PM મોદીએ પહલગામ આતંકવાદી હુમલાની કરી નિંદા, કહ્યું-કોઈને પણ બક્ષવામાં નહીં આવે

Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામ જિલ્લામાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર કાયરતાભર્યો હુમલો કર્યો છે. આ હુમલામાં એક પ્રવાસીનું મોત થયું છે, જ્યારે 12થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ અને કાશ્મીર જવા રવાના થઈ ગયા છે. આ ઘટના બાદ એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ છે. PM મોદીએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, પીએમ મોદીએ કહ્યું કે હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલદી સ્વસ્થ થાય.

પીએમ મોદીએ કરી નિંદા
પીએમ મોદીએ X પર લખ્યું, ‘જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલદીથી સ્વસ્થ થાય. અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. કોઇને છોડવામાં નહીં આવે! તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો આપણો સંકલ્પ દ્રઢ છે અને તે વધુ મજબૂત બનશે.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે શું કહ્યું?
કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આ મામલે પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ લખ્યું, ‘પહલગામ (જમ્મુ અને કાશ્મીર) માં થયેલા આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ દુઃખ થયું.’ નિર્દોષ નાગરિકો પર આ કાયરતાપૂર્ણ હુમલો કાયરતાપૂર્ણ અને અત્યંત નિંદનીય છે. મારી સંવેદના અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. લશ્કર-એ-તૈયબાના સંગઠન TRFએ પહેલગામમાં થયેલા આ આતંકવાદી હુમલાની જવાબદારી લીધી છે. નોંધનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદી હાલમાં સાઉદી અરેબિયાના પ્રવાસે છે, જ્યાંથી તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી છે.