PM મોદીએ સોમનાથ મંદિરમાં પ્રાર્થના કરી, થોડા દિવસો પહેલાં બ્લોગમાં લખ્યું હતું- ‘મહાકુંભ પછી સોમનાથ જશે’

ગીર-સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે બીજા દિવસે તેઓ સોમનાથના પ્રખ્યાત સોમનાથ મંદિરમાં મહાદેવના દર્શન કરી જળાભિષેક કર્યો હતો. વડાપ્રધાને ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

થોડા દિવસો પહેલા PM મોદીએ તેમના બ્લોગમાં લખ્યું હતું કે, પ્રયાગરાજમાં મહાકુંભ પછી તેઓ 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ સોમનાથ જશે અને દરેક ભારતીયની સુખાકારી માટે આશીર્વાદ લેશે. ત્યારે આજે તેમણે સોમનાથ મંદિરમાં પ્રાર્થના કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથ હેલિપેડ ખાતે સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રિ-દિવસિય પ્રવાસના બીજા દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી પહોંચતા સોમનાથ હેલિપેડ ખાતે તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલિપેડ ખાતે વડાપ્રધાનના સ્વાગત-સત્કાર માટે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાન મૂછાર, વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ પલ્લવીન જાની, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા તથા અગ્રણી મહેન્દ્ર પીઠિયા ઉપસ્થિત રહ્યાં હતાં.

નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસ ખાતે ફ્રેશ થઈને તુરંત સોમનાથ દર્શને પહોંચ્યા હતા. સોમનાથ મંદિર પરિસર ખાતે સરદાર વલ્લભ પટેલના બાવલાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પુષ્પાંજલિ અર્પણ કરી દાદા સોમનાથના દર્શને જવા રવાના થયા હતા. સોમનાથના મંદિરે પહોંચી PM મોદીએ શાસ્ત્રોક્તવિધિ સાથે પૂજા-અર્ચના કરી હતી.