January 7, 2025

PM મોદીએ દિલ્હીમાં આયુર્વેદ ઈન્સ્ટિટ્યૂટનો પાયો નાખ્યો, કહ્યું-દુનિયા જલ્દી ‘હીલ ઈન ઈન્ડિયા’ અપનાવશે

Ayurveda Institute: રોહિણીમાં નવી સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બિલ્ડિંગનો શિલાન્યાસ કરતી વખતે PM નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતમાં વિશ્વની આરોગ્ય અને સુખાકારીની રાજધાની બનવાની અપાર સંભાવના છે અને તે દિવસ દૂર નથી જ્યારે વિશ્વ ‘મેક ઇન ઇન્ડિયા’ તેમજ ‘હીલ ઇન ઇન્ડિયા’ અપનાવશે. વધુમાં કહ્યું કે, આ આયુર્વેદની આગામી મોટી છલાંગ છે. આ સમારોહમાં કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રતાપરાવ જાધવ અને અન્ય મહાનુભાવો હાજર હતા.

એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું કે, 187 કરોડના રોકાણ સાથે 2.92 એકરમાં ફેલાયેલી નવી સુવિધામાં આયુર્વેદ સંશોધનને આગળ વધારવા અને લોકોને આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવા માટે સમર્પિત 100 બેડની હોસ્પિટલ હશે. પીએમ મોદીએ કહ્યું કે સરકાર આયુષ અને આયુર્વેદ જેવી પરંપરાગત ભારતીય તબીબી પ્રણાલીઓને પ્રોત્સાહન આપી રહી છે.

તેમણે કહ્યું કે છેલ્લા એક દાયકામાં આયુષ પ્રણાલી 100 થી વધુ દેશોમાં વિસ્તરણ કરવામાં આવી છે. પીએમ મોદીએ એ વાત પર પણ પ્રકાશ પાડ્યો કે ભારતમાં પરંપરાગત દવા સંબંધિત પ્રથમ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સંસ્થાની સ્થાપના કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, થોડા અઠવાડિયા પહેલા અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આજે કેન્દ્રીય આયુર્વેદ સંશોધન સંસ્થાનનો પાયો નાખવામાં આવ્યો છે, જેના માટે તેમણે દિલ્હીના લોકોને અભિનંદન પાઠવ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે વિદેશી નાગરિકોને ભારતમાં આયુષની સારવાર કરાવવાની સુવિધા આપવા માટે વિશેષ આયુષ વિઝા સુવિધા શરૂ કરવામાં આવી છે અને થોડા જ સમયમાં સેંકડો વિદેશી નાગરિકોએ આ સુવિધાનો લાભ લીધો છે. આ કાર્યક્રમમાં બોલતા, જાધવે વડા પ્રધાનને તેમના નેતૃત્વ માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું, “આ સુવિધા સંશોધન અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળને આગળ વધારશે, જે સમગ્ર દેશમાં લાખો લોકો પર કાયમી અસર કરશે.”