયેલા પત્રમાં લખાયું છે કે, ‘ભલે તમે અમારાથી હજારો મીલ દૂર હોવ, પરંતુ તમે અમારા દિલની નજીક છો. તમે ભારતની આન, બાન અને શાન છો. તમારી ઉપલબ્ધિઓ તમામ ભારતીયો માટે પ્રેરણા સ્રોત છે. ભારત તમારી રાહ જોઈ રહ્યું છે.’  પીએમ મોદીએ પત્રમાં સુનિતાની શક્તિ અને સાહસની કામના કરી તેઓ સુરક્ષિત પાછા ફરે તે માટે પ્રાર્થના કરી છે. આ પત્ર અવકાશયાત્રી માઈક માસિમિનો દ્વારા સુનિતા સુધી પહોંચાડવામાં આવ્યો છે. વડાપ્રધાન માસિમિનો સાથે તાજેતરમાં જ એક કાર્યક્રમમાં મુલાકાત કરી હતી.

નાસાના જણાવ્યા અનુસાર, સુનિતા વિલિયમ્સ અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓને લઈને જતું અવકાશયાન થોડા કલાકોમાં ISS થી અલગ થઈ જશે અને આજે સાંજે 5:57 વાગ્યે (યુએસ સમય) ફ્લોરિડાથી દૂર સમુદ્રમાં ઉતરશે.

ઉલ્લેખનીય છે કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરિક્ષમાં 286 દિવસ વિતાવ્યા બાદ પૃથ્વી પર વાપસી કરી રહ્યા છે. સ્પેસ એક્સનું ડ્રેગન અંતરિક્ષ યાન આજે સવારે (18 માર્ચ, મંગળવાર) 10.35 વાગ્યે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થયું.

આ પણ વાંચો: દીકરાની વિદેશ જવાની ઘેલછા: એજન્ટની કડક ઉઘરાણીથી કંટાળી પિતાએ ગટગટાવ્યું એસિડ

નાસા તેના સ્પેસએક્સ પ્રોગ્રામ હેઠળ આ પરત યાત્રાનું જીવંત પ્રસારણ કરશે. આ નાસા અને એલન મસ્કની કંપની સ્પેસએક્સનું સંયુક્ત મિશન છે, જેને “સ્પેસએક્સ ક્રૂ 9” કહેવામાં આવે છે. સુનિતા વિલિયમ્સ અને બેરી “બુચ” વિલ્મોરની આ સફર ખરેખર 10 મહિના પહેલા પૂર્ણ થવાની હતી. આઠ દિવસના મિશન પછી તેઓ પાછા ફરવાના હતા, પરંતુ ટેકનિકલ કારણોસર તેમને પરત ફરવામાં વિલંબ થયો.