December 21, 2024

PM નરેન્દ્ર મોદી 2 દિવસની ઐતિહાસિક મુલાકાતે કુવૈત પહોંચ્યા

Narendra Modi in Kuwait Visit: PM મોદી 2 દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા છે. PM નરેન્દ્ર મોદીએ કુવૈત શહેરમાં 101 વર્ષીય ભૂતપૂર્વ IFS અધિકારી મંગલ સૈન હાંડા સાથે મુલાકાત કરી હતી. PM મોદી કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈત શહેરની 2 દિવસની મુલાકાતે છે. છેલ્લા 43 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ બીજી મુલાકાત છે. તેમના પહેલા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી કુવૈત ગયા હતા. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન ભારત અને કુવૈતના સંબંધોમાં એક નવો ઐતિહાસિક અધ્યાય લખાય તેવી આશા છે.

નોંધનીય છે કે, કુવૈતની બે દિવસીય મુલાકાતે જતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે, પશ્ચિમ એશિયાઈ ક્ષેત્રની શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં ભારત અને ખાડી દેશોના સમાન હિત છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી એવા સમયે કુવૈતની મુલાકાતે છે જ્યારે બે સપ્તાહ પહેલા સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદનું શાસનનું પતન થઇ ગયું અને ગાઝામાં ઈઝરાયેલના હુમલા ચાલુ છે. પીએમ મોદીએ જતા પહેલા એક નિવેદનમાં કહ્યું, કુવૈતના ટોચના નેતૃત્વ સાથેની તેમની વાતચીત ભારત અને કુવૈત વચ્ચેની ભાવિ ભાગીદારી માટે કોર્સ તૈયાર કરવાની તક પૂરી પાડશે. વધુમાં કહ્યું, ‘અમે કુવૈત સાથેના અમારા ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ, જે પેઢીઓ સુધી ચાલે છે.’

ભારત-કુવૈત ભાગીદારી વધુ મજબૂત બનશે
અમે વેપાર અને ઉર્જા ક્ષેત્રે માત્ર મજબૂત ભાગીદારો નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં પણ અમારું સમાન હિત છે. મોદીએ કહ્યું કે તેઓ કુવૈતના અમીર, ક્રાઉન પ્રિન્સ અને PM સાથેની બેઠક માટે ઉત્સુક છું. તેમણે કહ્યું, “હું કુવૈતમાં ભારતીય પ્રવાસીને મળવા માટે ઉત્સુક છું, જેમણે બંને દેશો વચ્ચે મિત્રતાના બંધનને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.