June 30, 2024

શપથ લીધાના 16 કલાકમાં જ PM Modi એક્શન મોડમાં, ખેડૂતો માટે મોટો નિર્ણય

PM Modi: ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને મોટી ભેટ આપી છે. PM કિસાન સન્માન નિધિના 17મા હપ્તા તરીકે 17 હજાર કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતો લાંબા સમયથી આ હપ્તાની રાહ જોઈ રહ્યા હતા. ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે જે પ્રથમ ફાઇલ પર સહી કરી તે ખેડૂતોના કલ્યાણની હતી. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરતા રહેવા માંગીએ છીએ.

2019 માં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના પાત્ર ખેડૂતોને વાર્ષિક રૂ. 6,000 ની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ રકમ દર ચાર મહિને રૂ. 2,000ના ત્રણ સમાન હપ્તામાં વહેંચવામાં આવે છે. જે લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. વચગાળાના બજેટ મુજબ સરકારે 2024-25 માટે કૃષિ મંત્રાલય માટે 1.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. જે નાણાકીય વર્ષ 2023-24 કરતાં થોડું વધારે છે. જુલાઇ 2024માં સંપૂર્ણ બજેટની જાહેરાત થવાની સંભાવના છે.

આ પણ વાંચો: મહિલા મંત્રીઓની સંખ્યા ઘટી, 33 નવા ચહેરા… ‘મોદી મંત્રીમંડળ 3.0’નાં લેખાજોખા

PM-કિસાન યોજનાઃ આ યોજના દેશના તમામ જમીનધારક ખેડૂતોના પરિવારોને ખેતી અને સંબંધિત કામ તેમજ તેમની ઘરેલું જરૂરિયાતો પૂરી કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમ ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેને ડિસેમ્બર 2018થી લાગુ કરવામાં આવી હતી. અગાઉ દેશના વડા પ્રધાને 28 ફેબ્રુઆરીએ PM કિસાન સન્માન નિધિનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો. 16મા હપ્તામાં 9 કરોડથી વધુ ખેડૂતોને 21 હજાર કરોડ રૂપિયાથી વધુની છૂટ આપવામાં આવી હતી.

તમે કિસાન પોર્ટલની મુલાકાત લઈને તમારા ખાતામાં PM કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાના આગમનની સ્થિતિ ચકાસી શકો છો. અહીં અમે તમને જણાવીશું કે તમે તે કેવી રીતે કરી શકો.

1. PM કિસાન પોર્ટલ https://pmkisan.gov.in/ પર જાઓ.
2. “કિસાન કોર્નર” પર ક્લિક કરો.
3. “લાભાર્થીની યાદી” વિકલ્પ પસંદ કરો.
4. રાજ્ય, જિલ્લો, તાલુકા, બ્લોક અને ગામ જેવી જરૂરી વિગતો ભરો.
5. “Get Report” બટન પર ક્લિક કરો.
6. અહીં તમારું નામ લાભાર્થીની યાદીમાં દેખાશે.

જો તમને PM કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તમે PM કિસાન સન્માન નિધિ હેલ્પલાઈન (1800-115-5525)નો સંપર્ક કરી શકો છો.